હવા પણ ધરતીની વાઢ-કાપ કરે? - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

હવા પણ ધરતીની વાઢ-કાપ કરે?

 | 1:52 am IST

આપણે ગઈ વખતે જોયું કે ધરતી ઉપરના પર્વતો અને ધૂળ-માટી તથા ખડકોને બહારથી ઘસારો આપીને તથા અંદરથી કોતરીને એમાં વિવિધ આકાર બનાવે છે. એ જ રીતે બરફ, ભેજ અને પવનો પણ ધરતી તથા ખડકોને ઘસારો આપીને વિવિધ આકારો બનાવે છે. શી રીતે? ચાલો સમજીએ…આપણે વરસાદી પાણીના માર તથા ઘસારાથી ભાંગતા અને ઘસાતા ખડકો તથા જમીનના ધૂળ માટી વગેરે વિશે વાત કરી. પાણીનું આ કામ ધીમેધીમે કામ કરે છે, પરંતુ અચૂક કામ કરે છે. વળી હવામાં કોઈક જાતનું રસાયણ વાયુ બનીને ફેલાયું હોય અને તે વાદળોના સંપર્કમાં આવે તો વાદળમાં રહેલો ભેજ રસાયણિક વાયુને ઓગાળી લે છે. પછી જે વરસાદ પડે એ રસાયણ ભળેલું હોવાથી તેજાબી બને છે.

આવો વરસાદ પર્વતના ખડકો, શિલાઓ અને ધરતીને વધારે ઝડપથી કોતરી કાઢે છે. ઘણી જગ્યાએ તો પર્વતના ખડકો ઉપરથી કાળમીંઢ દેખાતા હોય અને અંદરથી રસાયણિક પાણી વહી વહીને એટલા પોલા બની ગયા હોય કે એમાં અનેક કિલોમીટર સુધી તમે ચાલીને જઈ શકો. અનેક જગ્યાએ કાળમીંઢ દેખાતા ખડકોમાં વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ જેવડો કે એનાથી પણ ડબલ-ત્રણગણો વાટકા જેવો ખાડો પડી ગયો હોય છે. એ પણ વરસાદના પાણી અને તેમાં ભળેલા એસિડના કારણે બને છે.

પાણીની સાવ આછી તેજાબી અસર અને વરસાદના પાણીમાં રસાયણો ભળતાં એની અનેકગણી વધારે થતી તેજાબી અસરના કારણે પર્વતો કોતરાઈ જતા હોય તો ધરતીના ધૂળ-માટીની શી વિસાત? અહીં બીજી એક વાત પણ સમજવા જેવી છે. એક જ જગ્યાએથી વહેતું પાણી પર્વત કે ખડકને એકસરખો કોતરી શકતું નથી. ક્યાંક વધારે ઊંડો કે પહોળો ખાડો અથવા સાપના લિસોટા જેવો વમળાતો વહેણનો રસ્તો બની જાય છે તો ક્યાંક ખડક એમનો એમ જ રહી જાય છે. આવું એટલા માટે થાય છે કે ખડકો બનાવનાર લાવા એક સામટો એટલો બધો બહાર નથી આવતો કે આખો પર્વત એક ઝાટકે બની જાય.

જ્વાળામુખી હોય કે ખડકમાં પડેલી તિરાડ હોય એમાંથી લાવા રહીને રહીને છલકાતો હોય એ રીતે ઊભરાય છે. જે લાવા બહાર નીકળે એ તરત ઠરવા લાગે છે. માનો કે લાવાનો એક જબરજસ્ત જથ્થો બહાર આવ્યો અને ચારે બાજુ પથરાઈ ગયો. પછી બીજો ઊભરો એકાદ કલાક પછી બહાર નીકળે તો અગાઉનો લાવા ખાસ્સો ઠરી ગયો હોય છે. એની ઉપર રાખ પણ જામી ગઈ હોય છે. એની ઉપર નવેસરથી લાવા રેલાય તો એ એક પડ ઉપર બીજું પડ બનાવે છે આ રીતે બધા પર્વતો, ખડકો અને ટાપુઓ એકની ઉપર એક પડ વડે જ બન્યા છે. આ દરેક પડની વચ્ચે રાખ અને કાર્બનની જાડો કે પાતળો થર પણ જામ્યો હોય છે.

આનો અર્થ એ થયો કે પર્વતના ખડકો ભલે વન-પીસ લાગતા હોય, એ વન-પીસ હોતા નથી. એમાં ડુંગળી જેવા અનેક પડ એકની ઉપર પથરાયા હોય છે. આ પડની વચ્ચે સાદું વરસાદી પાણી આવે કે તેજાબી પાણી આવે તો બે પડ વચ્ચેના સાવ આછો રાખ કે કાર્બનનો થર વહેલો ધોવાઈ જાય છે. એટલે એમાંથી પાણી વહેવા લાગે છે.

બીજુંઃ લાવા દર વખતે બહાર ઊભરાઈ આવે ત્યારે એમાં એકસરખા પદાર્થો નથી હોતા. એક વખત ઊભરાયેલા લાવામાં જે ધાતુઓ અને ખનિજો હોય એ બીજી વખતના ઊભરામાં વધ-ઘટ થઈને આવે છે. એટલે કે લાવાના દરેક થરમાં પણ એકસરખી મજબૂતાઈ નથી હોતી. એટલે સાદા વરસાદી પાણીથી કે રસાયણવાળા તેજાબી વરસાદના પાણીથી જ્યારે ખડકો કોરાતા રહે તો ઘણા પડ વહેલા કોરાઈ જાય છે અને ઘણા પડ મજબૂત ટકી રહે છે.

જેમ કે ગ્રેનાઈટ પથ્થરો લાવામાંથી જ બને છે. એ સૌથી મજબૂત હોય છે અને આરસ પણ ખડક છે, એમાં ચુના અને ટાલ્ક જેવા પદાર્થો વધારે હોવાથી એ સાવ નબળો અને નરમ હોય છે. ખડકોની આવી વધતી-ઓછી મજબૂતાઈના કારણે પર્વતોમાં કુદરતી બોગદાં બને છે. લાવાના જે ઊભરામાં ચુના અને ટાલ્ક જેવા પદાર્થો હોય એ તરત ધોવાઈ જાય છે. એની સામે એપેટાઈટ, ફ્લુરાઈટ અને ઓર્થોક્લેસ ફેલ્સપાર જેવા ખનિજ ધરાવતા ખડકો એટલા મજબૂત હોય છે કે હજારો-લાખ્ખો વર્ષ સુધી પાણી અને તેજાબી પાણીની ઝીક ઝિલી શકે છે.

જો ઉપરના થરમાં ફ્લુરાઈટ કે ઓર્થોક્લેસ ફેલ્સપાર હોય અને અંદરના પડમાં જિપ્સમ, ટાલ્ક કે કેલ્સાઈટ જેવી ખનિજ હોય તો એ ભાગ સો-બસો વર્ષમાં જ ધોવાઈ જાય છે. નીચેથી ખડકો ધોવાઈ જાય એટલે કાળમીંઢ દેખાતા પર્વત કે ખડકમાં અંદર બોગદું બની જાય છે. ઉપર એવા જ એક બોગદાનું ચિત્ર આપ્યું છે.