Tata recaptured Air India Airlines from the government
  • Home
  • Featured
  • તાતાથી તાતા સુધી એર-ઇન્ડિયાની ઉડ્ડયનયાત્રા

તાતાથી તાતા સુધી એર-ઇન્ડિયાની ઉડ્ડયનયાત્રા

 | 8:50 am IST
  • Share

  • બીજા વિશ્વયુદ્ધ પછીની કારમી મંદીથી બચવા એર ઇન્ડિયાએ શેર ભારત સરકારને વેચ્યા હતા

  •  17 માર્ચ 2020માં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મોકલવાની આખરી તારીખ હતી

  • 2012માં એર ઈન્ડિયા સતત ખોટ ખાઈને ભારતના એવિયેશન માર્કેટમાં ટોચના સ્થાનેથી ચોથા નંબરે ઊતરી ગઈ

1953 સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એર ઈન્ડિયા સહિત 8 એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ કરીને સરકારી માલિકીની બનાવી લીધી હતી. આજે 68 વર્ષ પછી સરકાર પાસેથી તાતાએ એર ઈન્ડિયા પાછી મેળવી લીધી છે.

જ્યારે જવાહરલાલ નહેરુએ એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી.) તાતાએ ટકોર કરી હતી કે રાષ્ટ્રીયકરણ કરશો તો અમલદારશાહી હાવી થઈ જશે અને કંપની ટકી નહીં શકે. 68 વર્ષે જે.આર.ડી.ના શબ્દો સાચા પડયા છે.

2006 સુધી એર ઈન્ડિયા નફો કરી રહી હતી, કારણ કે ત્યાં સુધી ખાનગી વિમાની સેવા કંપનીઓ જોરમાં નહોતી આવી. ત્યાર પછી વધતી હરીફાઈ અને વધતા જતા બળતણના ભાવના કારણે એર ઈન્ડિયા ખોટમાં જવા લાગી. 2007માં સરકારે ખર્ચ ઓછો કરવા એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સને મર્જ કરી દીધી. 2012માં એર ઈન્ડિયા સતત ખોટ ખાઈને ભારતના એવિયેશન માર્કેટમાં ટોચના સ્થાનેથી ચોથા નંબરે ઊતરી ગઈ. એ જ વર્ષે કંપનીને ઉગારવા માટે UPA સરકારે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યું. છતાં કંપનીની સ્થિતિ સુધરતી જ નહોતી.

આખરે 2017માં એર ઈન્ડિયા ખાનગી કંપનીને વેચી દેવાની યોજના બનાવવામાં આવી. 2018માં એર ઈન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવા કાઢયો હતો. તેના કોઈ જ ગ્રાહક આગળ ન આવ્યા. આખરે જાન્યુઆરી 2020માં 100 ટકા શેર વેચવાનું નક્કી કરવામાં આવ્યું. 17 માર્ચ 2020માં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મોકલવાની આખરી તારીખ હતી. ત્યારે જ કોરોના ત્રાટકતાં આખી વાત થંભી ગઈ હતી. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં 15 સપ્ટેમ્બર 2021ની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. તેમાં તાતા ગ્રૂપ અને સ્પાઈસ જેટ બંનેએ ઓફર આપી હતી.

1953માં ભારત સરકારે દેશની તમામ 8 એર લાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું

એર ઇન્ડિયાનું નામ તાતા એરલાઇન્સ હતું

15 ઓક્ટોબર 1932ના દિવસે દક્ષિણ આફ્રિકાના પાઇલટ નેવિલ વિન્સેન્ટની પ્રેરણાથી જે.આર.ડી. તાતાએ દેશની સૌથી પહેલી વિમાની સેવા તાતા એરલાઈન્સના નામે શરૂ કરી હતી. ત્યારે કંપની પાસે માત્ર બે જ વિમાન હતાં અને જે.આર.ડી. અને વિન્સેન્ટ નેવિલ જાતે વિમાનો ઉડાડતા હતા. પછીથી તેમાં ત્રીજા પાઇલટ હોમી ભરૂચા જોડાયા.

પહેલી ફ્લાઇટમાં ટપાલ જ હતી

જે.આર.ડી. તાતાએ 15 ઓક્ટોબર 1932ના રોજ કરાચીથી મુંબઈ પહેલી મુસાફરી કરી ત્યારે વિમાનમાં માત્ર 25 કિલો ટપાલના થેલા હતા. પ્રથમ વર્ષમાં માત્ર 155 મુસાફરો મળ્યા. બાકીની બધી ફ્લાઈટ ટપાલના થેલા માટે જ હતી.

1946માં તાતા એરલાઇન્સ એર ઇન્ડિયા બની

29 જુલાઈ 1946ના રોજ તાતા ઔએરલાઇન્સનું નામ બદલીને એર ઈન્ડિયા કરી દેવામાં આવ્યું. તેને પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવી. એ જ વર્ષે તેનું માસ્કોટ પ્રતીક મહારાજા બનાવવામાં આવ્યું. જે વર્ષો સુધી ખૂબ લોકપ્રિય રહ્યું. બે વર્ષ પછી 8 જૂને એર ઈન્ડિયાએ મુંબઈથી લંડનની પહેલી આંતરરાષ્ટ્રીય યાત્રા કરી.

માટીનું મેદાન જ રન-વે હતો

એ સમયે મુંબઈના જુહૂ વિસ્તારનું એક માટીવાળું મેદાન જ રન-વે હતો. ચોમાસામાં ત્યાં પાણી ભરાઈ જાય તો પૂણેથી વિમાનો ઊડતા.

ભારત સરકારે 49 ટકા શેર ખરીદ્યા હતા

એર ઈન્ડિયાએ 1947માં ભારત સરકારને 49 ટકા શેર વેચી દીધા હતા. 1953માં એર ઈન્ડિયા ભારત સરકારની કંપની બની ત્યારે જે.આર.ડી.ને જ તેના ચેરમેન બનાવાયા હતા. એ પછી તેના બે ભાગ કરવામાં આવ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો