હવાના પ્રવાહમાં ૪૦૨ કિમી.ની ઝડપે તરવાનો રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • હવાના પ્રવાહમાં ૪૦૨ કિમી.ની ઝડપે તરવાનો રેકોર્ડ

હવાના પ્રવાહમાં ૪૦૨ કિમી.ની ઝડપે તરવાનો રેકોર્ડ

 | 2:01 am IST

ગિનીસ રેકોર્ડ : દિશા ઉમરેઠવાલા

જેવી રીતે પાણીમાં તરી શકાય છે એવી રીતે ખૂબ ઊંચે ગરમ હવાના પ્રવાહમાં પણ તરી શકાય. હવામાં તરવા માટે જમીનથી ચોક્કસ ઊંચાઈએ જવું પડે. હવાના પ્રવાહનો આધાર ન રહે ત્યારે સલામત રહેવા પેરાશૂટ પણ હોવી જોઈએ. પ્લેનમાંથી હવામાં છલાંગ લગાવતા સ્કાય ડાઈવિંગના વીડિયો જરૂર જોયા હશે! આ રીતે સ્કાય ડાઇવિંગ કરીને સ્વિત્ઝરલેન્ડના સ્કાય ડાઈવર માર્ક હૌસરે હવામાં સૌથી વધુ ઝડપે તરવાનો રેકોર્ડ બનાવ્યો છે. માર્ક હૌસરે પેરાશૂટ પહેરીને હોટ એર બલૂનમાંથી દરિયાની સપાટીથી ૨૪,૩૦૦ ફૂટ ઉપર પહોંચીને હવામાં છલાંગ લગાવી હતી. ત્યારે હવાની ગતિ ૪૦૨ પ્રતિ કલાકની હતી.

એક દિવસ માર્કને ગિનીસ બુકમાં નામ નોંધાવવાનો વિચાર આવ્યો. તેણે ઈન્ટરનેટ પરથી સ્કાય ડાઈવિંગની બધી માહિતી મેળવી. હવાના પ્રવાહમાં કોઈએ સ્કાય ડાઈવિંગ કર્યું છે કે નહીં તેની વિગત મેળવી. પછી માર્કે પ્લેનના બદલે હોટ એર બલૂનમાંથી છલાંગ લગાવવાનું વિચાર્યું. ગિનીસ બુકમાં આવો કોઈ રેકોર્ડ છે કે નહીં તે વિગત મેળવી.

પછી તેણે પોતાની ટીમ તૈયાર કરી. ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી લીધી. પછી તેણે ગિનીસ બુકના અધિકારીઓનો સંપર્ક કર્યો. પોતે સ્કાય ડાઈવિંગ કરીને હવાના પ્રવાહમાં તરી રેકોર્ડ બનાવવાનો છે એવી રજૂઆત કરી. ગિનીસ બુકના અધિકારીઓએ મંજૂરી આપી. એટલે ઓસ્ટ્રેલિયાના ફોર્બ્સ ખાતે આ ઈવેન્ટ યોજવાનું નક્કી કર્યું.

એ દિવસે વહેલી સવારે માર્ક હૌસર, હોટ એર બલૂનના પાયલટ સ્ટીવ ગ્રીફીન અને એક અનુભવી સ્કાય ડાઈવર થોમસ ગૌલબર્ન તથા ગિનીસ બુકના અધિકારી નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયા. માર્ક હૌસરે ગોગલ્સ, હેલમેટ, પેરાશૂટ પહેરી લીધું. બલૂનના પાઇલટ સ્ટીવ ગ્રીફિને બલૂનને ઉડાવવા માટે આગ પેટાવી. પછી માર્ક, સ્ટીવ અને થોમસ ત્રણેય બલૂનમાં બેસી ગયા. સ્ટીવે બલૂન ઉડાડયું. ૩૦ મિનિટ પછી તેઓ દરિયાની સપાટીથી ૨૪,૩૦૦ ફૂટ પહોંચ્યા. માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન અને સખત પવન ફૂંકાતો હતો. આ ઊંચાઈએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હતું. બલૂનને ઉડાવવા માટેની આગ ઓલવાઈ જવાનો પણ ભય હતો. સ્ટીવે આગને હોલવવા ન દીધી.

એ પછી માર્ક હૌસરે બલૂનમાંથી હવાના પ્રવાહમાં છલાંગ લગાવી. એની પાછળ પાછળ થોમસે પણ છલાંગ લગાવી. હવાની સ્પીડ જાણવા થોમસે સ્પીડોમીટર પહેરી રાખ્યું હતું. તેણે હવાની સ્પીડ નોંધી તો ૪૦૨ કિમી. પ્રતિ કલાક હતી. હવા જે દિશામાં વહી રહી હતી એ દિશામાં માર્ક હૌસરે હવામાં તરવાનું ચાલુ રાખ્યું. એક ખાસ ઊંચાઈએ આવ્યા પછી માર્કે પેરાશૂટ ખોલ્યું અને પછી જમીન પર ઉતરાણ કર્યું. ગિનીસ બુકના અધિકારીઓએ હવાની સ્પીડ, ઊંચાઈ વગેરે જેવી બાબતો ચકાસી. પછી માર્ક હૌસર સૌથી પ્રથમવાર હવાના પ્રવાહમાં તર્યો હોવાનું સર્ટિફાય કર્યું. થોડા દિવસ પછી માર્ક હૌસરને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળી ગયું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન