વિદેશ જવાની લ્હાય, દોહા એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે પકડાયો અમદાવાદી પરિવાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • વિદેશ જવાની લ્હાય, દોહા એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે પકડાયો અમદાવાદી પરિવાર

વિદેશ જવાની લ્હાય, દોહા એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે પકડાયો અમદાવાદી પરિવાર

 | 4:37 pm IST

બોગસ પાસપોર્ટ અને વિઝા પર કેનેડા જતા યુગલ અને તેમના દીકરાને દોહા એરપોર્ટ પર ફલાઈટ બદલતી વખતે ત્યાંના ઈમિગ્રેશ વિભાગે ઓળખીને અમદાવાદ ડિપોર્ટ કર્યા હતા. અમદાવાદ ઈમિગ્રેશન વિભાગે ક્રાઈમ બ્રાન્ચને રિપોર્ટ કર્યો હતો કે, આ ત્રણેય અમદાવાદ ઈન્ટરનેશલ એરપોર્ટ પરથી રવાના થયા હતા.

ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાના શંકરપુરાના રહેવાસી ત્રણેયની ધરપકડ કરીને બોગસ દસ્તાવેજો બનાવી આપનારા એજન્ટની શોધખોળ શરૂ કરી છે. આમ કબૂતરબાજીના કૌભાંડમાં ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ હોટ ફેવરીટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણાના શંકરપુરાના દિનેશભાઈ પટેલ પાલડીના સંજીવ શેઠ બન્યાં અને તેમના પત્ની જશીબેનને હેતલ શેઠ નામ ધારણ કર્યુ હતુ. ત્યારે અમદાવાદ ઈમિગ્રેશન વિભાગના કર્મચારીઓ તેમને ઓળખી શકયા નહીં તે બાબત ગંભીર ગણવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ ઈમિગ્રેશન વિભાગના વડા આર.કે. વર્માએ દોહાથી ત્રણ વ્યકિતને ડિપોર્ટ કરાતા તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીને સંબોધીને પત્ર લખ્યો હતો. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ દિનેશ પટેલ, જશીબેન દિનેશભાઈ પટેલ અને મયુર દિનેશ પટેલને ઈમિગ્રેશન પાસેથી પકડીને ક્રાઈમ બ્રાન્ચમાં લઈ આવ્યા હતા. ત્રણેયને કેનેડા જતા દોહા કતાર એરપોર્ટ પર ફલાઈટ બદલતા ત્યાંના ઈમિગ્રેશન વિભાગે શંકાના આધારે પકડી અમદાવાદ ડિપોર્ટ કર્યા હતા.

પોલીસની તપાસમાં દિનેશભાઈ પાસેથી મળેલા પાસપોર્ટમાં તેમનું નામ સંજીવ ચંદ્રકાંત શેઠ તથા તેમની પત્ની જશીબેનના પાસપોર્ટમાં તેમનું નામ હેતલ સંજીવભાઈ શેઠ દર્શાવ્યુ હતુ. જયારે મયુર પટેલના પાસપોર્ટમાં માનુષ સંજીવ શેઠનો પાસપોર્ટ અને એડ્રેસ પાલડીનું હતું. આ બોગસ પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતા બોગસ આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા. તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, ૮ વર્ષના મલ્ટીપલ વિઝા બનાવ્યા હતા અને હાલ ૨૧ દિવસ માટે કેનેડા જવાના હતા. પાસપોર્ટ અને વિઝા માટે બોગસ આધારકાર્ડ મહેસાણાના દિવાનપુરામાં રહેતા શૈલેષ પટેલે બનાવી આપ્યા હોય પોલીસે તેની તપાસ હાથ ધરી છે. વોન્ટેડ શૈલેષ પટેલે બે દિવસ પહેલા ત્રણેયને અમદાવાદ એરપોર્ટ બોલાવી કતારની ફલાઈટમાં કેનેડાની ટિકીટ પણ કરાવી આપી હતી અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તે કેનેડા જવા રવાના થયા હતા.