ahmedabad in bharat-bandh-city-and-st-buses-glasses-broken
  • Home
  • Ahmedabad
  • ગુજરાત બંધઃ અમદાવાદ-વડોદરામાં બસોના કાચ તૂટ્યા, તો અનેક જગ્યાએ ટાયરો સળગ્યા

ગુજરાત બંધઃ અમદાવાદ-વડોદરામાં બસોના કાચ તૂટ્યા, તો અનેક જગ્યાએ ટાયરો સળગ્યા

 | 9:17 am IST

પેટ્રોલ-ડીઝળના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ અનેક જગ્યાએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં સોમવારે ભારત બંધના પગલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલો તહેનાત કરાયો છે. જેમાં કુલ 2300 પોલીસ જવાનો અને 800 હોમગાર્ડના જવાનો રહેશે. માહિતી પ્રમાણે 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI પોલીસ બંદોબસ્તમાં તહેનાત કરાયો છે.

ગાંધીનગરના માણસા રોડ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બંધને સફળ બનાવવા ચક્કાજામ કર્યો છે. આ સિવાય કલોલ હાઈવે પર વૃક્ષો કાપી રસ્તો રોકવામાં આવી રહ્યો છે. રોડ બંધ થતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ત્યારબાદ ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચીનેરસ્તો ખુલ્લો કરાવાઈ રહ્યો છે.

અમદાવાદના શાહપુર ખાતે હલિમની ખડકી પાસે ભારત બંધને પગલે 2 સીટીબસના કાચ તોડવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા લોકોએ બસના કાચમાં તોડફોડ કરી છે. આ સિવાય બંધને પગલે અમદાવાદના કેટલીક ખાનગી સ્કૂલોના સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી દીધી છે. બીજી તરફ એનએસયૂઆઈ તરફથી સીટીએમ પાસે આવેલી ઓમ શાંતિ હાયર સેકન્ડરી સ્કૂલ બંધ કરાવવામાં આવી છે.

ભારત બંધના પગલે અરવલ્લી ખાતે ભિલોડા-વિજયનગર રોડ પર ટાયર સળગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ટાયર સળગાવવામાં આવ્યા છે.

વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો મળી રહ્યા છે. કોંગ્રેસના બંધને પગલે વડોદરા શહેરમાં મોડીરાત્રે કારેલીબાગ રાત્રી બજાર પાસે ટાયરો સળગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સીટી બસ અને એસટી બસોના કાચ પણ તોડવામાં આવી હતી. રાત્રે જ બંધના પગલાં પડતા પોલીસ એલર્ટ પર આવી ગઈ હતી. આ સિવાય વડોદરામાં સ્કૂલો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસને ઘર્ષણ થયું છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ સિવાય કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસે રામધૂન ચાલુ કરી દીધી છે.

ભારત બંધના પગલે રાજકોટ શહેરની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલી 400 જેટલી ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વિદ્યાર્થીઓના હિતમાં રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું રહ્યું છે.