Air India Flight Hit Trichy Airport Wall During Take-Off
  • Home
  • Featured
  • 136 મુસાફરોનો સહેજથી આબાદ બચાવ, વિમાન એરપોર્ટની ઈમારતો-દિવાલો સાથે ટકરાયું

136 મુસાફરોનો સહેજથી આબાદ બચાવ, વિમાન એરપોર્ટની ઈમારતો-દિવાલો સાથે ટકરાયું

 | 9:34 am IST

એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન કે જે દુબઈ જઈ રહ્યું હતું તે અચાનક જ ત્રિચી એરપોર્ટની અંદરની રનવે અને એર ટ્રાફિક લેવની અને એરપોર્ટ કંપાઉંડ વોલ સાથે અથડાઈ ગયું હતું. 

રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાર્થક કરતા એક બનાવમાં ગુરુવારે મધરાત બાદ તામિલનાડુનાં ત્રિચી એરપોર્ટ ખાતે 13૦ પ્રવાસી અને 6 ક્રૂ મેમ્બર સાથે દુબઈ જતું એર ઈન્ડિયા એક્સ્પ્રેસનું વિમાન ટેકઓફ વખતે એરપોર્ટની કમ્પાઉન્ડવોલ સાથે ટકરાયું છતાં હેમખેમ રહેતાં મોટી જાનહાનિ ટળી હતી. એર ઈન્ડિયા એક્સ્પ્રેસની દુબઈ જતી IX 611 ફ્લાઇટે ગુરુવારે મધરાત બાદ 1.3૦ કલાકે ઉડાન ભરી હતી. રનવે પર કલાકના 25૦થી 29૦ કિ.મી.ની ઝડપે દોડી હવામાં ઊંચકાયેલાં વિમાનનાં લેન્ડિંગ ગિયર અને બેલીનો હિસ્સો એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાયો છતાં વિમાનના પાઇલટો તેનાથી અજાણ હતા. એરપોર્ટ સત્તાવાળાઓનાં ધ્યાને આ વાત આવતાં તેમણે બોઇંગ 737 પ્રકારનાં આ વિમાનના પાઇલટોને જાણ કરી હતી પરંતુ પાઇલટોએ જણાવ્યું હતું કે, વિમાનની તમામ સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે. તે દરમિયાન નુકસાન પામેલું આ વિમાન 3 કલાક સુધી 136 માનવીઓ સાથે હવામાં ઊડતાં કોફિનબોક્સની જેમ દુબઈ તરફ આગળ વધતું રહ્યું હતું. અંતે આ વિમાનને શુક્રવારે સવારે 5.3૦ કલાકે મુંબઈ ડાઇવર્ટ કરી લેન્ડિંગ કરાવાયું હતું. નસીબજોગે વિમાનમાં સવાર તમામ 13૦ પ્રવાસી અને 6 ક્રૂ સભ્યો હેમખેમ રહ્યાં હતાં.

વિમાનનાં સફળ ઉતરાણ પછી અધિકારીઓએ વિમાનની ચકાસણી કરતાં જણાવ્યુ ંહતું કે વિમાનના બેલીના હિસ્સા અને લેન્ડિંગ ગિયરને વ્યાપક નુકસાન થયું હતું. બેલીનો કેટલોક હિસ્સો ઊખડી ગયો હતો, તિરાડો પડી હતી અને ગોબા પણ જોવાયા હતા. આ સ્થિતિમાં વિમાનનું ઉડ્ડયન કરવું અત્યંત ભયજનક બની ગયું હતું, પરંતુ આ અંગે વિમાનના પાઇલટોને કોઈ જાણ જ નહોતી. અત્યંત નીચી ઉડાનને કારણે ત્રિચી એરપોર્ટની કમ્પાઉન્ડવોલનો કેટલોક હિસ્સો તૂટી ગયો હતો અને ઘટનાસ્થળેથી ઇન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ એન્ટેનાનો તૂટેલો હિસ્સો મળી આવ્યો હતો. વિમાનનાં 3 વીએચએલ એન્ટેનાને પણ નુકસાન થયું હતું. મુંબઈમાં સહીસલામત ઉતરાણ બાદ એર ઈન્ડિયાના અધિકારિઓએ તસદી ના લેતા પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળા પછી અન્ય વિમાનમાં દુબઈ રવાના કરાયાં હતાં.

ચમત્કારિક બચાવ

મુંબઇ ખાતે એર ઇન્ડિયાના વિમાને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું ત્યારે 13૦ પ્રવાસીઓને અણસાર પણ નહોતો કે તેઓ મોતના મુખમાંથી ધરતી પર પાછા આવ્યાં છે. કાળ તો તેમને મધ્ય આકાશમાં જ ગળી જવા ટાંપીને બેઠો હતો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે!! વિમાનમાંથી નીચે ઉતરેલા ઘણા પ્રવાસીઓ માનવા તૈયાર નહોતાં કે તેઓ દુનિયાના થોડા સમયના મહેમાન હતાં. જો આ વિમાનમાં મધ્ય આકાશે કોઇ સમસ્યા સર્જાઇ હોત તો તમામ પ્રવાસીઓને અરબી સમુદ્રમાં જળસમાધિ લેવાનો વારો આવ્યો હોત.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ : સુરેશ પ્રભુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, મેં મંત્રાલયના સેક્રેટરી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. એર ઈન્ડિયાએ સંગઠન અને પેટા કંપનીઓમાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવા પેટા સમિતિની રચના કરી છે. પ્રાથમિક તપાસ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ કેસની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોને નિયુક્ત કરાયું છે.