Ahmedabad Girl Reach High Court For Husband Sperm Sample Takes For IVF To Keep Her Husband Love Alive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લૈલા-મજનૂની પ્રેમકહાનીને ટપી જાય તેવી અ’વાદની યુવતી, ભરૂચના યુવાનની પ્રેમકથા, HCમાં જજ-વકીલો પણ ભાવુક

લૈલા-મજનૂની પ્રેમકહાનીને ટપી જાય તેવી અ’વાદની યુવતી, ભરૂચના યુવાનની પ્રેમકથા, HCમાં જજ-વકીલો પણ ભાવુક

 | 7:47 am IST
  • Share

કેનેડાથી આવેલા ભરૃચના યુવાન કોરોના સંક્રમિત થતા અકાળે જીવનની સંધ્યાએ પહોંચેલા પતિના સંતાનની પત્નીની મહેચ્છા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સાકાર થઈ છે. ગુજરાત હાઇકોર્ટે ગણતરીની મિનિટોમાં આપેલા ચુકાદાની ટેલિફોનિક જાણ ગઈકાલે સાંજે ૫ કલાકે હોસ્પિટલને થઈ હતી. ત્યારબાદ ૩ કલાકમાં જ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે એક્મો સપોર્ટ પર રહેલા યુવાનના વીર્યના નમૂના લઈ ઐતિહાસીક કોર્ટના નિર્ણયને અમલમાં મુક્યો હતો.

શહેરની સ્ટર્લિંગ હોસ્પિટમાં દાખલ ૨૫ વર્ષનો યુવાન કોરોનાને કારણે અકાળે જીવનની સંધ્યાએ પહોંચ્યો છે. હોસ્પિટલના બિછાને દાખલ યુવાન પતિ અને તેની પત્ની વચ્ચેનો પ્રેમ લૈલા-મજનુને પણ વળોટી જાય તેવો છે. અમદાવાદની યુવતી અને ભરૃચના યુવાનની પ્રેમ કહાની સાત સમુદ્ર દુર કેનેડામાં શરૃ થઈ હતી. કેનેડામાં કોરોના મહામારી દરમિયાન ગુજરાતનું પ્રેમી યુગલ નવ મહિના અગાઉ જ લગ્નના તાંતણે બંધાયું હતું. લગ્નના ચાર મહિના બાદ ભરૃચ રહેતા પિતાની હાર્ટની બિમારીને કારણે યુવાન કેનેડાથી પરત આવ્યો હતો. પુત્રએ પિતાની સતત સારવાર કરી હતી. આ સમયગાળામાં યુવાન પણ કોરોનાની ઝપટમાં આવ્યો હતો. પતિને કોરોના થયા હોવાની જાણ થતા પત્ની પણ કેનેડાથી માદરે વતન પરત આવી હતી.

ભરૃચની સ્થાનિક હોસ્પિટલમાં યુવાનને પ્રાથમિક સારવાર અપાયા બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વર્તમાન પરિસ્થિતિમાં યુવાનના ફેંફસા સહિત શરીરના અન્ય અવયવો કામ કરતા લગભગ બંધ થઈ ગયાં છે. છેલ્લાં ૪૫ દિવસથી યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયો છે. પતિની સતત કથળતી હાલત જોઈ ૨૪ વર્ષની પત્ની સહિતનો પરિવાર ઈશ્વર પાસે ચત્મકારની પ્રાર્થના કરી રહયો છે.

બીજી તરફ, અકાળે જીવનની સંધ્યાએ પહોંચેલા પતિના સંતાનની જ પોતે માતા થાય તેવી પત્નીએ જીદ કરી હતી.

પત્નીએ ગત શનિવારે હોસ્પિટલમાં પોતાના પતિથી જ સંતાન થાય તે મુદ્દે ડોક્ટર્સ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ડોક્ટર્સે સલાહ આપતા આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર કિસ્સો ગણી ગણતરીની મિનિટોમાં ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે એક્મો સપોર્ટ પર રહેલા યુવાનના વીર્યના નમૂના અડધો કલાકમાં લીધાં હોવાનું સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર અનિલ નાંબિયાડે જણાવ્યું હતું.

ઓનલાઇન સુનાવણીમાં જજ- વકીલો ભાવુક બન્યાં

હાઇકોર્ટમાં પતિના વીર્યના નમૂના સંગ્રહ માટે પત્નીની અરજીની ગઇકાલે ઓનલાઇન સુનાવણી દરમિયાન સરકારી વકીલે અલૌકિક પ્રેમનો શબ્દ ઉચ્ચારી વિરોધ કર્યો ન હતો. સુનાવણી દરમિયાન કાયદાના જાણકારો પણ ભાવુક થયાં હતાં. પત્નીની અરજીને માન્ય રાખતો ચુકાદો આપનાર જજ પણ થોડી ક્ષણો સુધી મૌન રહ્યાં હતાં.

યુવાનના સ્પર્મ લેવામાં ૩ કલાક જેટલો સમય કેમ લાગ્યો ?

ર્સ્ટિંલગ હોસ્પિટલના ડોકટર્સને સાંજે ૫-૦૯ કલાકે હાઇકોર્ટનો ઓર્ડર વોટ્સએપ પર મળ્યો હતો. ડોકટર્સ દ્વારા યુવાનના સ્પર્મ લેવા માટેની પ્રારંભિક તૈયારીઓ રાખી હતી. ઓર્ડર મળતા જ યુવાનના માતા-પિતાને બોલાવાયા હતા. તેઓ સહિતના ફેમીલી મેમ્બરનુ કાઉન્સીલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા સ્પર્મ લેવામાં સફળતા મળે કે નહી મળેલા સ્પર્મ ફળદ્રુપ છે કે નહી ? તેનું પરિક્ષણ થયા પછીજ તેને પ્રીઝર્વ રાખી શકાશે તે સહિતની માહિતીથી વાકેફ કરાયા હતા. આ કાર્યવાહીમાં સાંજે સાડા સાતનો સમય થયો હતો.ત્યારબાદ સ્પર્મ લેવાની કામગીરી હાથ ધરાઇ હતી. સ્પર્મ લીધા બાદ તેની ફળદ્રુપતાનુ પરીક્ષણ માઇક્રોસ્કોપ દ્વારા કરવામાં આવ્યા હતા.જેમાં તેના શુક્રાણુ અંડકોષને ફલીત કરી શકે તેવી ફળદ્રુપતા ધરાવતા હોવાનું સાબિત થયુ હતુ. આથી તેના સ્પર્મ (વીર્ય) લઇને હોસ્પિટલના આઇવીએફ સેન્ટરમાં પ્રીઝર્વ કરાયા હતા.

યુવાન બેશુદ્ધ હોવાથી સ્પર્મ શુક્રપિંડમાંથી લેવાયા

વ્યકિત જયારે બેશુધ્ધ હોય ત્યારે તેના સ્પર્મ કયાંથી લેવાય ? તેવો એક સવાલ લોકોના મગજમાં ઉભો થાય છે તેનો પ્રત્યુતર આપતા તબીબી નિષ્ણાંતો એ જણાવ્યુ હતુકે, આ સમયે વ્યકિતના બે શુક્રપિંડમાંથી સ્પર્મ લેવાય છે. શુક્રપિંડમાંથી લેવાયેલા નમુનામાં સ્પર્મ શોધવાના હોય છે તેમાં હોય તેને એકઠા કરીને તેની ફળદ્રુપતા ચકાસાય છે.

મરણપથારીએ પડેલા પતિનું સ્પર્મ તેની પત્ની ગર્ભવતી બનવા ઇચ્છશે ત્યારે અપાશે

?સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવાનના સ્પર્મ લેવામાં આવ્યા છે. હાલના સમયમાં યુવતીમાં તે મુકી શકાય નહી કારણ યુવતી માનસિક તણાવ હેઠળ હોવાથી ગર્ભપાત થવાની શકયતા રહે છે. યુવતી જયારે માનસિક આઘાત અને તણાવામાંથી બહાર આવ્યા પછી તે ગર્ભવતી બનવાની ઇચ્છા ્વ્યકત કરે ત્યારે તેને તે આપી શકાય છે. આ માટે આઇવીએફ સેન્ટરમાં કેટલીક પ્રક્રિયા હાથ ધરાય છે . ત્યાર બાદ યુવતીના ગર્ભાશયમાં તેનુ આરોપણ કરાય છે. આ પ્રોસીજર આ કિસ્સામાં પણ અનુસરાશે તેમ તજજ્ઞાોએ જણાવ્યુ હતુ.

સ્પર્મને સેન્ટરમાં ૧૫ વર્ષથી વધુ સમય સુધી સાચવી શકાય છે

યુવાનના લીધેલા સ્પર્મને ૧૫ વર્ષ ઉપરાંતના સમય સુધી સાચવી શકાય છે. આ સમય દરમિયાન જયારે પણ કોઇ મહિલા આ સાચવેલા સ્પર્મથી ગર્ભવતી બનવાનું નકકી ત્યારે આઇવીએફ સેન્ટરમાં તેની સારવાર થાય છે. અને યુવાનના લીધેલા સ્પર્મને મહિલાના ગર્ભાશયમાં મુકી શકાય છે. આજ રીતે આ યુવાનના સ્પર્મ આઇવીએફ સેન્ટરમાં સાચવી રાખવામાં આવશે. વડોદરામાં ઇન્દુ બ્લડ બેન્ક દ્વારા સ્પર્મ બેન્ક ચલાવાતી હતી પરંતુ તેઓએ બંધ કરી દેતા હવે આ સુવિધા ઉપલબ્ધ નથી આથી અત્યાધુનિક આઇવીએફ સેન્ટરમાં સ્પર્મને સાચવવામાં આવશે.

યુવતીની ભીષ્મ પ્રતિજ્ઞાા: પતિની નિશાની જોઇએ તેવા નિર્ણયે સૌની આંખ ભીની કરી

વડોદરા ઃ આજના વર્તમાન યુગમાં દંપતી વચ્ચે નજીવી બાબતે તકરાર થતા છુટાછેડા લેવા માટે તૈયાર થાય છે. તેવા સમયે શહેરની હોસ્પિટલમાં ખરેખર આજના યુવા યુગલો માટે શીખ આપતો સિમાચિહન રૃપ કિસ્સાએ આકાર લીધો છે.જેના સાક્ષી બનેલા  હોસ્પિટલના સ્ટાફની આંખના ખુણા પણ આ યુગલની પ્રણય કથા સાભંળી ભીના થઇ ગયા હતા. 

નવ મહિના અગાઉજ પ્રેમ લગ્ન કરનાર યુગલમાં યુવાન જીવનની સંધ્યાએ પહોંચ્યો છે. કોરોનામાં મલ્ટીઓર્ગન ફેલીયોર થી પીડાતા પતિના જ સંતાનની માતા થવાની જીદ યુવતીએ પકડી હતી. અને તે માટે તેને ડોકટર્સ અને કાયદાની શકયતાઓ ચકાસી હતી. અને તેના ઉપયોગથી પોતાની જીદ પાર પાડી હતી.

ત્યારે મહાભારતના ભીષ્મની પ્રતિજ્ઞાાની જેમ યુવતીએ લીધેલી જીદ પુરી થઇ હતી. ખેરખરે આ કિસ્સાના સાક્ષી બનેલા હોસ્પિટલના કર્મચારીઓ યુવતીની જીદ ઉપર ઓવારી જવાની સાથે આંખના ખુણા પણ ભીના થઇ ગયા હતા. આ સાથે હોસ્પિટલમાં મંગળવારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન