હવા લોખંડની છીણીની જેમ ખડકોને તોડી શકેે? - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • હવા લોખંડની છીણીની જેમ ખડકોને તોડી શકેે?

હવા લોખંડની છીણીની જેમ ખડકોને તોડી શકેે?

 | 1:34 am IST

હવા પર્વતોને ચારેબાજુથી કોતરીને જાતજાતના આકાર બનાવી શકે એ વાત ઝટ આપણા ગળે ન ઉતરે. વાત માનવામાં ન આવે એ સ્વાભાવિક છે. પર્વતના ખડકો લોખંડની છીણીથી તોડવા હોય તો પણ પેલા માંઝીની જેમ વર્ષો નીકળી જતા હોય તો હવા ખડકોને શી રીતે તોડી-મરોડી શકે!

આપણે ખડકોને હવા કેવા કેવા તોડે છે એની વાત કરતાં પહેલાં હવાની તાકાત સમજી શકાય એવો એક સાચુકલો દાખલો જાણી લઈએ. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પાંચ-સાત માળ જેટલા ઊંચા પર્વતોની વચ્ચેથી વહેતી નદીએ કોતરી કાઢેલી ખીણ આવેલી છે. એને ડેથ વેલી કહે છે. કારણ કે એમાં પુરતો ખોરાક લીધા વગર જઈએ તો ભૂખથી મરી જઈએ. દિવસો સુધી ચાલીએ તો પણ એક માણસ ન મળે. અહીં કોઈ વસ્તી જ નથી, કારણ કે અહીં વર્ષે ફક્ત બે-ત્રણ ઈંચ વરસાદ માંડ પડે છે. આપણે ત્યાં સામાન્ય રીતે એક દિવસમાં પડી જાય એટલો વરસાદ અહીં આખા વર્ષમાં પડે છે. એટલે આખી સાપની જેમ વળાંક લેતી ખીણ જાણે રણપ્રદેશ હોય એમ સૂકી ભઠ્ઠ રહે છે. કોઈ વનસ્પતિ જોવા મળતી નથી. ખીણની બંને બાજુ કાળમીંઢ ખડકો જાણે આકાશને અડવાનું હોય એવા ઊંચા ઊંચા દેખાય. એની ઉપર પણ કોઈ ઉપયોગી વૃક્ષો નથી થતા. એટલે ક્યાંય ખાવાનું કે પાણી મળી શકે એમ જ નથી. એટલે તેને ડેથ વેલી કહે છે.

આવા સૂકા વિસ્તારમાં વર્ષે માડ બે-ત્રણ ઈંચ વરસાદ પડતો હોય તો અહીં આટલી ઊંડી નદીની ખીણ શી રીતે બની હશે? વિજ્ઞાાનીઓને પણ આ વાતની નવાઈ લાગી હતી. એમણે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે લાખ્ખો વર્ષ પહેલાં અહીં ભરપુર વરસાદ પડતો હતો. એ જમાનામાં ધસમસતા પાણીના તોફાની વહેણથી આ ખીણ કોતરાઈ હતી. હવે અહીં નામનો જ વરસાદ પડે છે.

આ ખીણમાં સૂકાયેલા તળાવના પટ જેવી સપાટી ઉપર નાના-મોટા પથ્થર જોવા મળે છે. કેટલાક પથ્થર મૂઠીમાં સમાઈ જાય એવા નાના છે અને કેટલાક ૩૦૦ કિલો વજનના પણ છે. ૧૯૪૮માં એક સાહસિક ખાવા-પીવાનો સામાન લઈને આ નિર્જન ખીણની સફરે નીકળ્યો હતો. તેણે આ પથ્થર જોયા તો ઔઆૃર્યમાં પડી ગયો. દરેક પથ્થર આ સૂકા ભઠ્ઠ પટમાં દૂર દૂરથી સરકી આવ્યો હોય એમ એની પાછળ લાંબી કેડી કંડારેલી દેખાતી હતી. પથ્થર સીધી લીટીમાં સરકી આવ્યા દેખાતા નહોતા. એ ઘડીક જમણે તો ઘડીક ડાબે ફંટાયા હોય અને ક્યાંક સીધા જ આગળ વધ્યા હોય એવી કેડી કોતરાયેલી દેખાતી હતી. પેલા સાહસિકને નવાઈ એ વાતની લાગી કે અહીં કોઈ માણસો વસતા નથી. આ પથ્થરોમાં મોટાભાગના ૧૦૦ કિલોગ્રામથી વધારે વજનના હતા. છતાં બધા જ પથ્થર સરકીને આગળ વધતા હોય એમ બધાની પાછળ કેડીએ કંડારેલી હતી.

પથ્થર જાતે તો ચાલી ન શકે! એને કોઈએ ધક્કો મારવો પડે, પરંતુ આટલા બધા પથ્થરોને હજારો ફૂટ દૂર સુધી ધક્કો મારવા આવે કોણ? અહીં કોઈ માણસ વસતા જ નથી.! આ સાહસિકે ફોટોગ્રાફ લઈ લીધા અને પાછો ફર્યો ત્યારે નિષ્ણાતોને બતાવ્યા. વિજ્ઞાાનીઓ પણ નવાઈ પામ્યા. એક પછી એક સંખ્યાબંધ નિષ્ણાતો ખાવા-પીવાનો બંદોબસ્ત કરીને ખીણમાં આંટો મારી આવ્યા. સરકતા પથ્થર જોઈ આવ્યા, એના ફોટા પાડી લાવ્યા. પરંતુ કોઈને ખબર પડતી નહોતી કે આ પથ્થરોને હજારો ફૂટ સુધી કોણ સરકાવે છે. પછી કેવું રહસ્ય ખુલ્યું એ આવતા અઠવાડિયે સમજીશું.