Ahmedabad Civil In the old woman kept hitting at night and the staff was busy looking at the mobile
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ સિવિલમાં વૃદ્ધા રાતે તરફડિયા મારતાં રહ્યા ને સ્ટાફ મોબાઇલ જોવામાં વ્યસ્ત, દર્દીએ વીડિયો કોલ કરતાં પરિવાર દોડ્યો, આખરે મોત

અમદાવાદ સિવિલમાં વૃદ્ધા રાતે તરફડિયા મારતાં રહ્યા ને સ્ટાફ મોબાઇલ જોવામાં વ્યસ્ત, દર્દીએ વીડિયો કોલ કરતાં પરિવાર દોડ્યો, આખરે મોત

 | 6:35 am IST
  • Share

સિવિલની કોવિડ હોસ્પિટલમાં ઘાટલોડિયાના ૭૦ વર્ષીય વૃદ્ધા કોકિલાબહેન પટેલનું બુધવારે મોત થયું હતું. આ દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે, સિવિલ તંત્રની બેદરકારીના કારણે મોત થયું છે, દર્દીના સગાએ કહ્યું કે, વૃદ્ધાએ રાતે ૨.૩૦ વાગ્યે પરિવારને વીડિયો કોલ કર્યો હતો, તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી પણ આજુબાજુમાં કોઈ સ્ટાફ નહોતો, એટલે વૃદ્ધાએ ઘરે ફોન કર્યા હતા, એ પછી પરિવારજનો હોસ્પિટલે દોડયા ત્યારે ફરજ પરનો સ્ટાફ મોબાઈલ ફોન જોવામાં વ્યસ્ત હતો તો કેટલાક સૂઈ ગયેલા નજરે પડયા હતા.

બુધવારે બપોરે સિવિલ તંત્રે તેમના સગાનું મોત થયાની જાણ કરી હતી. મૃતકના સગાએ કહ્યું કે, કોકિલાબહેનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો, રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવારે દાખલ કરાયા હતા, પરિવારજનો બપોરે થોડોક સમય હોસ્પિટલ બહાર રહ્યા હતા એ પછી ઘરે રવાના થયા હતા, દરમિયાન મોડી રાતે અઢી વાગ્યા આસપાસ કોકિલાબહેને ઘરે વીડિયો કોલ કર્યો હતો, ઈશારાથી શ્વાસ લેવામાં તકલીફ હોવાનું તેમ જ આસપાસમાં કોઈ જ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

પરિવારજનો મોડી રાતે ત્રણ વાગ્યે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પરિવારજનોએ કોકિલાબહેનની દેખરેખમાં બેદરકારી મામલે હોબાળો મચાવ્યો હતો એ પછી દર્દીને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવા તજવીજ કરી હતી, એ પહેલાં સગા પાસેથી સહી કરાવવામાં આવી હતી કે, કંઈ પણ થશે તો જવાબદારી તેમની રહેશે.

સિવિલમાં સ્ટાફની તંગી તાત્કાલિક દૂર કરવી જરૂરી 

હોસ્પિટલ સૂત્રો કહે છે કે, સિવિલમાં પહેલાં તો સ્ટાફની તંગી છે એ દૂર કરવાની જરૂર છે, સાથે જ સંખ્યાબંધ સિનિયર ડોક્ટરોને અત્યારે સાઈડ લાઈન કરાયા છે તેમને સાથે રાખી કામગીરી કરવાની જરૂર છે.

સિવિલમાંથી છ દિવસમાં ૬૨ ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડ કોવિડ ડેડ બોડી વિભાગ પાસે બુધવારે પણ સવારથી સાંજ સુધીમાં ૧૨ જેટલી ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી હોવાનું નજરે જોનારાએ કહ્યું હતું. આમ છ દિવસમાં ૬૨ જેટલી ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી હતી.

ખાનગી હોસ્પિટલોમાં માંડ ૪૭ વેન્ટિલેટર, ૭૯ ICU બેડ ખાલી

શહેરની ૧૦૦ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં અત્યારે ૩૩૦૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ૬૪૩ બેડ ખાલી રહ્યા છે. વેન્ટિલેટર બેડ માંડ ૪૭ અને આઈસીયુ બેડ ૭૯ ખાલી રહ્યા છે. એ જ રીતે આઈસોલેશન વોર્ડમાં ૨૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે તદુપરાંત એચડીયુમાં ૨૪૧ બેડ ખાલી રહ્યા છે.

સોલા સિવિલમાં RTPCRના રિપોર્ટ ઢગલામાં શોધવા પડે

સોલા સિવિલ હોસ્પિટલમાં આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ જે તે દર્દીને હાથમાં આપવામાં આવતો નથી, તેને બદલે ઢગલો કરીને રિપોર્ટ મૂકી દેવાય છે, જાતે ઢગલામાંથી રિપોર્ટ શોધે છે તેમ સૂત્રો કહી રહ્યા છે.

રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓના સગાંઓનો રઝળપાટ

કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ દર્દીઓના સગા હજુયે રઝળપાટ કરી રહ્યા છે, કેટલી ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીના સગાં ઈન્જેક્શન માટે આમ તેમ ભટકી રહ્યા છે, મોટે ભાગે મળતાં નથી અને જ્યાં મળે છે તે તેમને મોંઘા ભાવે ખરીદવા પડે તેવી સ્થિતિ હોવાનું દર્દીઓનાં સગાનું કહેવું છે.

૧૨૦૦ બેડ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ, ૮૯૯ દર્દી સારવાર હેઠળ 

કોરોનાના કેસો વધતાં સિવિલની ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ સંપૂર્ણ પણે કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ છે, મહિલાઓ અને બાળકો માટેની સારવાર ફરી એક વાર જૂની સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે ખસેડવામાં આવી છે. ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં બુધવાર સાંજની સ્થિતિએ કુલ ૮૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ૨૫૬ દર્દીઓ વેન્ટિલેટર અને બાયપેપ પર છે જ્યારે ૪૦૭ દર્દીઓ ઓક્સિજન ઉપર છે. ૨૩૬ દર્દીઓ સામાન્ય સ્થિતિ વાળા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી મંજુશ્રી મિલ કંપાઉન્ડની નવી કિડની હોસ્પિટલમાં ૧૨૪ દર્દીઓ રિફર કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન