Ahmedabad Architech made blue print that how Ram Mandir will look like in Ayodhya
  • Home
  • Ahmedabad
  • અયોધ્યામાં આવુ બનશે ભવ્યાતિભવ્ય રામ મંદિર! અમદાવાદમાંથી સામે આવી મંદિરની બ્લૂ પ્રિંટ

અયોધ્યામાં આવુ બનશે ભવ્યાતિભવ્ય રામ મંદિર! અમદાવાદમાંથી સામે આવી મંદિરની બ્લૂ પ્રિંટ

 | 2:00 pm IST

70 વર્ષોથી જેની ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સંવેદનશીલ એવા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિર બનાવવાનું જોર પુરજોશમાં ચાલશે, પરંતુ તમને જાણીને ગર્વ થશે કે રામમંદિરની જે ડિઝાઇન બનાવવામાં આવી છે તે અમદાવાદના એક જાણીતા આર્કિટેકે બનાવી છે.

અમદાવાદમાં સ્થાયી સોમપૂરા પરિવારના ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપૂરાએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં તૈયાર કરી છે. આ બ્લુ પ્રિન્ટની મદદથી સમજી શકાય છે કે રામમંદિર જ્યારે બનશે ત્યારે તે કેવું ભવ્યાતિભવ્ય હશે. સંદેશ સાથે વાતચીત કરતાં ચંદ્રકાંત સોમપૂરાએ જણાવ્યું કે ભારતવર્ષના તમામ મંદિરોમાંથી સૌથી અજોડ અને અકલ્પનીય રામમંદિર તૈયાર થશે. રામ મંદિર માટે જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તે મુજબ કુલ આશરે 1.75 લાખ ઘનફૂટ પથ્થરની જરૂર પડવાની છે. તે પૈકી એક લાખ ઘનફૂટ પથ્થર અયોધ્યામાં પહોંચી ગયા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સોમપુરાએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સોમપુરાએ જણાવ્યું હતું કે, 270 ફૂટ લાંબુ અને 145 ફૂટ પહોળૂ રામ મંદિર બનશે, જ્યારે 141 ફૂટ ઉંચૂ નાગર શૈલીનું મંદિર અયોધ્યામાં આકાર લેશે. બે મજલાના મંદિરમાં નીચે રામલલ્લા અને તેની ઉપર રામદરબાર બીરાજશે. રામ મંદિરની અંદર 6 ફૂટની રામ ભગવાનની મુર્તી મંદિરમાં હશે. આ સિવાય સોમપુરાએ જણાવ્યું કે, સમગ્ર રામ મંદિર 250 પીલર ઉપર મુખ્ય મંદિર આકાર લેશે.

ચન્દ્રકાંત સોમપુરા તૈયાર કરાયેલ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે 69 એકર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે. આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે. જે મંદિરની બનાવટમાં જોવા મળશે.

રામમંદિર સકુંલમાં મુખ્ય મંદિર આસપાસ કુલ ચાર મંદિર બનાવાવમાં આવશે. જેમાં ભરત લક્ષ્મણ સીતા અને ગણપતિનું મંદિર હશે. જેના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે. આ ચાર મંદિર કોઈ એક દિશામાં નહીં પરંતુ ચારેય દિશામાં બનશે. રામમંદિર પરિસરમાં સુંદર 211 જેટલાં કોતરણીવાળો વિજય સ્તંભ પણ જોવા મળશે તે ભગવાન રામના વિજયનું પ્રતિક છે.

આ સાથે મદિરમાં રહેવા માટેની ધર્મશાળા હશે. જે ભક્તો આવે તેમની માટે ભોજનશાળા પણ હશે. આ સિવાય મંદિરમાં રિસર્ચ સેન્ટર પણ બનાવાવમાં આવશે. જેમાં રામાયણ અને મહાભારત વિશે જો કોઈને અભ્યાસ કરવો હોય તો તે માટેના પુસ્તકો અહીં મળશે. જેની પાસે એક લાઈબ્રેરી પણ અલગથી બનાવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન