Ahmedabad ACB apprehends 8 second phone call trapped in Vadodara Navlakhi Case
  • Home
  • Featured
  • ‘બીડી પીણી..!’નો સંવાદ નવલખી ગેંગરેપના આરોપીઓને ભારે પડ્યો, 8 સેકન્ડનો કોલથી જાણો કેવી રીતે ઝડપાયા

‘બીડી પીણી..!’નો સંવાદ નવલખી ગેંગરેપના આરોપીઓને ભારે પડ્યો, 8 સેકન્ડનો કોલથી જાણો કેવી રીતે ઝડપાયા

 | 7:15 am IST

નવેમ્બરની ૨૮ તારીખે પોતાના મિત્ર સાથે ઉર્સના મેળામાં ગયેલી ૧૪ વર્ષીય સગીરાને વડોદરાના નવલખી મેદાનમાંથી ઝાડીઓમાં લઇ જઇ દુષ્કર્મ આચરનારા બે નરાધમોએ દસ દિવસ પોલિસને હંફાવ્યા બાદ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તેમને પકડી પાડયા છે. રવિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે નવલખી દુષ્કર્મ કેસમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય કિશન કાળુભાઇ માથાસુરિયા અને ૨૧ વર્ષીય જશો વનરાજ સોંલકી નામના યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

મોબાઇલ લોકેશન તથા સીડીઆર, સીસીટીવી ફુટેજ અને દુષ્કર્મની ઘટના બની તે જગ્યાની આસપાસ રહેતા કે ધંધો કરતા લોકોની પૂછપરછના આધારે બન્ને નરાધમોને પકડવામાં સફળતા મળી છે એવો દાવો કરનારી ક્રાઇમ બ્રાંચે મોબાઇલ લોકેશનના આધારે શનિવારે વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા એક યુવકની પૂછપરછ કરી હતી. આ યુવક પાસેથી સગીરા સાથે ફરવા જનારા તેના મિત્રના એક્ટિવાની ચાવી મળી આવી હતી.

બન્ને યુવકોએ દુષ્કર્મ કર્યું ત્યારે સગીરાનો મિત્ર એક્ટિવા પર ભાગી અન્ય કોઇને જાણ ન કરી દે તે હેતુથી તેની પાસેથી એક્ટિવાની ચાવી લઇ લીધી હતી. આ ચાવી મળી આવતા યુવક દુષ્કર્મમાં સામિલ છે તે સ્પષ્ટ થયું હતું અને તેની આકરી પૂછપરછ કરાતાં તેણે તેને સાથ આપનારા તરસાલીના જ અન્ય યુવકની ઓળખ આપી હતી, જેના પગલે આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચના દાવા મુજબ આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા તે પછી બન્ને યુવકો પકડાઇ ન જાય તે માટે ઘરની બહાર જ નીકળ્યા ન હતા જેના કારણે તેમને પકડવામાં દિવસો નીકળી ગયા હતા. વધુમાં પોલિસે એમ પણ જણાવ્યું હતું કે આ બન્ને યુવકો સામે વડોદરાના પોલિસ સ્ટેશનમાં ઘરફોડ તથા મારામારીના અન્ય ગુના પણ નોંધાયેલા છે.

બન્ને આરોપીઓ ફુગ્ગા વેચી ચોરીનો મોકો શોધતાં

બે નરાધમો પૈકી કિસન માથાસુરિયા મૂળ તારાપુરા, આણંદ જિલ્લાનો જ્યારે જશો સોલંકી મૂળ રાજકોટ નજીકના જસદણનો વતની છે. બન્ને આરોપીઓ દેખીતી રીતે ફુગ્ગા વેચવાનું કામ કરતાં અને તક મળે ત્યારે ચોરી કે ઘરફોડનું કામ કરતાં એવી માહિતી પોલિસે આપી હતી.

‘બીડી પીણી..!’નો સંવાદ આરોપીઓ સુધી લઈ ગયો

દુષ્કર્મ કરતી વખતે બંને આરોપી પૈકીના એક આરોપીએ અન્યને ‘બીડી પીણી’ એવું પૂછયું હતું.  તેણે ઈનકાર કર્યો હતો. બીડી પીણી આ શબ્દ સાંભળીને પીડિતાએ અનુમાન કર્યું હતુ કે, આરોપીઓ મારવાડી ભાષા બોલતા હતા. પરંતુ આ એક શબ્દ રેપિસ્ટો સુધી પહોંચવામાં મહત્વની કડી સાબીત થયો હતો. ત્યારે બીજો આરોપી નજીકમાં જ બે પગ ઉપર બેસીને બીડી પીવે છે. આ સંવાદ પરથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાંચ ક્યારે જોડાઇ તેનો ફોડ નહીં

પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાંચ ક્યારે તપાસમાં જોડાઇ એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો હતો, છતાં પણ તે અંગે કોઇ માહિતી ન આપતાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું હતું કે ગૃહમંત્રીના આદેશને પગલે ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઇ હતી.

૮ સેકન્ડના કોલથી અને ટ્રુ કોલરમાં ફોટાના આધારે બંને નરાધમો ઝડપાયા

આરોપીઓ કેવી રીતે પકડાયા તેની માહિતી તો ક્રાઇમ બ્રાંચે જાહેર કરી ન હતી, પરંતુ સુત્રોએ એવી વાત વહેતી કરી હતી કે ઘટના સમયે જે ફોન આજુબાજુના લોકેશનમાં એક્ટિવ હતા દુષ્કર્મના સ્થળેથી જ આરોપીના ફોન પરથી માત્ર આઠ સેકન્ડ માટે એક કોલ કરવામાં આવ્યો અને આ નંબરને ટ્રુ કોલર પર સર્ચ કરતાં તેમાં રહેલો ફોટો આરોપીના સ્કેચ સાથે મળતો હતો અને તેના આધારે પોલિસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

સગીરાના મિત્રને ભગાડી દુષ્કર્મ કર્યું

૨૮ નવેમ્બરની રાતે ૮ વાગ્યાના સુમારે પોતાના મિત્ર સાથે ઉર્સનો મેળો માણ્યા પછી સગીરા નવલખી મેદાનમાં એકાંતમાં બેસવા ગયા હતા. જ્યાં પહોંચી ગયેલા બન્ને આરોપીઓએ પહેલા તો સગીરાના મિત્રને અહીં કેમ બેઠા છો એમ પૂછી તેને મારમારી ત્યાંથી ભગાડયો હતો અને તેના એક્ટિવાની ચાવી પણ છીનવી લીધી હતી. તે પછી સગીરાને લક્ષ્મીવિલાસ પેલેસ પાછળ આવેલી આંબાની વાડીમાં લઇ જઇ તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું એ જો કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકી પણ આપી તેઓ સગીરાને એકલી છોડીને ભાગી ગયા હતા. દરમિયાન સગીરાનો મિત્ર પીસીઆર વાન લઇને આવ્યો હતો અને તે પછી સગીરાએ પોતાના પરિવારજનો સાથે વાત કર્યા પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પાંગળી બની, સર્વેલન્સ સિવાય કોઇ જ હથિયાર નથી !

પોલિસે પકડેલા બન્ને આરોપીઓ પૈકી એક સામે ૨૦૧૫માં અને બીજા સામે ૨૦૧૭માં વડોદરામાં જ ગુનો નોંધાયેલો છે. પીડિતાના વર્ણનના આધારે આ બન્ને આરોપીઓના અનેક સ્કેચ બનાવાયા હતા અને અગાઉ ગુનો નોંધાયેલો હોય એટલે સ્વાભાવિકપણે વડોદરા પોલીસથી લઇ ડીજી ઓફિસ, એફએસએલ, ક્રાઇમ બ્રાંચ અને એસસીઆરબી સહિત અનેક જગ્યાએ આ આરોપીઓના ફોટા સહિત વિવિધ ડેટા હોય જ.

છતાં ગુજરાત પોલિસે આ ડેટાના આધારે સ્કેચ સાથે ડેટા અંતર્ગતના ફોટા સરખાવવાની તસ્દી લીધી નથી. આ પ્રકારે ફોટા તો હવે હાઇટેક મોબાઇલમાં પણ સરખાવી શકાય છે. આરોપીઓ પકડાયા તે પછી વડોદરા પોલિસ એવો દાવો કરે છે કે પીડિતાને ત્રણ હજાર ફોટા બતાવવામાં આવ્યા હતા.

જો હકીકતમાં આવું હોત તો આરોપીઓ ઘણા વહેલા પકડાઇ ગયા હોત. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા પોલિસનું બાતમીદારોનું નેટવર્ક પણ અત્યંત પાંગળું છે નહીં તો બાતમીદારો પણ આરોપીઓને સહેલાઇથી ઓળખી શક્યા હોત.

મોબાઇલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડવાનો દાવો કરવામાં આવે છે ત્યારે પોલિસ પોતાના ડેટાનું માઇનિંગ કરવાને બદલે માત્ર ટેકનિકલ સર્વેલન્સ પર આધાર રાખી કેટલી પાંગળી બની ગઇ છે, તેની પ્રતિતી આ કેસ કરાવે છે. વધુમાં આઇપીએસ એડીજીપી અનિલ પ્રથમના પોલિસ મહિલા દુષ્કર્મના કેસમાં નિષ્ઠાથી કામ કરતી નથી એવા નિવેદનને પણ સાચુ ઠેરવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન