Ahmedabad-Gandhinagar 3 meeting lead to increased prestige issue for BJP
  • Home
  • Election 2019
  • અમદાવાદ-ગાંધીનગરની આ 3 બેઠકમાં લીડ વધારવી BJP માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન!

અમદાવાદ-ગાંધીનગરની આ 3 બેઠકમાં લીડ વધારવી BJP માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન!

 | 7:55 am IST

। ગાંધીનગર । વિવેક ઓઝા

ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા ક્ષેત્ર દાયકાઓથી ભાજપના ગઢ રહ્યા છે. આ ત્રણેય બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે પરંતુ, વિજેતા ઉમેદવારોની લીડ કોંગ્રેસ કેટલી કાપી શકે છે તેના ઉપર સૌની નજર છે.

ભાજપ માટે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીના મોદીવેવમાં મેળવેલી જીતની લીડ વધારવી એ જ સૌથી મોટો પડકાર છે. કારણ કે, આ ત્રણેય મતક્ષેત્રોના અધિકાંશ મતદારો શહેરી નાગરીકો છે. ૨૩ એપ્રિલે તાપમાન વધ્યુ તો મતદાન પ્રત્યે મતદારોની ઉદાસીનતા ભાજપ તરફી વોટમાં ઘટાડો કરે એમ માનવામાં આવી રહ્યું છે.

ત્રણ દાયકા દેશની રાજનીતિમાં હાઈ પ્રોફાઈલ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાંથી આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સ્વયં ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીવેવ વખતે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીને મતદારોએ ૪,૮૩,૧૨૧ મતોની લીડ આપી હતી.

વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ૬ લાખ મતોની લીડથી વિજયી કરવા પ્રદેશ અને અમદાવાદ- ગાંધીનગર શહેર ભાજપનું સંગઠન મેદાને પડયુ છે. આ બેઠક ઉપર ૧૯.૨૧ લાખ ઉપરાંત મતદારો છે. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં ભાજપની લીડ ઘટી ૨.૮૩ લાખે પહોંચી હતી. અડવાણીએ અપાવેલી ૪.૮૩ લાખની લીડમાં બે લાખનો ઘટાડો થતા ભાજપ માટે ગાંધીનગરમાં મોટો પડકાર સર્જાયો છે.

જેની પહોંચી વળવા ભાજપે બુથ લેવલે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. આ એક બેઠક ઉપર જંગી લીડથી જીતવાના પ્રતિષ્ઠાભર્યા પ્રદેશથી લઈને અમદાવાદ- ગાંધીનગર શહેરનું ભાજપનું સંગઠન કામે લાગ્યુ છે. મતદાનના દિવસે મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઈ જઈ ભાજપની તરફી મતદાન કરાવવાની કૂનેહ ભાજપના સંગઠન પાસે છે.  અમદાવાદ પુર્વ અને પશ્ચિમમાં અનુક્રમે હસમુખ પટેલ અને ડો.કિરિટ સોલંકીની લીડમાં ગાબડા પડે તો નવાઈ નહી !

ગાંધીનગર બેઠક પર એક જ ગામના બે જમાઈ વચ્ચે જંગ

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય એવા ડો. સી. જે. ચાવડાને મેદાને ઉતાર્યા છે જોકે, તેઓની હાર નિશ્ચિત છે. તેઓ કેટલા ઓછા ર્માિજનથી હારે છે તે મહત્વનું છે.

ચાવડા પૂર્વ સરકારી ઓફિસર રહી ચૂક્યા છે, કલોલમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે અને સાણંદના ખેડૂતો સરકારથી નારાજ છે ત્યારે ભાજપે લીડ વધારવા એડીચોટીનું જોર લગાડયું છે. આ બંને ઉમેદવારો એક જ ગામના જમાઈ છે આથી, ગ્રામ્ય વિસ્તારોમાં લીડનો મુદ્દો નાકનો સવાલ બની ઉભર્યો છે.

એલિબ્રિજ, મણીનગરમાં મતદાન ઘટે તો અમદાવાદ પશ્ચિમમાં ભાજપ માટે મુશ્કેલી

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાની ૭ પૈકી દરિયાપુર, જમાલપુર અને દાણીલીમડા બેઠકો મેળવી અહીં કોંગ્રેસ મજબૂત છે. ગરમીમાં એલિસબ્રીજ, મણિનગરમાં મતદાન ઘટે અને કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતા દલિત, લધુમતી મતદારોનું મતદાન વધે એ બાબત સાંસદ તરીકે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ભાજપના ડો.કિરિટ સોંલકી માટે ચિંતાનો વિષય છે.  વર્ષ ૨૦૧૪માં તેમણે ૩.૨૦ લાખની જંગી લીડ મેળવી હતી.

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપનો ઉત્સાહ, પેટાચૂંટણીની હાલથી તૈયારી

અમદાવાદ પૂર્વ લોકસભામાં ભાજપમાંથી હસમુખ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. સ્થાનિક કાર્યકરો, નેતાઓમાં તો ધારાસભ્ય હસમુખ પટેલ સાંસદ થાય અને અમરાઈવાડી વિધાનસભા ખાલી પડે એટલે ગાંધીનગરનો રસ્તો ખુલે તેવો માહોલ છે. તેના માટે ૩૦ જેટલા દાવેદારોના નામો પણ ફરતા થયા છે. કોંગ્રેસે તેમની પાટીદાર આંદોલનકારી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. છેલ્લે પરેશ રાવલને ૩.૩૬ લાખ મતોની સરસાઈથી વિજય મળ્યો હતો.

સાબરમતીના કાંઠાની વિચારધારા દેશની દશા અને દિશા નક્કી કરે છે

સાબરમતીનો કાંઠે ૧૨મી સદીથી ગુજરાત અને ભારતીય ઉપખંડમાં રાજકિય, આર્િથક, સમાજિક, તકનીકી બદલાવની આગેવાની લેતો રહ્યો છે. ગુજરાતના સ્થાપનાના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સોલંકી, મુઘલ, મરાઠા, બ્રિટિશ રૂલ અને સ્વતંત્રતા આંદોલન, નવનિર્માણથી કટોકટી, દેશમાં બિનકોંગ્રેસવાદ અને હવે સાંપ્રત સમયમાં ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર એમ દરેક કાળખંડમાં આ ક્ષેત્રનું નેતૃત્વ રહ્યુ છે.

સ્વતંત્રકાળના આરંભે આ ક્ષેત્રમાં કોંગ્રેસની મવાળ અને સમાજવાદી વિચારધારા હેઠળ રહ્યો. જો કે, ૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસના ભાગલા બાદ પહેલીવાર અહીંથી જ દેશમાં બિનકોંગ્રસી સરકારના પ્રયાસો શરૂ થયા હતા. પછીના ૧૦ જ વર્ષમાં ભાજપની જમણેરી વિચારધારા પણ ફુલી ફાલી અને હવે દેશભરમાં વિસ્તરી છે. આમ, વૈચારિક, સામાજિક સમૃધ્ધ સાબરમતીના કાંઠે વસેલા અમદાવાદ, ગાંધીનગરમાં જે રાજકીય વિચારધારાના મુળિયા ઊંડા હોય તેનો પવન દેશની દિશા અને દશા નક્કી કરતો રહ્યો છે.

સાંપ્રત સમયમાં બંને જિલ્લામાં સભા ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત વધી છે. કોંગ્રેસના ધારાસભ્યો વધીને આઠ થયા છે. પાલિકા- પંચાયતોમાં સત્તા સ્થાને છે ત્યારે કોંગ્રેસને આગળ વધતા તો ઠીક પણ જ્યાં છે ત્યાંથી પાછી વાળવા લાંબાગાળાની રણનીતિને ધ્યાને રાખી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સ્વયં ચૂંટણીના મેદાને છે.

આ બંને જિલ્લાની ૮૪.૧૦ લાખથી વધારે વસ્તી પૈકી ૭૩.૬૨ લાખથી વધારે મતદારો  છે. જે મહેસાણા, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર એમ પાંચ લોકસભામાં વિભાજીત છે. અમદાવાદ, ગાંધીનગરની ૩ બેઠકોમાં કુલ ૬૩.૪૧ લાખ મતદારો છે અને ૧૦.૬૧ લાખ મતદારો અન્ય ત્રણ લોકસભામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન