‘સુરતમાં ‘AAP’ ઘૂસી ગયુ છે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે પીડાદાયક છે પણ એનોય રસ્તો કાઢીશું’

રાજ્યની 6 મહાનગર પાલિકામાં તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થઈ ગઈ છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી, કોંગ્રેસને 46, આપને 27, AIMIMને 7 અને અન્યને 5 બેઠકો પર આગળ છે. ફરી એકવાર ગુજરાતમાં આજે ભાજપ માટે દિવાળીનો માહોલ બન્યો છે. તમામ મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળી ચૂકી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ભાજપના કાર્યાલય ખાનપુર ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયોત્સવમાં જોડવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપે મેળવેલ પ્રચંડ જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી આર પાટીલને અભિનંદન આપ્યા હતા.
અમદાવાદના ખાનપુરમાં ભાજપના વિજયના ભાગરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મનપામાં ભાજપે એક નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું જણાવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડના નિયમોથી ભાજપ વધુ મજબૂતી બન્યું છે. પાર્લા. બોર્ડના નિયમનો બધાએ સ્વીકાર કર્યો છે. તેમણે ભાજપના નવા ચૂંટાયેલા 159 કોર્પોરેટરોને અભિનંદન પાઠવ્યા હતા. ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ.
સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક 168 હતો. પરંતુ થોડુ ઓછું પડ્યુ છે. પાર્લામેન્ટરી બોર્ડમાં જે નિર્ણય થયો તેનો બધાએ સ્વીકાર કર્યો છે. ઘણાને ટીકિટ નથી મળી એમણે પણ તમારી સાથે રહીને જીતાડ્યા છે એમને પણ યાદ રાખવા પડે. અમદાવાદમાં બે સભા અને રેલી નહી પણ રેલો કાઢ્યો હતો. આપણે જે બેઠકો હાર્યા છે તે કેમ હાર્યા તેના માટે કાલથી જ લાગી જવાનુ છે. રાજકોટમાં પચાસ વર્ષ સુધી સતત સત્તા આપી છે. 87થી અમદાવાદમા પણ શાસન છે.
સી.આર પાટીલે નવા ચુંટાયેલા લોકોને સલાહ આપી હતી. આવતીકાલથી સન્માન કાર્યક્રમના બદલે બધાનો આભાર દર્શન માટે જવુ જોઈએ. જ્યા પ્રચાર માટે પહોંચ્યા ત્યા જ્યાં નથી પહોંચી શકાય ત્યાં પણ જઈને આભાર માનવો જોઈએ. અમદાવાદમા ધાર્યું પરિણામ ન આવ્યુ તેનો મને અફસોસ છે. ભાજપનાં કાર્યકર્તાએ કૉંગ્રેસની નબળાઈનાં આધારે જીતે તેવી ટેવ પાડવાની જરૂરત નથી. સુરતમાં ક્યાક થાપ ખાઈ ગયા છીએ. સુરતમાં આપ ઘુસી ગયુ છે જેથી સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે અમારા માટે પીડાદાયક છે. અમે કોંગ્રેસને હરાવવામાં પડ્યા હતા. કોંગ્રેસની ઘણી બધી ડીપોઝીટ જપ્ત થઈ છે. પરંતુ આપ ખોટા વચનો આપીને જીતી છે. પણ જીત એ જીત છે અને હાર એ હાર છે. ચુંટાયેલા લોકોને મારી એક સલાહ છે કે કાર્યકર્તાનુ અપમાન ન થાય તેનું જોજો. આવુ થશે તો તેને ગંભીરતાથી લેવાશે. તેમણે કાર્યકરોને સલાહ આપી છે કે કાર્યકર નિરાશ ન થાય તે જોજો. સુરતમા આપની એંટ્રી થઈ છે, પરંતુ જોઈશુ એમની સાથે કેવી રીતે શું કરવુ?. AIMIM કોંગ્રેસની બી ટીમ છે.
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું ભાજપ વતી ગુજરાતની જનતાનો આભાર માનુ છું. પક્ષની નિષ્ઠાને કમળ માટે કામ કર્યુ છે. ટિકિટ મળી ના મળી એવા લાખો કાર્યકરોને પણ અભિનંદન.. આજે કોંગ્રેસની સૌથી ખરાબ હાલત થઈ છે. કોંગ્રેસની બુરી હાલતમાં લોકોએ એવા માર્યા એવા માર્યા કે વીણી વીણી કોંગ્રેસના લોકોને માર્યા છે. દિલ્હીમાં ખેડૂતોના નામે આંદોલન કરી સરકાર સામે થાય છે. મોંઘવારીના નામે ખોટા ખેલ કરે છે. વિકાસની વાતો કરવાને બદલે નવા તુક્કા લગાવી જનતાને ડાયવર્ટ કરવાના પ્રયત્નો થયા છે.
સીએમ ઉમેર્યું હતું કે, કોરોના મહામારીમાં પણ ખોટી વાતો ફેલાવી લોકોને ભ્રમિત કર્યા છે. આજે મહારાષ્ટ્રમા ફરી કોરોના વકર્યો છે, ત્યાં તો તમારી સરકાર છે, તમારા ઈશારે ચાલતી સરકાર છે. તેમ છતાં ત્યાં કેમ કંઈ કરતા નથી. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસની લોકોએ એક પણ વાત સાંભળી નથી. ભાજપની નિતિ નિયત પર ભરોસો રાખીને નિર્ણય કર્યો છે. ગઈકાલથી EVM પર ઠીકરા ફોડવાની શરૂઆત થઈ હતી. કોંગ્રેસના લોકો વિરોધ કરવાની લાયક નથી. કોંગ્રેસના નેતાઓ સાફ થઈ ગયા છે. લોકોએ વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસને ગણ્યો નથી. અમે ઈચ્છીએ કે વિરોધ પક્ષ હોવો જોઈએ. પણ જનતાને જ નથી જોઈતી કોંગ્રેસ. રાજ્યના મુખ્યમંત્રી તરીકે આશ્વસ્ત કરુ છું. તમે મુકેલો વિશ્વાસ એળે નહી જાય. કોર્પોરેટરો જનતાની સેવામાં કોઈ કસર નહી રાખે. આપણા વિરોધીઓને એન્ટીઇન્કમબન્સી શબ્દનો વધારે ઉપયોગ કરે છે. પણ ગુજરાતમાં ભાજપને એનન્ટીઇન્કમબન્સી નડતી નથી.
અંતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આતો ટ્રેલર છે. પિકચર હજું 2022મા બાકી છે.
જુઓ આ પણ વીડિયો: ભાજપની જીત પર અમિત શાહનું નિવેદન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન