અકસાઇ ચીનનો અકસીર ઈલાજ કેમ અઘરો બની ગયો? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • અકસાઇ ચીનનો અકસીર ઈલાજ કેમ અઘરો બની ગયો?

અકસાઇ ચીનનો અકસીર ઈલાજ કેમ અઘરો બની ગયો?

 | 5:30 pm IST

ચીને અકસાઇ ચીન અને અરુણાચલ પ્રદેશમાં આક્રમણ કર્યું તેના એક વર્ષ અગાઉ, ૧૯૬૧માં નહેરુના સંરક્ષણમંત્રી વી. કે. મેનને, આગ્રામાં ભારતીય હવાઈદળના સ્ટેશનમાં ઓફ્સિરોને સંબોધતાં કહ્યું હતું, “ભારતના કોઈપણ ઇલાકામાં ચાઇનીઝ લોકોએ ઘૂસણખોરી કરી હોય, દબાણ કર્યું હોય કે ચઢાઈ કરી હોય તેની મને ખબર નથી.”

શબ્દો ચીર-પરિચિત લાગે છેને? ૫૦ વર્ષ પહેલાં ચીને ભારતને પીઠમાં ખંજર માર્યું હતું, તેની સ્મૃતિ પાકિસ્તાન તરફી ઝનૂનમાં વિસરાઈ ગઈ હતી, પણ ગલવાનની ઘટનાએ ભારતના નીતિ-નિર્માતાઓને અને સામાન્ય જનતાને ઊંઘમાંથી ગભરાટની મારી બેઠી કરી દીધી છે. ભૂતપૂર્વ રક્ષામંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે એક વાર કહ્યું હતું કે. ‘લોહિયાએ ૧૯૫૨માં નહેરુને ચીનની દાનત અંગે ચેતવ્યા હતા, પણ કેન્દ્રએ ગંભીરતા બતાવી ન હતી. વિરોધ પક્ષો પણ સમજવામાં થાપ ખાઈ ગયા હતા.’

પહેલી લોકસભામાં સભ્ય અને બિહારના એક વારના મુખ્યમંત્રી સત્યેન્દ્ર નારાયણ સિંહાએ ૧૯૬૪માં ‘ચાઈના સ્ટ્રાઈક્સ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની પ્રસ્તાવના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કે.એસ. થીમૈયાએ લખી હતી. તેમાં તે લખે છે કે, ‘છેક ૧૧ જૂન, ૧૯૫૨ના રોજ, નીચલા ગૃહમાં મારા ભાષણમાં મેં નહેરુ અને દેશવાસીઓને કહ્યું હતું-હું તમને એક ચેતવણી આપવા માગું છું. એક સમય આવશે, જ્યારે ચાઇનીઝ લોકો ભારત પર હુમલો કરશે. આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ અને એ પ્રમાણે રક્ષણની તૈયારી કરવી જોઈએ.’

યુદ્ધનું મુખ્ય કારણ અકસાઇ ચીન અને અરુણાચલ પ્રદેશનો સરહદી ઇલાકો હતો. અકસાઇ ચીન કાશ્મીરનો હિસ્સો છે (જેમાંથી ગલવાન નદી વહે છે), પણ ચીન તેને શીનજિયાંગ પ્રદેશનો ભાગ માને છે. ચીને તેમાં તેની તરફ્ના તિબેટને જોડતી મહત્ત્વની સડક બનાવી હતી, જેના પગલે આ યુદ્ધનાં મંડાણ થયાં હતાં. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં હતાં એટલું જ નહીં, પરંતુ ચાઇનીઝ નેશનાલિસ્ટ પાર્ટીની સરકાર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન વચ્ચેના લગભગ ૨૦ વર્ષના ગૃહયુદ્ધ પછી ૧૯૪૯માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનની સ્થાપના થઇ હતી. માઓના નવા ચીન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવાની પહેલ કરનારા દેશોમાં ભારત સામેલ હતું. નહેરુની નવી સરકારની મૂળભૂત નીતિઓમાં એક નીતિ ચીન સાથે દોસ્તી કરીને પ્રાચીન સંબંધો તાજા કરવાની હતી.

તે સમયે ચાઇનીઝ અધિકારીઓએ અકસાઇ ચીન પર ભારતનો અધિકાર છે, તેવા નહેરુના દાવાનો ન તો વિરોધ કર્યો હતો કે ન તો ટીકા કરી હતી. ૧૯૫૬માં ચીનના પ્રધાનમંત્રી ચાઉ એનલાઈએ કહ્યું હતું કે ભારતીય તાબા હેઠળના ઇલાકા પર અમારો કોઈ દાવો નથી. પાછળથી તેમણે કહ્યું કે ભારત-ચીન વચ્ચેની સીમા અંકિત થયેલી નથી અને ભારત સરકારે એકપક્ષીય દોરેલી અકસાઇ ચીનની સીમા મંજૂર નથી.

સીમાઓના મુદ્દા બહુ જટિલ હોય છે અને દુનિયાભરમાં અનેક દેશોમાં લોહિયાળ માથાકૂટો ચાલે છે. ભારત-ચીનનો સીમાવિવાદ પણ અત્યંત ગૂંચવાડાવાળો અને દાવા-પ્રતિદાવાવાળો છે, પરંતુ વિકિપીડિયાનાં અમુક પેજમાંથી સંકલન કરીએ તો આ સીમાની કૈંક આવી કહાની બને છેઃ

સરવે ઓફ ઇન્ડિયાના એક અધિકારી, વિલિયમ જોહન્સને, ૧૮૬૫માં ‘જોહન્સન લાઈન’ દોરીને અકસાઇ ચીનને કાશ્મીરમાં બતાવ્યું હતું. ૧૮૯૩ સુધી ચીનને તે મંજૂર હતું, કારણ કે શીનજિયાંગ ઇલાકા પર ચીનનું નિયંત્રણ ન હતું. ‘જોહન્સન લાઈન’ને કાશ્મીરના મહારાજાને આપવામાં આવેલી અને તેમણે એ ૧૮,૦૦૦ ચોરસ કિલોમીટર પર માલિકી સ્થાપી હતી.

રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં ચીનના વરિષ્ઠ અધિકારી, હુંગ તા-શેને, શીનજિયાંગના કાશગર શહેરમાં બ્રિટિશ રાજદૂત, જ્યોર્જ મેકાર્ટનીને આ વિસ્તારના જે નકશાઓ આપ્યા હતા, તેમાં આ સીમાની વિગતો પણ હતી. તે વખતે બ્રિટન અને રશિયા વિસ્તારવાદમાં એકબીજા સાથે રચ્યાં-પચ્યાં હતાં, રશિયાના ચઢાવે જ, ચીનને ૧૮૯૬ સુધીમાં અકસાઇ ચીનમાં રસ પડી ગયો હતા, અને કાશગરમાં મેકાર્ટનીએ સૂચન કર્યું કે સીમાને ફ્રીથી દોરવામાં આવે અને ઉજ્જડ ઇલાકો છે તેને વિકસાવવા માટે ચીનને આપવામાં આવે.

નવી સીમામાં અકસાઇ ચીનને ચીનમાં મૂકવામાં આવ્યું. ૧૮૯૯માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ ઈરવીને, આ સીમાને પેકિંગ (આજના બૈજિંગ) માં બ્રિટિશ રાજદૂત સર ક્લાઉડે મેકડોનાલ્ડની નોંધ સાથે ચીનના કિંગ વંશની સરકારને સુપરત કરી હતી. (ત્યારથી એ સીમાને મેકાર્ટની-મેકડોનાલ્ડ લાઈન કહેવામાં આવે છે. ચીન અને પાકિસ્તાનના સીમાંકનનો આધાર પણ આ મેકાર્ટની-મેકડોનાલ્ડ સીમા જ છે.) કિંગ સરકારે આ નવી સીમામાં રસ ન બતાવ્યો, એટલે એવું કહેવાય છે કે બ્રિટિશરો પાછા ‘જોહન્સન લાઈન’ પર જતા રહ્યા.

બ્રિટિશ ભારતના નકશાઓમાં આ બંને સીમાઓ સામેલ થતી રહી હતી. ૧૯૧૭થી ૧૯૩૩ સુધી પેકિંગમાં ચીનની સરકાર દ્વારા જારી ચીનના પોસ્ટલ એટલાસમાં અકસાઇ ચીનની સીમાને જોહન્સન-લાઈન પ્રમાણે બતાવાઈ હતી. ૧૯૨૫માં જારી પેકિંગ યુનિવર્સિટી એટલાસમાં અકસાઇ ચીનને ભારતમાં દર્શાવાયું હતું. ટૂંકમાં, ભારતની સ્વતંત્રતા સુધી બ્રિટિશરોએ લાઈન-દોરીઓ સરખી ન કરી અને ઝઘડાનું ઘર ઘાલી આપ્યું.

૧ જુલાઈ, ૧૯૫૪ના રોજ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આદેશ બહાર પાડયો હતો કે ભારતની તમામ સરહદોને ચોખી ને ચટ્ટ બતાવતા નકશા ફ્રી જારી કરવામાં આવે. ત્યાં સુધી અકસાઇ ચીનને, જોહ્નસન લાઈનના આધારે. ‘અસીમાંકિત’ ગણવામાં આવતું હતું. નહેરુએ ત્યારે ખોંખારીને કહ્યું હતું કે, “અકસાઇ ચીન સદીઓથી ભારતના લદ્દાખ પ્રદેશનો હિસ્સો છે, અને આ સીમા સ્થિર અને નિર્ધારિત છે અને કોઈની સાથે તેની ચર્ચાને અવકાશ નથી.”

ચાઇનીઝ પ્રધાનમંત્રી ચાઉં એનલાઈએ દલીલ કરી હતી કે પશ્ચિમની સીમા નક્કી થઇ જ નથી અને ચીનને જે એકમાત્ર પ્રસ્તાવ આપવામાં આવેલો છે તે મેકાર્ટની-મેકડોનાલ્ડ લાઈનનો છે, જેમાં અકસાઇ ચીન ચીનમાં બતાવ્યું છે, એટલે વાર્તાલાપમાં આ સ્થિતિને સામેલ કરવી પડે. ૧૯૬૦માં બંને દેશના અધિકારીઓ વચ્ચે સીમાને લઈને મંત્રણાઓ થઇ, પણ પશ્ચિમ સેક્ટરને લઈને કોઈ સહમતી ન બની.

એવું માનવામાં આવે છે કે નહેરુ તેમની વિશ્વ-નેતાની ભૂમિકાને લઈને આત્મવિશ્વાસથી ભરેલા હતા. નહેરુ ત્યારે આંતરરાષ્ટ્રીય વિવાદોમાં બહુ સક્રિય હતા અને અમેરિકા સામેની મુસીબતમાં ચીન તરફ્થી વકીલાત કરતા હતા. ૨૯ અપ્રિલ, ૧૯૫૪ના રોજ ભારત-ચીન વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પંચશીલ (પાંચ મુદ્દાના) કરાર થયા હતા, જેમાં ભારતે તિબેટમાં ચીનના શાસનને મંજૂર રાખ્યું હતું. આ જ સમયે નહેરુએ ‘હિન્દી ચીની ભાઈ-ભાઈ’નું સૂત્ર આપ્યું હતું. ૧૯૫૯માં તિબેટમાં બળવો થયો અને ત્યાંથી નાસી છૂટેલા દલાઈ લામાને ભારતમાં જે રીતે ‘મધુર’ સ્વાગત આપવામાં આવ્યું, તેનાથી ચીનના રાષ્ટ્રપતિ માઓ ત્સે તુંગ નારાજ થયા હતા. એમાંથી અકસાઇ ચીન અને હિમાચલની સીમા સળગવા લાગી અને જે ૧૯૬૨માં ઘોષિત યુદ્ધમાં પરિણમી.

બ્રેકિંગ વ્યૂઝ : રાજ ગોસ્વામી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન