'હવા' હોય તો ગાંડિયો પતંગ પણ ઊડતો થઈ જાય!  - Sandesh
  • Home
  • Columnist
  • ‘હવા’ હોય તો ગાંડિયો પતંગ પણ ઊડતો થઈ જાય! 

‘હવા’ હોય તો ગાંડિયો પતંગ પણ ઊડતો થઈ જાય! 

 | 2:19 am IST

રિવરફ્રન્ટની પાળેથી  :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું ઔછે : ‘રામ ઇક દિન ચંગ ચડાઈ, ઇન્દ્રલોકમાં પહૂંચી ગઈ’ 

ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજીની સાથે પતંગ ઉડાડી હતી. તુલસીદાસે શબ્દ પ્રયોગ કર્યો છે ‘ચંગ ચડાઈ’ મતલબ કે પતંગ ઉડાઈ! પતંગ ‘ઉડાડવા’માં અને ‘ચગાવવા’માં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે.  જ્યોતિષ વિજ્ઞાન કહે છે કે ગ્રહોના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સૂર્યદેવ છે. એ બાર મહિનામાં બાર રાશિમાં ફરતા રહે છે. રાશિ બદલવી એ એમનો ક્રમ પણ છે, સ્વભાવ પણ છે. જનતાના રાજાઓ બાર કલાકમાં બાર વચનો બદલતા રહે છે. સૂર્યદેવ રાશિ-પરિવર્તન કરે એને સંક્રાંતિ કહેવાય અને જનતાના સેવકદેવ પક્ષ-પરિવર્તન કે વચનપરિવર્તન કે ખાતાં પરિવર્તન કરે એને ઉત્ક્રાંતિ કહેવાય. ર્ડાિવન આજે હયાત હોત તો એણે પૂરી નમ્રતાથી પોતે સાબિત કરેલી ઉત્ક્રાંતિવાદની થિયરી ચોક્કસ પાછી ખેંચી લીધી હોત અને એટલું જરૂર કહ્યું હોત કે આજ સુધી હું એવા વહેમમાં હતો કે ઉત્ક્રાંતિ બાબતે મેં જ કશુંક શોધ્યું છે, પણ ભારતના અને દુનિયાના હે રાજદેવો આજે મને એ સત્ય સમજાયું છે કે સાચી ઉત્ક્રાંતિ તો તમે સૌએ સાબિત અને પ્રસ્થાપિત કરી છે!

આજે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને સહેજ ઉત્તર તરફ ઢળે છે. આ ક્રિયાને ઉત્તરાયણ કહેવાય. આપણા મોટાભાગના રાજદેવો સમાજ-સેવાની પ્ર-દક્ષિણા કરવાની દિશા તો બદલે છે, પણ સવાલ એ પેદા થાય છે કે આ બધા દેવો કઈ દિશા તરફ ઢળશે એનું કંઈ નક્કી નહીં. સૂર્યદેવને તો દક્ષિણમાંથી ઉત્તર તરફ ઢળવાની દિશા નક્કી જ હતી, પણ આપણો સત્તાદેવ એક જ દિશા તરફ ઢળે એમાં કોઈ માલ નહીં સાહેબ! એ ભલે ‘એકાનન’ હોય, તેમ છતાં દશે દિશાઓમાં એ થોડું થોડું ઢળતો રહે છે. ‘એકાનન’ અને ‘દશાનન’ વચ્ચે બસ, આટલો જ ફરક!

પતંગો જ્યારે દુકાનમાં હોય છે ત્યારે કેવી પ્રેમાળ અને હેતાળ લાગે છે! કોઈપણ પતંગનો આકાર ગમે તે હોય, રંગ કે ઔડિઝાઇન ગમે તે હોય, કાગળની જાત ગમે તે હોય, દરેકનાં નામ અલગ અલગ હોય -સાઇઝ અને શેઇપ પ્રમાણે કોઈ એને ફૂદી કહે, કોઈ એને પાવલો કહે તો કોઈ એને ઘેંશિયો કહે! કોઈ એને ચટા-પટાદાર કહે કે કોઈ પછી એને ગોટાદાર કહે, પતંગોની એકતામાં અને ભાઈચારામાં કોઈ ફરક નથી પડતો. આ સૌ પતંગોનો એક જ ધર્મ છે ‘ઊડવું’. પતંગો ભલે અલગ અલગ વર્ણની (અહીં વર્ણનો અર્થ ‘રંગ’ સમજવો!) અને અલગ અલગ વર્ગની હોય -એની પતંગિયતમાં કોઈ જ ફરક નથી પડતો. પતંગજાત અને માણસજાત વચ્ચે આટલો જ ફરક છે. દુકાનમાં ભિન્ન ભિન્ન રંગ અને આકારમાં કેવા સંપ, શિસ્ત અને સંયમથી પતંગો શોભતી હોય છે! પણ એ જ પતંગને દોર મળી જાય અને હવામાં આવી જાય ત્યારે એકબીજાંને કાપવાની લડાઈ શરૂ કરી દે છે!  આજનો માણસ જો એટલું સમજી જાય કે ઊંચે ઊડતા પતંગનો દોર નીચેવાળાના હાથમાં છે અને નીચે ચગી રહેલા માણસનો દોર ઉપરવાળાના હાથમાં છે, તો એકબીજાને કાપવાનું ચોક્કસ બંધ કરી દે! હલકામાં હલકો (વજનમાં!) પતંગ પણ જ્યારે દોરીથી બંધાઈને હવામાં આવી જાય છે ત્યારે એને પકડી રાખવો ભારે પડે! કહેવાય સાવ ફૂદ્દી, પણ એનેય સત્તાનો દોર મળી જાય અને હવામાં ઊડવા માંડે, તો પહેલવાન જેવા પાવલાને પણ ક્યારેક ભારે પડી જાય, ફુદ્દીનું કાંઈ કહેવાય નહીં! દોરીની દોરવણી ગજબની હોય છે.

કહેવાય છે કે આજના મકરસંક્રાંતિના દિવસે પુણ્યદાન કરવામાં આવે તો એનાં ઘણાં સારાં ફળ મળતાં હોય છે. સામાન્ય માણસો વાર-તહેવારે પુણ્યદાન કરતા હોય છે, પણ આપણા રાજસેવકો તો અઠવાડિયાના સાતેય વારે પુણ્યદાન કરતા રહે છે. પુણ્યદાન આમ તો ધન પદાર્થ રૂપે કે પ્રવાહી પદાર્થ રૂપે થતું હોય, પણ નેતાઓનું પુણ્યદાન બહુ યુનિક હોય છે. એ લોકો શબ્દદાન અને વચનદાન કરતા હોય છે. એમની પાસે વચનોનું અક્ષયપાત્ર હોય છે, એટલે દાન કરવામાં એ લોકો ક્યારેય પાછા નથી પડતા.

દાનશાસ્ત્ર એવું કહે છે કે તમારો જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર પણ નહીં પડવી જોઈએ. રાજનેતાઓ આવી સંકુચિતતામાં નથી માનતા. દાન બાબતે એમનાં હૃદયની વિશાળતા હદની તમામ સરહદો ઓળંગી જાય છે. સામાન્ય માણસ પોતાની તિજોરીમાંથી પૈસા લઈને દાનપુણ્ય કરે છે એટલે પોતાના દાનને એ ગુપ્ત રાખી શકે, પણ રાજસેવકો તો ‘સેવા’ કરવા જ આવ્યા છે સેવાધારી થઈને, એટલે એ લોકો સરકારી તિજોરીને પોતાની તિજોરી સમજી દાનનુંય મહાદાન કરતા હોય છે. રાજસેવકો પોતાનાં કરેલાં દાનને ગુપ્ત રાખવામાં નથી માનતા, અને એટલે જ રસ્તામાં તેમજ બગીચામાં મૂકાતા બાંકડા પર, કે જાહેર શૌચાલય કે યુરિનલ સેન્ટર પર ‘ફલાણાભાઈની ગાન્ટ’માંથી મતલબ કે ‘અનુ-દાનમાંથી…’ જેવી દાન-તક્તિ મૂકાવીને સ્વપ્રશસ્તિ કરતા અને કરાવતા રહે છે. આપણે તો ૧૪મી જાન્યુઆરીએ જ મકરસંક્રાંતિ ઊજવતા હોઈએ છીએ, પણ રાજકારણીઓ તો સાહેબ, દરરોજ ‘નગદ’ સંક્રાંતિ ઊજવતા રહે છે. આવી સંક્રાંતિમાં કોનો રૂપિયો ક્યારે કઈ દિશા તરફ ઢળે એની આપણને ખબર ના પડે, નેતાઓને પડે કેમકે એ નગદ સંક્રાંતિમાં માને છે.

આજે મોટાભાગના માણસો ધાબા પર કે ખુલ્લા મેદાનમાં નાનાં બાળકોની જેમ પતંગોત્સવ મનાવતા હશે અને મહાનુભાવો ઘરમાં બેસીને કાંતો ટી.વી. જોતા હશે કાં તો પેટ પર હાથ ફેરવતા ફેરવતા તલપાપડી, તલગોળ કે સિંગચિકી ખાતા હશે. તહેવાર કોઈપણ હોય એ માણસોને અંદરથી સાવ હળવો બનાવે છે અને મહાનુભાવોને ભીતરથી ભારે ને ભારે બનાવે છે. ધાબા પરથી ચિચિયારીભર્યા અવાજો પણ આવતા હોય છે કે -‘કાટા હૈ… કાઇપો છે… કાટ ડાલા…’ આવા યુનિક અવાજની ખૂબી એ છે કે અવાજ કરનાર અને જેના માટે આવો ચિચિયારીભર્યો અવાજ કર્યો છે એ વ્યક્તિ -બંનેને સરખો જ આનંદ આવતો હોય છે એકબીજાની પતંગો કાપવાનો! -એમાંય ખાસ તો ગમતી વ્યક્તિના હાથે કે ગમતી વ્યક્તિના ધાબેથી પતંગ કપાયાનો તો કંઈક જુદો જ આનંદ હોય છે! રાજકારણ આમાં અપવાદ નથી!

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રની ચૂંટણીનું જે રિઝલ્ટ આવ્યું એમાં કોણે, ક્યારે, કોના ચગેલા પતંગને કાપવાનું કે ચગેલા પતંગ પર ઝોલ નાખવાનું કે પછી કપાયેલા પતંગને લપટાવવાનું ‘સંક્રાંતિકર્મ’ કેટલી કુશળતાથી પાર પાડયું એ જોવા મળ્યું. એ પણ ભારતીય લોકશાહીમાં ઊજવાઈ રહેલા ઉત્તરાયણ પર્વનું એક પરમ પવિત્ર દૃશ્ય જ કહેવાય એવું ન્યૂ ચાણક્યનું માનવું છે. ‘ઉત્તરાયણ’ શબ્દનો ધ્વન્યાર્થ અહીં સેન્ટ પર સેન્ટ સાર્થક થાય છે!

જેમ સ્ત્રી વગરનો પુરુષ અધૂરો છે એમ દોરી વગરનો પતંગ અધૂરો તો છે જ, અપંગ પણ છે. પતંગ ગમે તેટલો હેન્ડસમ હોય, સ્ટોલવર્ટ હોય, એનર્જેટિક હોય પણ દોરી સાથે એ બંધાય નહીં ત્યાં સુધી આકાશગમન કરી શકતો નથી,. દોરી વગરનો પતંગ લાચાર છે. પછી એ દોરી સૂતરની હોય, મસલ્સ સત્તાની હોય, પાવરની હોય કે પછી મની પાવરની હોય -દોરી જ પતંગને ચગતો અને ઊડતો કરી શકે! પતંગ ફક્ત દોરીનો જ મોહતાજ નથી, હવાનો પણ એટલો જ મોહતાજ છે. દોરી ગમે એટલી મજબૂત હોય પણ હવા જ ન હોય તો? તો શું? પાવલા જેવા પાવલાને પણ માર્ગદર્શક મંડળના સભ્યની જેમ પડતર અવસ્થામાં પડયા રહેવું પડે. એનો અર્થ એ થયો કે દોરી અને હવાનો મજબૂત સાથ હોય તો સાવ ‘ગાંડિયો’ પતંગ પણ ઊડતો થઈ જાય છે!

એમ તો હવામાં ઘણાં ઘણાં ઊડતા હોય છે. પ્લેન ઊડે છે, રોકેટ -મિસાઇલ ઊડે છે, પક્ષીઓ ઊડે છે, પતંગો ઊડે છે, વંટોળિયો ઊડે છે, તણખલાં ઊડે છે, પણ આ બધાં ધરતી પરથી ઊંચે જઈને ઊડે છે. આ સૌ વચ્ચે એક તત્ત્વ એવું છે જે ધરતી પર હોવા છતાં હવામાં ઊડે છે, એ છે મનુષ્ય! એવો મનુષ્ય, જે કાંતો સત્તાના દોરે ઊડે છે. અથવા તો ગોડ ફાધર દ્વારા સપ્લાય થતી ફ્યૂઅલ એનર્જીના જોરે ઊડે છે. પ્લેનમાં જ બેસીને ઉડાય એવું કોણે કહ્યું? આપણા કેટલાક નેતાઓ તો જનતાના પૈસે મ્સ્ઉ ગાડીમાં બેસીનેય ઊડતા હોય છે!  દિલ્હીમાં એક નેતા હાથમાં ઝંડો લઈને કપાતી પતંગો પકડવા માટે દોડાદોડી કરતા હોય એવું મંગલદર્શન હમણાં જ એક ન્યૂઝ ચેનલમાં જોવા મળ્યું. કોઈએ પૂછયું કે સાહેબ, તમે ઝંડો લઈને? તમે!? ત્યારે નેતાશ્રીએ કહ્યું : આવતા મહિને દિલ્હીમાં ચૂંટણી થવાની છે ને, અત્યારથી પ્રેક્ટિસ કરું છું!

ચૂસકી

યક્ષ : એવો કયો સવાલ છે, જેનો કોઈ જવાબ નથી, અને એવો કયો જવાબ છે જેનો કોઈ સવાલ નથી?

યુધિષ્ઠિર : જિંદગી એવો સવાલ છે, જેનો કોઈ જવાબ નથી. મૃત્યુ એવો જવાબ છે જેનો કોઈ સવાલ નથી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;