11 વર્ષ પછી અખાત્રીજે સર્વાર્થ સિદ્ધિયોગનો મહાસંયોગ સર્જાશે, થશે ફાયદો જ ફાયદો - Sandesh
  • Home
  • Astrology
  • 11 વર્ષ પછી અખાત્રીજે સર્વાર્થ સિદ્ધિયોગનો મહાસંયોગ સર્જાશે, થશે ફાયદો જ ફાયદો

11 વર્ષ પછી અખાત્રીજે સર્વાર્થ સિદ્ધિયોગનો મહાસંયોગ સર્જાશે, થશે ફાયદો જ ફાયદો

 | 9:53 am IST

હિન્દુ સમુદાયમાં વર્ષેદહાડે આવતી કેટલીક તિથિ, સંયોગ અતિશુભ માનવામાં આવે છે. આવા અતિશુભ યોગમાં કોઇ પણ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાતું નથી અને દરેક કાર્ય ફળદાયી માનવામાં આવે છે. આ સંયોગો પૈકીની એક એવી અખાત્રીજ 18મીના બુધવારે મનાવાશે. જોકે, 11 વર્ષ પછી અખાત્રીજે 22 કલાકનો સર્વાર્થ સિદ્ધિયોગનો મહાસંયોગ સર્જાશે. આ જ દિવસે ત્રેતાયુગની શરૃઆત થઇ હોય યુગતિથિ પણ કહેવામાં આવે છે.

2018ની સાલમાં 18 એપ્રિલના બુધવારે અક્ષયતૃતીયા આવશે. પૌરાણિક ગ્રંથો અનુસાર જેનો ક્ષયના થાય તેને અક્ષય કહેવાય છે. અક્ષય એટલે આ દિવસે કરેલા કાર્યોનો ફળ નષ્ટ થતું નથી. આ દિવસે કોઇ પણ માંગલિક કાર્યો, લગ્ન, ગૃહનિર્માણ, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, વ્યાપાર આરંભ વગેરે માટે શુભ દિવસ ગણાય છે. આ દિવસે મુહૂર્ત જોવામાં આવતું નથી. આખો દિવસ શુભ મુહૂર્ત હોય છે. અક્ષયતૃતીયાના દિવસે ઘણા મહાપુરુષોનો જન્મ થયો છે. આ જ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને અક્ષયપાત્ર, સુદામાને ચોખા આપ્યા હતા. આ જ દિવસે ત્રેતાયુગની શરૃઆત થઇ હતી. એટલે યુગતિથિ પણ કહેવાય છે. આ દિવસે પ્રસિદ્ધ તિર્થસ્થળ બદ્રીનારાયણના કપાટ ખૂલે છે. વૃંદાવન સ્થિત બાંકે બિહારીજી મંદિરમાં વિગ્રહના ચરણદર્શન આખા વર્ષમાં અખાત્રીજે જ થાય છે.

જ્યોતિષાચાર્ય ડો.હરીશ જોશીના જણાવ્યા મુજબ, 18મીના રોજ અક્ષયતૃતીયા ઉજવાશે. 11 વર્ષ પછી અક્ષયતૃતીયાના દિવસે લગભગ 22 કલાકનો સર્વાર્થ સિદ્ધિયોગનો મહાસંયોગ બની રહ્યો છે. એટલે કોઇ પણ માંગલિક કાર્યો માટે બહુ જ ખાસ સમય માનવામાં આવે છે. બુધવારે સવારે ૩.૪૫ વાગ્યાથી મોડી રાત્રિએ ૧.૨૯ વાગ્યા સુધી રહેશે. દરમિાયન વિશેષ પૂજનમુહૂર્ત સવારે ૬.૨૦થી ૯.૨૯, ૧૧.૦૩થી ૧૨.૩૭ અને બપોરે ૩.૪૮થી ૬.૫૭ વાગ્યા સુધી છે. આ દિવસે ૧૪ દાન કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તેમાં ગૌ, ભૂમિ, તલ, સ્વર્ણ, ઘી, વસ્ત્ર, ગોળ, અનાજ, રજત, નમક, મધ, માટલી, સક્કરટેટી, કન્યાદાન કરવાથી સુખ, વૈભવ, શાંતિ, યશ, સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. વેપારમાં સતત નુકસાન થતું હોય તો 14 ગૌમતી ચક્રને વાટી પાઉડર કરી ઘર કે દુકાન, ઓફિસના ઊમરામાં વિખેરી દેવાથી વેપારમાં નુકસાન થતું અટકે છે. લાલ કે પીળા રેશમી કપડામાં ૧૪ ગૌમતી ચક્ર બાંધી ગલ્લામાં મૂકવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.