હવાઇ હુમલાના ભયથી વિખ્યાત હાવરા બ્રિજનું ઉદ્ઘાટન ના થયું - Sandesh
  • Home
  • Columnist
  • હવાઇ હુમલાના ભયથી વિખ્યાત હાવરા બ્રિજનું ઉદ્ઘાટન ના થયું

હવાઇ હુમલાના ભયથી વિખ્યાત હાવરા બ્રિજનું ઉદ્ઘાટન ના થયું

 | 12:16 am IST

કભી કભી

બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં ભારતમાં કેટલાક આધુનિક બ્રિજ-પુલ બંધાયા. તેમાં અમદાવાદમાં એલિસબ્રિજ એક છે. આ બ્રિજની ડિઝાઇન એલિસ નામના  એક અંગ્રેજે કરી હોઇ તેને એલિસબ્રિજ નામ અપાયું. એવો જ દેશનો બીજો એક વિખ્યાત બ્રિજ છે કોલકાતા ખાતે હુગલી નદી પર બંધાયેલો હાવરા બ્રિજ, જે  હવે ‘રવીન્દ્ર સેતુ’ના નવા નામથી ઓળખાય છે. હાવરા બ્રિજની અનુપમ સુંદરતાના કારણે ‘હાવરા બ્રિજ’ નામની એક હિન્દી ફિલ્મ પણ બની. હુગલી નદી પર બંધાયેલો આ બ્રિજ હાવરા અને કોલકાતાને જોડે છે. તેની જાળવણી કોલકાતા પોર્ટ ટ્રસ્ટ કરે છે.

આ બ્રિજનું અસલી નામ ‘ન્યૂ હાવરા બ્રિજ’ હતું. તા. ૧૪ જૂન ૧૯૬૫ના રોજ તેને નવું નામ ‘રવીન્દ્ર સેતુ’ આપવામાં આવ્યું. બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રવીન્દ્રકુમાર ટાગોરનું નામ આ બ્રિજ સાથે જોડવામાં આવેલું છે. રવીન્દ્રનાથ ટાગોર તે નોબેલ પ્રાઇઝ મેળવનાર પહેલા ભારતીય અને એશિયન સાહિત્યકાર હતા.

હાવરા બ્રિજ કોલકાતા અને પશ્ચિમ બંગાળની એક આગવી ઓળખ છે. આ બ્રિજની ડિઝાઇન રેન્ડલ, પામર અને ટ્રીટોને કરી હતી. આ આખોયે બ્રિજ સસ્પેન્શન ટાઇપ બેલેન્સ્ડ કેન્ટીલીવર શૈલીનો છે. તેની કુલ લંબાઇ ૨,૩૧૩ ફૂટ છે, પહોળાઇ ૭૧ ફૂટ (ફૂટપાથ સાથે) છે. બ્રિજની કુલ ઊંચાઇ ૨૬૯ ફૂટ છે. બ્રિજ પરથી ૧૯ ફૂટની ઊંચાઇ સુધીનાં વાહનો પસાર થઇ શકે છે.

હાવરા બ્રિજનું બાંધકામ બ્રાઇટવેઇટ, બર્ન અને જેસોપની કંપનીએ કર્યું હતું. આ બ્રિજ પરથી રોજ એક લાખ વાહનો પસાર થાય છે. નોંધપાત્ર વાત એ છે કે ૧,૫૦,૦૦૦ લોકો પગે ચાલીને તે બ્રિજ ક્રોસ કરે છે. આ બ્રિજ ટોલ ફ્રી છે.

વિશ્વનો આ ત્રીજા નંબરનો લાંબામાં લાંબો કેન્ટીલીવર બ્રિજ એના બાંધકામ સમયે હતો. હાવરા બ્રિજ  આજે વિશ્વનો છઠ્ઠા નંબરનો લાંબામાં લાંબો બ્રિજ છે.

હાવરા બ્રિજનો ઇતિહાસ રસપ્રદ છે. ઇ.સ. ૧૮૬૨માં બ્રિટિશ રાજ વખતે બંગાળની સરકારે ઇસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીના ચીફ એન્જિનિયર જ્યોર્જ ટર્નબલને હુગલી નદી પર બ્રિજ બનાવવાનો ફિઝિબીલરી રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. ટર્નબલે એ સમયમાં હાવરા ખાતે રેલ ર્ટિમનસ ઊભું કર્યું હતું. તા. ૧૯ માર્ચના રોજ તેમણે વિસ્તૃત સ્કેલ ડ્રોઇંગ્સ અને અંદાજ  રજૂ કર્યા હતા.

વાત જાણે કે એમ હતી કે હુગલી નદી પર ટ્રાફિક વધવાના કારણે સરકારે ૧૮૫૫માં એક કમિટી રચી હતી. પરંતુ એ કમિટીએ રજૂ કરેલો પ્લાન ૧૮૫૯-૬૦માં અભરાઇ પર ચડાવાઇ દેવાયો. ઇ.સ. ૧૮૬૮માં તે યોજનાનો રિવ્યૂ થયો. ૧૮૭૦માં ધી કોલકાતા પોર્ટ ટ્રસ્ટની રચના થઇ. ઇ.સ. ૧૮૭૧માં બંગાળ સરકારે હાવરા બ્રિજ એક્ટ પસાર કર્યો. તેમાં સરકારે બંગાળના લેફ્ટનન્ટ ગવર્નરને બ્રિજ બાંધવા સત્તા આપી.

ત્યારબાદ હુગલી નદી પર પોન્ટુન બ્રિજ બનાવવા સર બ્રેડફોર્ડ લેસ્લીને કોન્ટ્રાક્ટ આપ્યો. તેના વિવિધ ભાગો ઇંગ્લેન્ડમાં તૈયાર થયા અને દરિયાઇ માર્ગે કોલકાતા લાવવામાં આવ્યા. તેને જોડવામાં અનેક મુશ્કેલીઓ આવી . ૨૦ માર્ચ ૧૮૭૪ના રોજ આવેલા ભયંકર વાવાઝોડાથી તેને ભારે નુકસાન થયું. એગેરિયા નામની એક સ્ટીમર નવા બંધાતા બ્રિજને અથડાઇ અને બ્રિજના ૨૦૦ ફૂટનો એરિયા નુકસાન પામ્યો. આમ છતાં ઇ.સ. ૧૮૭૪માં તેનું બાંધકામ પૂરું થયું. એ વખતના આ પોન્ટુન બ્રિજના ખર્ચની રકમ ૨.૨ મિલિયન રૂપિયા જેટલી થઇ હતી. તા. ૧૭ ઓક્ટોબરના રોજ તે ટ્રાફિક માટે ખોલવામાં  આવ્યો. યાદ રહે કે આ બ્રિજ હાવરા બ્રિજ પહેલાંનો બ્રિજ હતો. તા. ૧૭ ઓગસ્ટ ૧૮૭૯ના રોજ આ બ્રિજ વીજળીના દીવાથી ઝળહળી ઊઠયો. તે માટેની વીજળી મુલિક ઘાટ પમ્પિંગ સ્ટેશનના ડાયનેમોથી પૂરી પાડવામાં આવતી હતી.

પરંતુ ટ્રાફિક વધતો જતો હતો અને આ પોન્ટુન બ્રિજ વધતા ટ્રાફિક માટે સાંકડો પડવા લાગ્યો.

તે પછી ૧૯૦૫માં કોલકાતા પોર્ટ કમિશને નવો વિકસિત બ્રિજ તૈયાર કરવા વિચાર્યું. ઇ.સ.૧૯૦૬માં પોર્ટ કમિશને ફરી એક કમિટીની રચના કરી. આ કમિટીએ એવો બ્રિજ બાંધવા સલાહ  આપી કે તેની નીચેથી મોટા દરિયાઇ જહાજો પણ પસાર થઇ શકે તેવી તેની ડિઝાઇન હોવી જોઇએ. કમિટીએ ફ્લોટિંગ બ્રિજનો આઇડિયા આપ્યો. નવા આઇડિયા પ્રમાણેની ડિઝાઇન તૈયાર કરવા  અને બાંધવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. જેનું ટેન્ડર પાસ થાય તેને રૂ. ૪૫ હજારનું ઇનામ પણ આપવાની જાહેરાત થઇ.

એવામાં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. કામ અટકી ગયું. ઇ.સ. ૧૯૧૭માં ફરી રિવ્યૂ થયો. નવી કમિટીએે સિંગલ સ્થાન આપી બ્રિજ બાંધવાની ભલામણ કરી. ૧૯૨૨માં ન્યૂ હાવરા બ્રિજ કમિશન રચવામાં આવ્યું. ૧૯૨૬માં ન્યૂ હાવરા બ્રિજ એક્ટ પસાર થયો. ૧૯૩૦માં ફરી એક  કમિટી રચાઇ. તેમાં એસ. વી. ગુડ, એસ.એન.મલિક અને ડબલ્યૂ એચ. થોમસન હતા. આ કમિટીની ભલામણોના આધારે હુગલીથી કોલકાતા સુધીનો સસ્પેન્સન બ્રિજ બાંધવા માટે મેસર્સ રેન્ડેલ, પામર અને ટ્રિટોનને કેટલુંક કામ સોંપવામાં આવ્યું.  તે માટે ગ્લોબલ ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા. એક જર્મન કંપનીએ સૌથી વધુ ઓછા ભાવ ભર્યા હોવા છતાં જર્મની અને બ્રિટન વચ્ચે યુદ્ધ ચાલતું હોઇ જર્મન કંપનીને કોન્ટ્રાક્ટ ના અપાયો. છેવટે ધી બ્રેઇથવેઇટ, બર્ન અને જેસોપ કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો. તેમાં અનેક ફેરફારો થતા રહ્યા.

હવે જૂના પોન્ટુન બ્રિજની જગ્યાએ આ નવો હાવરા બ્રિજ બાંધવાનો હતો. ફરી બીજું વિશ્વયુદ્ધ આવ્યું. વારેવારે કામ ખોટકાયું.

નવા હાવરા બ્રિજનું  કામ ઇ.સ.૧૯૩૬માં શરૂ થયું હતું. બ્રિજ માટેનું જે સ્ટીલ ઇંગ્લેન્ડથી આવવાનું હતું તે   બીજા વિશ્વયુદ્ધના કારણે  યુદ્ધ માટે યુરોપના બીજા દેશોમાં મોકલવું પડયું. કુલ ૨૬,૦૦૦ ટન સ્ટીલની જરૂરિયાત સામે માત્ર ૩,૦૦૦ ટન સ્ટીલ જ ઇંગ્લેન્ડથી આવ્યું. છેવટે બાકીનું ૨૬,૦૦૦ ટન સ્ટીલ તાતા સ્ટીલ પાસેથી મેળવવાનું નક્કી થયું. તાતા સ્ટીલે બાકીનું તમામ ૨૩,૦૦૦ ટન  સ્ટીલ સમયસર પૂરું પાડયું.

નદીના પટમાં ઊંડાણ સુધી પાયા કરવામાં અનેક અડચણો આવી. કેટલાયે ભાગ વારંવાર ડૂબી ગયા. છેવટે ઇ.સ. ૧૯૪૨માં હાવરા બ્રિજનું  બાંધકામ પૂરું થયું. ૧૯૪૩માં તે ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો  ત્યારે વિશ્વનો ત્રીજા નંબરનો લાંબામાં લાંબો (એ વખતે)  કેન્ટીલીવર બ્રિજ તરીકે ઓળખાયો.

હાવરા બ્રિજના બાંધકામનું કુલ ખર્ચ રૂ. ૨૫ મિલિયન થયું. આ પ્રકારનો તે ભારતનો પહેલો બ્રિજ હતો. એ વખતે બીજું વિશ્વયુદ્ધ  ચાલુ હોઇ જાપાન બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના ભારતના આ  મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર હવાઇ હુમલો ના કરે તે ભયથી આ ભવ્ય હાવરા બ્રિજનું વિધિવત્ ઉદ્ઘાટન કરી શકાયું નહીં. કારણ કે એ વખતે જાપાને બ્રિટનના સાથી દેશ અમેરિકાના પર્લ હાર્બર પર તા. ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ  ભયંકર હવાઇ હુમલો કરી દીધો હતો. તેથી ભારતમાંના બ્રિટિશ પ્રશાસનનો ડર વાજબી હતો. નોંધપાત્ર વાત એ હતી કે આ બ્રિજ પરથી જે પહેલું વાહન દોડયું તે સોલિટરી ટ્રામ હતી.

કોલકાતાનો હાવરા બ્રિજ  પશ્ચિમ  બંગાળની સાંસ્કૃતિનું  પ્રતીક પણ છે. આ બ્રિજ અનેક ફિલ્મોમાં પ્રદર્શિત થયો છે. જેમાં બીમલ રોયની ૧૯૫૩માં બનેલી ‘દો બીઘા જમીન’, સત્યજીત રેની ‘પરાશ પથ્થર’, શક્તિ સામંતની ‘હાવરા બ્રિજ’ અને ‘અમર પ્રેમ’, અમરજિતની ૧૯૬૫માં બનેલી ‘તીન દેવિયાં’ રિચાર્ડ એટનબરોની ૧૯૮૨માં બનેલી ‘ગાંધી’, રાજ કપૂરની ૧૯૮૫માં બનેલી ‘રામ તેરી ગંગા મેલી’ નિકલસ કલોટ્ઝની ૧૯૮૮માં બનેલી ‘ધી બેંગાલી નાઇટ’, મણિરત્નમની ૨૦૦૪માં બનેલી ‘યુવા’, પ્રદીપ સરકારની ૨૦૦૫માં બનેલી ‘પરિણીતા’, મીરા નાયરની ૨૦૦૬માં બનેલી ‘ધી નેમસેક’,ઇમ્તિયાઝ અલીની ૨૦૦૯માં બનેલી ‘લવ આજ કલ’, સુજોય ઘોષની ૨૦૧૨માં બનેલી ‘કહાની’, અનુરાગ બસુની ૨૦૧૨માં બનેલી ‘બરફી’, અલી અબ્બાસ ઝફરની ૨૦૧૪માં બનેલી ‘ગુન્ડે’, દિબંકર બેનરજીની ૨૦૧૫માં બનેલી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ તથા સુજીત સરકારી ‘પીકુ’નો સમાવેશ થાય છે.

આવી છે હાવરા બ્રિજની કહાણી.

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન