શહેરમાં રોગચાળો વધ્યો, માત્ર 15 દિવસમાં ઝાડાઊલટીના 670, ટાઇફોઇડના 347 કેસ નોંધાયા

શહેરના કોટ વિસ્તારના જમાલપુરથી પૂર્વના વટવા સુધીના વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે બીજી તરફ શહેરમાં ચોમાસાની સિઝન પહેલાં જ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, ૧થી ૧૫મી જુનના સમયગાળા દરમિયાન શહેરમાં ઝાડાઉલટીના ૬૭૦ દર્દી, ટાઇફોઇડના ૩૪૭ દર્દી, કમળાના ૧૫૦ દર્દી અને કોલેરાના ચાર દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે. ગત અઠવાડિયામાં જ કોલેરાના ચાર દર્દી નોંધાયા છે જે પૈકી ત્રણ દર્દી જમાલપુરમાં નોંધાયા છે. જમાલપુરમાં બે દિવસમાં જ કોલેરાના ત્રણ દર્દી નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.
અમદાવાદ શહેરમાં ગત વર્ષ ૨૦૧૮ના જુન મહિનામાં ટાઇફોઇડના ૧૨૪૦ દર્દી, કમળાના ૪૭૬ દર્દી, ટાઇફોઇડના ૪૬૩ દર્દી અને કોલેરાના સાત દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યારે આ વર્ષે ૨૦૧૯માં જુન મહિનાના ૧૫ દિવસમાં જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
ખાસ કરીને કોલેરા, ટાઇફોઇડ અને કમળાના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. મ્યુનિ.ના હેલ્થ ખાતાના સુત્રો સ્વીકારે છે કે, શહેરમાં પ્રદુષિત પાણીની ફરિયાદો આવે છે પણ તેનો તાકીદે ઉકેલ થતો નથી જેથી પ્રદુષિત પાણી પીવાને લીધે પાણીજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
કોટ વિસ્તારમાં તો પ્રદુષિત પાણીની સમસ્યા નિવારવા માટે પોલ્યુશન કંટ્રોલ સેલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે પણ વર્ષો જુની પાણીની લાઇનો, લીકેજ અને ગેરકાયદે જોડાણોને લીધે સમસ્યા વકરી છે જેથી પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન