અ'વાદમાં ઘરઆંગણેથી લૂંટારૂઓએ 11.80 લાખની દિલધડક લૂંટ ચલાવી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં ઘરઆંગણેથી લૂંટારૂઓએ 11.80 લાખની દિલધડક લૂંટ ચલાવી

અ’વાદમાં ઘરઆંગણેથી લૂંટારૂઓએ 11.80 લાખની દિલધડક લૂંટ ચલાવી

 | 9:13 am IST

 

અમદાવાદમાં બેફામ બનેલા લૂંટારુઓએ શુક્રવારે ફરી વધુ એક રૂ.11.80 લાખની દિલ ધડક લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. નરોડામાં રહેતા વેપારી ભરતભાઇ પટેલ ગાડી લઇને ઘરે આવ્યા ત્યારે અગાઉથી જ તેમની રાહ જોઇને ઘર આંગણે ઉભા રહેલા બે લૂંટારુઓ તેમની ગાડીમાંથી રૂ.11.80 લાખ ભરેલી બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર આવેલા બંને લૂંટારુઓ સોસાયટીની અંદર ઘર આંગણેથી પૈસા ભરેલી બેગ લૂંટી ગયા હોવા છતાં પોલીસ તેમને પકડવાના બદલે ભોગ બનનાર વેપારીની ઉલટ તપાસ કરી રહી છે.

ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાની તપાસ માટે પહોંચ્યા હતા. હાલ પોલીસે સોસાયટીના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ દેવી મલ્ટીપ્લેક્સ પાસે રહેલી તેમની દુકાનના સીસીટીવી ફુટેજ તેમજ સોસાયટીના રોડ બહારના ફુટેજ પણ મેળવવાની શરૂઆત કરી છે. જો કે પોલીસ માની રહી છે કે લૂંટને અંજામ આપતા પહેલા લૂંટારૂઓએ કેટલાંક દિવસો સુધી ભરતભાઈની સમગ્ર હિલચાલની રેકી કરી હશે. જે આધારે પોલીસ આ ઘટનામા જાણભેદુ હોઈ શકે તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે નરોડાની શુક્રવારની લૂંટ સાથે અમદાવાદમાં છેલ્લા 25 દિવસમાં લૂંટારુઓ 6 લૂંટની ઘટનામાં રોકડા રૂ.66 લાખ લૂંટી ગયા છે.તેમ છતાં આપણી જાંબાઝ પોલીસ લૂંટનો એક પણ ગુનો શોધી શકી નથી કે લૂંટારુઓને પકડી શકી નથી. પોલીસ લૂંટારુઓ સુધી પહોંચી નહીં શકતા દિન પ્રતિદિન તેમની હિંમત વધી છે અને તેઓ બેફામ બનીને ખુલ્લેઆમ લૂંટ કરી રહ્યા છે.

થોડાંક દિવસ અગાઉ એક જ રાતમાં વટવા રોકડા બ્રિજ પાસે દંપતી અને દરિયાપુર મસ્કતી માર્કેટ પાસે શેરબજારની ઓફિસમાં કામ કરતા કર્મચારી પાસેથી પણ કુલ 13 લાખની લુંટ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન