વાયુનું કાઉન્ટડાઉન : દરિયો તોફાની, વરસાદ શરૂ  - Sandesh
  • Home
  • Gujarat
  • વાયુનું કાઉન્ટડાઉન : દરિયો તોફાની, વરસાદ શરૂ 

વાયુનું કાઉન્ટડાઉન : દરિયો તોફાની, વરસાદ શરૂ 

 | 3:22 am IST

। રાજકોટ ।

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ ધસમસતું વાયુ ચક્રવાત વેરાવળ-પોરબંદરની દરિયાઈપટ્ટીને ૧૫૫-૧૬૫ કિ.મી.ની ઝડપે હિટ કરે તેવી આગાહીની અસરરૂપે બુધવારે દરિયામાં ભારે મોજાં સાથે કરન્ટ જોવા મળ્યો હતો. દરિયાઈપટ્ટીમાં વાતાવરણમાં પલટા સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. મિની વાવાઝોડા જેવી સ્થિતિમાં કાચા મકાનો, વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે એક બોટ ડૂબ્યાના અહેવાલ મળે છે. હવે આ વાવાઝોડું નજીકના કલાકોમાં જ આવવાની આગાહી હોવાથી સૌરાષ્ટ્રમાં ૨.૭૫ લાખથી વધુ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે, સાથોસાથ કોસ્ટગાર્ડના શિપ અને એરક્રાફ્ટ પણ સર્ચ-રેસ્કયુ માટે કાર્યરત છે, સૈન્યની ટુકડીઓને પણ સાબદી કરવામાં આવી છે. ધોરાજી-ઉપલેટા તાલુકામાં અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અહીં લશ્કરની એક પ્લાટૂન તહેનાત થશે.

હાલમાં આ વાવાઝોડું વેરાવળથી ઉત્તર દિશામાં ૨૮૦ કિ.મી. દૂર છે અને પોરબંદરથી ઉત્તરે ૩૬૦ કિ.મી. છે. દરિયામાં ૧૪ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયામાંથી જમીન ઉપર આવશે ત્યારે તેની તીવ્રતા અતિ હશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેશે. ગુરુવારનો દિવસ મહત્ત્વનો છે. વાવાઝોડાની સાથે સાથે ખાસ કરીને કાંઠાળા વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશે. ગુરુ-શુક્ર-શનિ એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

૫૦૦ ગામોના ૨.૭૫ લાખ લોકોને બે હજાર સલામત સ્થળે ખસેડાયા

૧. ૫૦૦ ગામોના ૨,૭૫,૦૦૦ લોકોને ૨,૦૦૦ સલામત સ્થળોએ ખસેડાયા

૨. કેન્દ્રના ગૃહ સચિવે રાજ્યના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમે પરિસ્થિતિ અને પગલાંની સમીક્ષા કરી

૩. વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા ધરાવતા વિસ્તારોમાં કોઈ પાછળ રહી નથી ગયું તે નિશ્ચિત કરવા પોલીસ પેટ્રોલિંગ-કોમ્બિંગ

૪. બુધવારે સાંજે વાવાઝોડું વેરાવળની દક્ષિણે ૨૮૦ કિમી દૂર હતું

૫. એનડીઆરએફની ૩૬ નિયમિત અને ૧૧ વધારાની ટીમો તહેનાત કરવામાં આવી છે

૬. એસડીઆરએફની પણ ૯ ટીમ (દરેકમાં ૯૦-૧૦૦) તહેનાત કરી છે

૭. દરેક ૧૦ જિલ્લામાં લશ્કરની ૧૧ કોલમ, કચ્છમાં બીએસએફની બે કંપની અને એસઆરપીએફની ૧૪ કંપની, ૩૦૦ મરીન કમાન્ડો તહેનાત કરાયા છે.

૮. જામનગર, વડોદરા, અમદાવાદમાં વ્યૂહાત્મક સ્થળોએ ભારતીય વાયુ દળના ૯ હેલિકોપ્ટર્સ તૈયાર રખાયા.

૯. દ્વારકા, પોરબંદર અને સોમનાથમાંથી આશરે ૧૦ હજાર પ્રવાસીઓને અન્યત્ર ખસેડાયાછે. લોકોને આગામી ૧૩-૧૪ કલાક ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી દેવાઈ છે.

૧૦. ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક થઈ. જો એક નેટવર્કને અસર થાય તો બીજી કંપની નેટવર્ક ઉપલબ્ધ બનાવશે.

૧૧. વીજળી તાત્કાલિક પુનઃ યથાવત્ કરાવવા વીજ વિભાગને તાકીદ કરાઈ છે.

૧૨. દરેક વિસ્તારોમાંથી ભયજનક હોર્ડિંગ્સ નીચે ઉતારી દેવાયા છે

૧૩. વન વિભાગ અને પીજીવીસીએલની ૮૦ ટીમોને રોડ બ્લોક્સ ક્લિયર કરવા ૩૧ ડમ્પર્સ, ૨૦૦ જેસીબી, ટ્રેક્ટર્સ અને ટ્રી-કટર્સ સાથે તહેનાત કરાયા છે.

૧૪. મોટા પ્રમાણમાં પાણી ભરાય તો તે ઝડપથી દૂર કરવા અનેક સ્થળોએ હાઈ પ્રેશર ડીવોટરિંગ પમ્પ ગોઠવી દેવાયા છે.

હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાત અને દેશના બીજા ભાગોમાં ચક્રવાત વાયુથી ઉદભવેલી પરિસ્થિતિ પર કેન્દ્ર બારીકીથી નજર રાખી રહ્યું છે. હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું. એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ તમામ સંભવ સહાયતા પ્રદાન કરવા માટે ચોવીસે કલાક કાર્યરત છે. તમામ લોકોની સુરક્ષા અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું.

માઢવાડા ગામમાં તારાજી : ૧૩ મકાનો ધરાશાયી

કોડીનાર તાલુકાના માઢવાડા બંદરે આજે તોફાની પવન સાથે વરસેલા વરસાદને પગલે ૧૩ થી વધુ કાચા મકાનો ધ્વસ્ત થયા હતા. જ્યારે સૈયદ રાજપરામાં એક બોટ લાપત્તા બની છે.

કોસ્ટગાર્ડના ૬ જહાજો, એક એરક્રાફ્ટ તૈયાર 

પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ એક્શન મોડમાં છે. અહીંના ૬ જહાજો અને ૧ એરક્રાફ્ટને કોઈપણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રખાયા છે.

લાખો ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા 

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ભીતિને લઈને તંત્ર-સંસ્થાઓ દ્વારા હજ્જારોની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે. અમુક સ્થળે વાયુ પ્રકોપથી બચવા ધૂન-ભજન પણ થઈ રહ્યા છે.

સાગરકાંઠાના ૧૬૦ સિંહો ઉપર ખતરો : મોનિટરિંગ 

સૌરાષ્ટ્રમાં સાગરકાંઠાના જંગલ વિસ્તારમાં વસતા ૧૬૦ સિંહો ઉપર ખતરો હોવાથી વનવિભાગ તેનું ગ્રુપવાઈઝ મોનીટરિંગ કરી રહ્યું છે.

મુંબઈ પાસેથી પસાર થયેલું ‘વાયુ’ ચમકારો બતાવી ગયું

‘વાયુ’ વાવાઝોડું મુંબઈ પાસેથી પસાર થઇ ગુજરાત તરફ આગળ વધ્યું. તેની અસર મુંબઈમાં પણ જોવા મળી હતી, દરિયા કિનારાના વિસ્તારો સહિત મુંબઈમાં ભારે પવન ફુંકાયો હતો અને બાન્દ્રા, પવઇથી લઇને દહિસર અને મુલુંડ થાણે વિસ્તારોમાં હળવા ઝાપટાં પણ પડયા હતા. વાયુ વાવાઝોડાના કારણે દરિયા કિનારે બે દિવસ બહુ તોફાની પવન ફુંકાશે. મહારાષ્ટ્ર સરકારે લોકોને બે દિવસ દરિયા કિનારે જવાની બંધી મૂકી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન