Ahmedabad In the East the unique woman of Mandvi used to sing in the street chowk ... Zilato was melodious
  • Home
  • Ahmedabad
  • પૂર્વમાં માંડવીનો અનોખો મહિલા શેરીના ચોકમાં ગવાતો… ઝીલાતો કર્ણપ્રિય હતો

પૂર્વમાં માંડવીનો અનોખો મહિલા શેરીના ચોકમાં ગવાતો… ઝીલાતો કર્ણપ્રિય હતો

 | 7:53 am IST
  • Share

  • નવરાત્રિ જા ઘોર અંધારી રે, રાતલડી મા નીકળ્યા સિંહ અસવાર સોના વાટકડી રે… રંગમાં ધોળ્યા વાલમિયા

  •  કોરોનાની મહામારીના પીડાકારક દિવસો અને કોરોનાની ત્રીજી લહેરના ભયવચ્ચે આપણા દેશી-શેરી ગરબા પાછા વળ્યા છે 

  •  જ્યાં રોશનીના ઝગમગાટ વચ્ચે જાણીતા પણ એક રાત્રિના કાર્યક્રમ માટે રૂ. દોઢ લાખથી બે લાખ જ નહીં ત્રણ ત્રણ લાખ લેતા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા સાથે જાણીતા સંગીતકારે અને ગાયકોનો ગરબાનો કાર્યક્રમ શરૂ થયો હતો..

     

ગરબો શેરીથી સ્ટેજ, હોલ, પાર્ટી પ્લોટ અને ક્લબથી ફાર્મહાઉસ સુધી વિસ્તર્યો : ગામતળના મહોલ્લાઓમાં મહિલાઓ માંડવીના ઘડતર માટે ગામના સુથારીને વિનવે છે : હિન્દી ફિલ્મોના ગરબાઓએ ભારે ધૂમ મચાવી હતી

એ… હાલો હાલો… ચાચરચોકમાં હાલો… આવોને રમવારે ગરબે ઘૂમવારે, ‘ગરબે રમવા રે,’ મા જગતજનની જગદંબા, અંબા ચામુંડા, કાલિકા, બહુચર, ખોડિયાર, મેલડી, હરસિદ્ધ ભવાની અને વૈષ્ણવોદેવીના પૂજન-અર્ચન અને ભક્તિ ભાવના ર્ધાિમક પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રઢિયાળી રાતમાં રાસ ગરબાની રમઝટ પણ મચી રહી છે. મેઘરાજા ક્યારેક વરસી રહ્યા છે તો ખમૈયા પણ કરી રહ્યા હોવાથી રાસ ગરબાના ખેલૈયાઓમાં જોશ જોર અને ઉત્સાહ વધી રહ્યો છે.

પણ… મા જગત જનનીનો ચમત્કાર તો જુઓ… પોળ, સોસાયટી, કોલોની, ચાલી અને મહોલ્લાના ચાચરચોકમાં સેંકડો વર્ષોથી ચાલતા શેરી ગરબા, સમાજ અને દુનિયાની રફતાર બદલાતા શેરીમાંથી હોલના સ્ટેજ પર અને એ પછી પાર્ટીપ્લોટ, ધનાઢયોની ક્લબ અને ફાર્મહાઉસોમાં પહોંચ્યા હતા અને ગરબાની પ્રાચીનતા, અસલિયતતા ખોવાઈ ગઈ હતી, ભારે ઘોંઘાટ કાન ફાડી નાખે તેવા બેસૂરા અવાજ અને સંગીતે એવી ધૂન મચાવી હતી કે, અસ્સલ શેરી ગરબા વિસરાઈ ગયા હતા અને ત્રણ તાળીના ગરબે ઘૂમતી ગુજરાતણ પણ ભુલાઈ ગઈ હતી અને ભપકાદાર ચણીયાચોળી, કલરફુલ કુર્તા-ચૂડીદારમાં સજ્જ ખેલૈયાઓએ નવરાત્રિ ઉત્સવ પર કબજો જમાવી દીધો હતો પરિણામે શેરી ગરબાનો માહોલ ખતમ થઈ ગયો હતો અને એક રીતે એ શેરી નહીં પરંતુ દેશી  ગરબામાં ફેરવાઈ ગયો હતો.

કોરોનાની અસર

પણ હવે કોરોનાની મહામારીના પીડાકારક દિવસો અને કોરોનાની ત્રીજી લહેરના ભયવચ્ચે આપણા દેશી-શેરી ગરબા પાછા વળ્યા છે અને સૌએ ભયના માર્યા કહો કે, સરકારી પાબંદીના કારણે શેરી ગરબા, શેરી ગરબાનું રટણ શરૂ પડયું છે અને માચા મૂંડા, અંબા જગદંબા નિજ ઘૈર પાછા ફર્યા હોવાનો આનંદ છવાઈ ગયો છે જેને માનો ચમત્કાર જ ગણવો-માનવો રહ્યો.

ખેર… શેરી ગરબાની વાત શરૂ થઈ છે ત્યારે પોળ-સોસાયટીના ચોકમાં ગરબે ઘૂમતી ગુજરાતણ પણ યાદ આવી ગઈ છે. ગરબે રમવાનો થનગનાટ અપાર… પણ એ માટે નવાનકકોર વસ્ત્રો, સાડી કે અન્ય ચીજો ખરીદવાની નહીં ઘરના કબાટમાં જે વસ્ત્રો પડયા હોય તેને ધોઈને, ઊજળા કરીને પહેરવાના પગમાં ચંપલ પણ ન હોય અને એ ગુજરાતણ જ્યારે જ્યારે ગોળકાર, વર્તુળાકાર વૃંદમાં ફરીને ત્રણ તાળીનો ગરબો ગાય અને ઝીલે તેનો રણકાર… કાનને એવો કર્ણપ્રિય લાગતો કહો કે, ગરબાના શબ્દો… તાલ સાથે સૌ કોઈ માની ભક્તિમાં ખોવાઈ જતા હતા.

જાણવું છે . એ જમાનામાં ત્રણ તાળીઓનો જે ગરબો ગવાતો હતો. ઝીલાતો હતો તે આજેય 100 ટચના સોનાની જેમ ગાતો રહ્યો છે ગવાતો રહ્યો છે… યાદ છે .

(1) સોના વાટકડી રે, કેસર ધોળ્યા વાલમિયા

(2) મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે

(3) માડી તારા હજારો નામ કયા નામે લખવી કંકોતરી

(4) ઘોર અંધારી રે રાતલડી મા નીકળ્યા સિંહ અસવાર

અને આ ગરબાના અંતમાં પાછા પેલા ઝડપી તાલમાં ગવાતા ગીત

(1) વહાણ હાંકો મેવાસી વણઝારા હોયે હોયે મેવાસી વણઝારા

(2) સાકરિયા શેલડી વાવી મથુરિયે સાકરિયા શેલડી વાવી રે લોલ…

આ ગીતોની તો એવી રમઝટ જામે કે, પિૃમ નહીં પૂર્વની તમામ પોળ આખી, સોસાયટી, ચાલી મહોલ્લાના જવાનિયા પણ ગરબામાં જોડાઈ જતા અને આ એક ગરબો બબ્બે ત્રણ ત્રણ વખત ગવાતો અને એ સાથે રાત્રે બે વાગ્યે ગરબા પૂરા થતા હતા.

શેરીમાંથી સડક

લેકિન… જમાનાની હવા બદલાઈ, શેરીમાંથી ગરબો પોળ-સોસાયટીના પ્રવેશદ્વાર બહારની સડક પર આવ્યો. કે જ્યાં ચોક ન હોય તો સડકનો કેટલોક ભાગ રોકી લેવામાં આવતો અને તેને દોરડા બાંધીને વર્તુળમાં ફેરવી દેવાતો, વર્તુળની મધ્યમાં એક ખુરશી પર ચાદર લપેટી માતાજીની મૂર્તિ મૂકવામાં આવતી. જ્યાં પૂજા-આરતી કરવામાં આવતી,એ આરતી બાદ જે કોઈ ભગતને ગરબા ગાળ્યા હોય તે ભગત અને હારમોનિયમ, ઢોલક, મંજિરા વગાડતા તેમના ભક્તો પેલા દેશી પ્રાચીન ગરબા ગવડાવતા હતા. એ જમાનામાં શંકરભગત કલોલવાળા, જીતુભગત, નંદુ ભગત, છોટે નંદુ ભગતનો જબરજસ્ત જમાનો હતો તેમના સાંભળવા પિૃમમાં રહેતા લોકો પૂર્વમાં અને કોટ વિસ્તારના રાયપુરના રાયપુર, ખાડિયા, સારંગપુર, શાહપુર, અસારવા અને સરસપુરમાં આવતા હતા.

કમભાગ્યે આ ભગતોના ગીતોમાં હિન્દી ફિલ્મની સંગતની ધૂનો જ નહીં ગીતની ગુજરાતીમાં નકલ શરૂ થઈ હતી. જેમાં તે જમાનાની લોકપ્રિય ફિલ્મ જનમ જનમ કે ફેરેનું ગીત… જરા સામને તો આવો છલિયે, છૂપ છૂપ રહેને મેં ક્યા રાજ હૈ…ને બદલે ગવાતું હતું…

‘જરા સામે તો આવને માવડી

તારા દર્શનની છે મારી લાગણી…’

ફિલ્મી ગીતોની નકલનો ગરબાનો આ દોર ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો… પરિણામે દેશી ગરબાનું રૂપ અને રંગ બદલાઈ ગયા હતા. આ દોર બાદ ગરબો ટાઉનહોલ, ટાગોરહોલ, દિનેશ હોલ અને કાંકરિયા ઓપનએર થિયેટરમાં પહોંચ્યો હતો જ્યાં વોર્ડના કાર્યકરો, સંસ્થાઓ દ્વારા ઉઘરાણા કરીને ગરબાના કાર્યક્રમો યોજવામાં આવતા હતા તે ધીમેધીમે કોર્મિશયલ એટલે કે, મોંઘી ટિકિટ રાખીને યોજવામાં આવતા હતા. આ સ્ટેજ ગરબાના ગીતોમાં માતાજીના ગરબા સાથે કૃષ્ણરાધાના ગરબાનો ખાસ્સો ઉમેરો થયો હતો જેમાં

 (1) ‘વા’ વાયાને વાદળ ઊમટયા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા

(2) તારા વિના શ્યામ મને એકલડુ લાગે રાસ રમવાને વહેલો આવજે.

જેવા કૃષ્ણ ભક્તિના પણ દાંડિયા રાસ ગરબા શરૂ થયા હતા.

ઔર ફિર… પ્રાચીન ગરબાનો યુગ પૂરો થઈ આધુનિક ગરબામાં ફેરવાઈ ગયો હતો સ્ટેજ પરનો ગરબો ગર્ભ શ્રીમંતોની ક્લબો અને ફાર્મહાઉસમાં આવી પહોંચ્યો હતો. જ્યાં રોશનીના ઝગમગાટ વચ્ચે જાણીતા પણ એક રાત્રિના કાર્યક્રમ માટે રૂ. દોઢ લાખથી બે લાખ જ નહીં ત્રણ ત્રણ લાખ લેતા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા સાથે જાણીતા સંગીતકારે અને ગાયકોનો ગરબાનો કાર્યક્રમ શરૂ થયો હતો… એ ગરબાઓમાં માત્ર ફિલ્મીગીતોની ધમાધમ ધૂન… કોઈક જ સંગીતકાર શાસ્ત્રીય આધારિત ગીત પર ગરબા ગવડાવતા હતા. પરંતુ જાત જાતના જોડકણાંવાળા ગરબાઓએ ધૂમ મચાવી હતી. પરંતુ પેલા દેશી ગરબા વિના આ ગાયકોનો છૂટકો રહ્યો ન હતો.

(1) ‘કુમકુમના પગલાં પડયા માડી તારા હેત ભળ્યા

જોવા લોક ટોળે વળ્યારે… માડી તારા આવવાના એંધાણા મળ્યા

(2) મા તારો ગરબો ઝાકમજાળ’

પરંતુ… પરંતુ આ ક્લબ ગરબામાં ફિલ્મોના ગરબાના ગીતોએ એશી પક્કડ જમાવી હતી કે, એ વાત જ ન પૂછો… સંજય ભણશાળીની ફિલ્મ… હમ દિલ દે ચૂકે સનમનું અને રામલીલાનો ગીતો અનુક્રમે

(1) બાજે રે બાજે રે ઢોલી તારો ઢોલ બાજે

(2) ધીન તનાકધીન તનાક નગારે સંગ ઢોલ બાજે…

ના ગરબાનાઓએ તો ખેલૈયાઓને એવા ગાંડા તૂર કરી દીધા હતા કે, ગરબારાસની રમઝટ પૂરી થવા દેતા ન હતા. આ જાણે ઓછું પડતું હોય એમ પાછો પેલો સનેડો… એવો શરૂ થયો કે, સનેડાના ધમાધમ વિના ગરબાની પૂર્ણાહુતિ થતી ન હતી.

છોડો કલકી બાત

ઇસબીચ… નવરાત્રિ પર્વની મૂળ વાત પર પાછા ફરીએ એતો નવરાત્રિમાં માટીના શ્વેતકલરના ગરબા એ માત્ર ગરબો જ નથી, માતાજીની ભક્તિની અપ્રતિમ મૂર્તિ છે. દર વર્ષે નવરાત્રિમાં ગરબાનું ઘટસ્થાપન થાય છે ગરબો વંશ પરંપરાગત રીતે પૂજાતો રહ્યો છે. કોઈક માનતા માટેનો ગરબો સ્થાપન કરે છે. માના પોળોનો ખૂંદનાર ન મળ્યો હોય તો પરિવાર ગરબાની માનતા રાખે છે કોઈક માથે દેવું વધી જતા કે કોઈ અસાધ્ય બીમારી લાગુ પડતા કે, પછી માત્ર માની નવ દિવસ પૂજા અર્ચના કરવા ગરબાની સ્થાપના કરે છે. કેટલાક ત્રણ દિવસ કે પાંચ દિવસ બાદ ગરબાના વળામણા કરે છે તો મોટાભાગના નવ દિવસ બાદ દશેરાના દિવસે ધામધૂમથી ગરબો વળાવે છે. પણ ગરબો વળાવીને ઘેર પાછા ફરે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે… કેમ કે, તે સૌને નવ દિવસની ભક્તિ બાદ એમ લાગે છે કે, જાણે તેઓ મા વિના સૂના પડી ગયા… એવું એકલું એકલું લાગે કે, મન કળતા અઠવાડિયું લાગી જાય… માની ભક્તિની તો આ અસર છે.

ત્યારે નવરાત્રિમાં માડવીનું પણ ખૂબ મોટું સ્થાન છે આ માડવી કહો કે, માંડવડીનો મહિમા ગરબાની સાથે સદીઓથી રહ્યો છે શહેરના પિૃમ વિસ્તારના ગામતળના મહોલ્લા કે ગામોમાં માંડવડી કાઢવાનો રિવાજ છે પરંતુ પૂર્વ વિસ્તારના ગામતળના મહોલ્લા અને ગામોમાં તો નવરાત્રિના નવ એ નવ દિવસ મહોલ્લાના ચોકમાં સ્થાપિત કરી ગ્રામ્ય કન્યાઓ આજેય પેલા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. આ માડવી માટે ગ્રામ્ય મહિલાઓ માતાજી સાથે તેના ઘડનારાનેય આજીજી કરે છે જેનું પ્રથમ ગીત છે

‘મારા ગામના સુથારી રે વીરા તુજને વિનવું

મારી માંડવીડી ઘડી દેનેરે વીરા તુજને વીતવું…’

જોયું . માતાજીની લાકડાની માંડવડી ઘડી આપવા માટે મહિલાઓ કેવી આજીજી કરે છે. પરંતુ માંડવડીની સ્થાપના કર્યા બાદ નવરાત્રિ દિવાળી પછી શરૂ થનારી અનાજ ઉગાડવા માટેની ખેતી માટે દાતરડા માટેય ગામના લુહારીને વિનંતી કરતા ગાય છે કે,

સવાળશેરનું મારું દાતરડું રે લોલ

ઘડયું ઓલ્યા લાલિયા તુહાર મારા વાલમપુલોલ

નહીં આવું નિંદણ વાઢવારે લોલો

સદ્ભાગ્યે માંડવડી હવે ધીમેધીમે થલતેજ, શિલજ, બોપલ, ઘુમાના ગામતળની બહારની પોળ, સોસાયટીઓમાં પણ સ્થાપિત થઈ રહી છે. પૂર્વના છેવાડાના ઇસનપુર, રામોલ, હાથીજણ, લાંભા, નિકોલ, હરિપુરા, વસ્ત્રાલ, ઓઢવ, નરોડા મૂઠિયા અને નવા ચિલોડામાં ફૂલોની માડવી, કાગળના રંગબેરંગી ફૂલોની માંડવડીના દર્શન કરવા માત્ર પિૃમ જ નહીં અમદાવાદ આખાના લોકો નવરાત્રિમાં દર્શન કરવા જાય છે અને ભક્તિ ભાવપૂર્વક નમન કરી પૂજા કરે છે. એમ માંડવડી માથે લઈ મહિલાઓ ગરબે ઘૂમે છે.

અને છેલ્લે

ગુજરાતી ગરબાના ફિલ્મી ગીતોના ભૂતકાળને પણ યાદ કરી લઈએ, આ ગીતો 1960ના દાયકામાં ધૂમ મચાવી હતી (1) ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું સંગીતકાર અવિનાશ વ્યાસ રચિત-સ્વરબદ્ધ કરેલું  (1) મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે (2) ફિલ્મ સરસ્વતી ચંડનું કલ્યાણજી આણંદજી સ્વરાંકનનું. મેં તો છોડ ચલી બાબુલકા દેશ પિયા કા ઘર પ્યારા લગે (3) સંગીતકાર મહેશ. નરેશ સ્વરબદ્ધ કરેલ તાનારીરીનું ચાંદલિયો ઊગ્યો રે વાલો મારો રૂપલે મઢયો. (4) ગાયિકા ફાલ્ગુની પાઠકનું ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર (5) 75 વર્ષથી વધુ જૂની ફિલ્મ ગાડાનો બેલનો ગરબો… તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમવા જાય રે, પૂનમની રાત ઊગી પૂનમની રાત…

– બિપીનકુમાર શાહ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો