અ'વાદ: મકાન અપાવવાના બહાને ઠગ ટોળકીએ આચરી છેતરપિંડી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: મકાન અપાવવાના બહાને ઠગ ટોળકીએ આચરી છેતરપિંડી

અ’વાદ: મકાન અપાવવાના બહાને ઠગ ટોળકીએ આચરી છેતરપિંડી

 | 8:26 pm IST

ગરીબ આવાસ યોજનાના મકાનો સસ્તામાં અપાવવાની લાલચ આપી ઠગ ટોળકીએ ૨૧ જણા પાસેથી ૩૬.૩૬ લાખ પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. છેતરપિંડી આચરનારી ઠગ ટોળકીએ અન્ય લોકો પાસેથી પણ લાખો રુપિયા પડાવ્યા હોવાની શકયતાને હાલ પોલીસ નકારતી નથી.

દિલ્હી ચકલા ખાતે પાલા બરણીનો ધંધો કરતા દિપીકાબહેન લક્ષ્મણભાઈ દાતણીયા (ઉ.૨૫ રહે. વાસણા)એ યુનિટી ફાઉન્ડેશનના દિપક રમેશસિંહ રાજપૂત, ભરત સોની અને ધર્મેશ દંતાણી સામે છેતરપિંડી અને કાવતરાની ફરિયાદ નોંધાવી છે. એકાદ વર્ષ અગાઉ દિપીકાબહેનને તેમના સમાજનો લોકો દ્ધારા જાણવા મળ્યું હતું કે, પાલડી ભઠ્ઠા નિલકંઠ પ્લાઝામાં ચાલતી યુનિટી ફાઈન્ડેશન નામની એનજીઓના દિપક રાજપૂત અને ભરત સોની મ્યુનિસિપલ કોર્પોરેશનની ગરીબ આવાસ યોજના હેઠળ રાહતદરે મકાનની ફાળવણી કરી આપે છે. જેથી દિપીકાબહેન, દિપીકાબહેનના કાકી વસંતીબહેન દંતાણી, નિરુબહેન દંતાણી અને બહેન શિલ્પાબહેન યુનિટી ફાઉન્ડેશનની ઓફિસે ગયા હતા. જયાં દિપક, ભરત અને ધર્મેશ દંતાણી હાજર હતા. રાહતદરે મકાન માટેની વાત થતા આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગરીબ આવાસ યોજના હેઠળ ખાલી રહેલા મકાનો આપવાની વાત કરી હતી. ૨.૫૦ લાખથી ત્રણ લાખ આપવા પડશે તેમ કહી વહેલા તે પહેલાના ધોરણે રુપિયા પૂરેપૂરા ભરશો તો મકાન મળશે અને મકાન મળી ગયા બાદ દર મહિને અઢી હજારનો હપ્તો ભરવો પડશે તેવી વાત આરોપીઓએ કરી હતી.

આરોપીઓએ તુરંત પૈસા ભરી દો નહીતર મકાન નહી મળે તેમ કહી ડરાવ્યા હતા. જેથી દિપીકાબહેને, તેમના કાકીએ, બહેને તેમજ પિતાએ ૨.૪૦ લાખ રોકડા અને કેટલીક રકમ ચેકથી આપ્યા હતા. પૈસા પૂરા ભરાઈ જાય તે પછી રિસીપ્ટ મળશે તેમ કહી ઉસ્માનપુરા અને મ્યુનિસિપિલ ઓફિસ ખમાસા લઈ જઈ કચેરીમાંથી એક ચોપડો લાવી નામ-સરનામા લખી સહીઓ કરાવી હતી. ત્યારબાદ ઉસ્માનપુરા ઓફિસ ખાતે લઈ જઈ મકાનની ચાવીઓ અપાવી હતી. જે મકાનમાં સફાઈ કામદાર રહેતા હોવાથી દિપીકાબહેન અને તેમના સંબંધીઓએ રુપિયા પાછા માગતા સ્ટેમ્પ પેપર ઉપર રુપિયાનું લખાણ કરી આપ્યું હતું.