Alankrita Part-1 : Novel Write By Devendra Patel
  • Home
  • Supplements
  • Sanskar
  • અલંકૃતા : અરિસામાં પોતાના સૌંદર્યને નિહાળી રહી હતી

અલંકૃતા : અરિસામાં પોતાના સૌંદર્યને નિહાળી રહી હતી

 | 7:00 am IST

નવલકથા

પ્રકરણ ૧

શિયાળાની રાત. કાતિલ ઠંડીમાં શહેર આખું ઠુંઠવાતું હતું. ગાત્રોને થીજવી દે તેવી ઠંડીમાં રાજમાર્ગો પરનો ટ્રાફિક પણ આજે નહીંવત્ થઈ ગયો હતો. ફૂટપાથ પર ટુંટીયું વાળીને સૂતેલા ગરીબ પરિવારો માંડ એકાદ વસ્ત્ર ઓઢાડીને બાળકોને હૂંફ આપી રહ્યા હતા. શહેરની સડકોની નિયોન લાઈટો પણ આજે આછો ઉજાસ વેરતી હતી.

શહેરથી દૂર એક ‘નિસર્ગ વિલા’ના બગીચાની લાઈટો હજુ પ્રજ્વલિત હતી, જાણે કે કોઈના આવવાનો ઈન્તજાર કરતી હતી. એ બેજાન પ્રકાશ ધોધને ખબર હતી કે વિલામાં કોઈ કોઈની રાહ જોઈ રહ્યું હતું.

વિલાના ભવ્ય બેડરૂમમાં અલંકૃતાએ આજે વહેલાં જ સાડી ઉતારીને પારદર્શક નાઈટી પહેરી લીધી હતી. એણે શયનખંડની રોશની પણ ધીમી કરી નાંખી હતી.

અલંકૃતા બેડરૂમના ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ. ડ્રેસિંગ ટેબલની લાઈટો ચાલુ કરી. એ પોતાનું જ સૌંદર્ય સામેના અરિસામાં નિરખી રહી.

અલંકૃતા હજુ ત્રીસેક વર્ષની વયની હતી. એનું શરીર સૌષ્ઠવ કોઈપણ અભિનેત્રીને શરમાવે તેવું ગજબનાક અને સુંદર હતું. શ્વેત ગોરું બદન, અણિયાળું નાક, હરણીની આંખ જેવાં નયન અને કાળા ઘુંઘરાલા વાળમાં તે કોઈ અપ્સરા જેવી જ લાગતી હતી. હા, એના સૌંદર્યમાં એક પ્રકારની ગરિમા હતી. એના વ્યક્તિત્વમાં શાલીનતા હતી. એમ છતાં યે છેવટે તો તે એક સ્ત્રી હતી ને? એણે ફરી એકવાર દર્પણમાં ધ્યાનપૂર્વક જોયું. એ પોતાનાં જ વૃક્ષઃસ્થળને જોઈ રહી. નીચેથી સ્પર્શી થોડુંક સ્મિત આપ્યું. તે પોતાના જ સૌંદર્યને જોતાં જોતાં થોડીક શરમાઈ પણ ખરી. મનોમન બોલીઃ ‘રે અલંકૃતા! તું આ શું કરી રહી છે? તું તારા જ પ્રેમમાં? ગાંડી તો નથી થઈ ગઈ ને?’

એણે મનોમન જવાબ આપ્યોઃ ‘હા…પણ હું એક મહિનો લંડન રહીને આજે જ ઈન્ડિયા આવી. આજે પૂરા ૩૦ દિવસ બાદ હું મારા મિસ્ટરને આ રીતે મળીશ. ક્યાં સુધી રહી શકું એમના વિના? હું પણ એક સ્ત્રી છું ને! મારી ઉંમર તો જો!’

અલંકૃતાએ ડ્રેસિંગ ટેબલ પરથી એક પરફ્યુમની બોટલ લીધી. એણે પોતાના દેહ પર હળવો સ્પ્રે છાંટયો. વળી એ મનોમન બોલીઃ ‘અલી ઓછું પરફ્યુમ છાંટ. એમને પરફ્યુમની એલર્જી છે. વળી પાછા એ ડોક્ટર છે, અને તે પણ ગાયનેક.’

અલંકૃતાએ ફરી પોતાની જાતને જ મનોમન જવાબ આપ્યોઃ ‘ગાયનેક છે તેથી શું થઈ ગયું? મારા પતિ તો છે ને! બસ, બીજી સ્ત્રીઓને સ્પર્શ્યા કરવાનું? હું તેમની સ્ત્રી નથી?’

અને તે ખોટું ખોટું ખીજાઈ.

એણે દીવાલ પરની ઘડિયાળ સામે નજર કરી. ક્લોકમાં રાતના સાડા નવ થયા હતા. એ વળી બોલીઃ ‘આજે તેઓ હોસ્પિટલ ગયા ત્યારે તો તેમણે મને કહ્યું હતું કે રાત્રે આઠ વાગે આવી જઈશ. પણ હજુ આવ્યા નહીં. આ ડોક્ટરોને તો પરણવું જ ન જોઈએ અને ગાયનેકને તો બિલકુલ નહીં. બીજી સ્ત્રીઓમાંથી નવરા પડે તો મારી પાસે આવે ને!’

અને તે મોં ફુલાવીને ફરી પલંગ પર ઓશિકાના ટેકે બેસી ગઈ.

“““

વાત એમ હતી કે અલંકૃતાના પતિ ડો. અભિસાર શર્મા શહેરના એક સુપ્રસિદ્ધ તબીબ હતા. તેઓ ર્ફિટલિટી અંગે દેશની વિવિધ મેડિકલ સંસ્થાનોમાં પ્રવચનો પણ આપવા જતા હતા.

ડો.અભિસાર શર્મા અને અલંકૃતાનાં લગ્ન પાંચ વર્ષ પહેલાં જ થયાં હતાં. અલંકૃતા પૂરા એક મહિના બાદ લંડનથી આજે પાછી આવી હતી. અને આજે ફરી એકવાર તેના હસબન્ડ સમયસર ઘેર પહોંચ્યા નહોતા.

અલંકૃતાએ મોબાઈલ ફોન ઉઠાવ્યો. પતિને ફોન જોડતાં બોલીઃ ‘કયાં છે?’

‘ક્લિનિક પર’ અભિસારે જવાબ આપ્યો.

અલંકૃતાએ કહ્યું, ‘સાચું બોલો, નહીંતર વીડિયો કોલ કરીશ. તમે ક્લિનિક પર છો કે નહીં?’

અભિસાર બોલ્યાઃ ‘અરે ડિયર! બસ હવે હું નીકળું જ છું. એક પેશન્ટ છેક દૂરથી આવ્યું હતું.’

‘તો હું તમારી પેશન્ટ નથી?’

‘તું મારી પત્ની છે.’

‘તો પત્નીની પરવા નથી?’

‘છે જ.’

અલંકૃતાએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું: ‘ઘરવાળી એક મહિનાથી દૂર હોય તો તેની પણ કેટલીક અપેક્ષાઓ હોય છે. એટલી ખબર નથી પડતી?

અભિસારે કહ્યું: ‘બસ, હું નીકળું જ છું, કૃતા.’

એટલું બોલે તે પહેલાં અલંકૃતાએ ફોન મૂકી દીધો.

અભિસાર અલંકૃતાને કૃતા કહેતા અને અલંકૃતા તેના પતિને માત્ર ‘અભિ’ કહીને બોલાવતી.

“““

પતિનો ઈન્તજાર કરતી અલંકૃતાએ સમય પસાર કરવા બેડરૂમની બાજુમાં પડેલંુ એક મેગેઝિન ઉઠાવ્યું. એણે એનાં પાનાં ઉથલાવ્યાં. વચ્ચેના ગ્લેઝડ પાના પરની એક રોમેન્ટિક તસવીરને તે નિહાળી રહી. એ તસવીરમાં એક અમેરિકન યુવક એની પ્રિયતમાને એના સાનિધ્યમાં ખેંચી રહ્યો હોય તેવું દ્રશ્ય હતું. એ જોઈ અલંકૃતા એકલી એકલી બોલીઃ ‘અભિ! તું મને આવો પ્રેમ ક્યારે કરીશ?’

એટલામાં ડોરબેલ વાગ્યો. તે નીચે ગઈ. બારણું ખોલ્યું. ઉંબરામાં અભિસારને જોઈ તે મુસ્કુરાઈ. પણ તરત જ બનાવટી ગુસ્સો કરી તે અંદર ચાલી ગઈ.

અભિસારે પૂછયું: ‘કેમ ગુસ્સામાં છે?’

‘તે કેમ ના હોઉં?’

‘તને મારી પર ગુસ્સે થવાનો અધિકાર છે પણ શું કરું? ડોક્ટરનો વ્યવસાય જ એવો છે ને!

તે પછી અભિસારે સ્પષ્ટતા કરતાં પૂછયું: ‘કેમ, અત્યારથી જ રાતના વસ્ત્રોમાં?’

અલંકૃતાએ ડાઈનિંગ ટેબલ પર જમવાની ડિશો ગોઠવતાં કહ્યું: ‘હા…હું તો ઈચ્છું છું કે કાલે સવાર જ ના પડે. લંડનથી પૂરા એક મહિને ઘેર પાછી આવી છું ને તમને…. કાંઈ?…. ચાલો જવાદો એ વાત. હવે હાથ-પગ ધોઈ લો. જમવાનું તૈયાર છે. મને પણ ભૂખ લાગી છે.’

અભિસાર હસતાં હસતાં બેડરૂમમાં ગયો. હાથ-પગ ધોઈ, કપડાં બદલી નીચે ડાઈનિંગ હોલમાં આવ્યો. ફટાફટ જમીને બેઉ ફરી બેડરૂમમાં ગયાં.

અલંકૃતાએ હવે ડ્રેસિંગ ટેબલ પરની લાઈટો બુઝાવી દીધી. રૂમમાં હવે આછી ભૂરી રોશની જ હતી. અભિસાર અલંકૃતાને પોતાના સાનિધ્યમાં લે તે પહેલાં જ અલંકૃતા તેની સોડમાં ભરાઈ ગઈ.

અભિસાર બોલ્યોઃ ‘કૃતા! તારી લંડનની ટૂર કેવી રહી?’

અલંકૃતાએ કહ્યું: ‘આજે મારે વાતો કરવી નથી.’

‘તો?’

અભિસારના પ્રશ્નનો જવાબ આપવાના બદલે અલંકૃતાએ પતિના હોઠ જ મૌન કરી દીધા.

કેટલીક ક્ષણો પસાર થઈ. બહાર હવે ઠંડી વધી રહી હતી. રસ્તા પરનો અવાજ પણ હવે મૌન હતો. અલંકૃતાને આજે નીરવતા જોઈતી હતી, નિઃશબ્દતા જોઈતી હતી. શયનખંડની આછી ભૂરી રોશની પણ અલંકૃતાના સૌંદર્યને જોઈ જાણે કે શરમાઈ ગઈ. આજે અલંકૃતાને કોઈની પરવા નહોતી. હવે થોડા ઊના શ્વાસ જ એક બીજાની ભાષા સમજતા હતા. એ સિવાય બધું જ શાંત હતું, ચૂપ હતું, કોઈ એમને ખલેલ પહોંચાડવા માંગતું નહોતું.

– અને અચાનક અભિસારના મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઊઠી.

અલંકૃતા બોલીઃ ‘કોઈનો પણ ફોન હોય આજે તારે ફોન લેવાનો નથી.’

અભિસાર બોલ્યોઃ ‘કોઈ અગત્યનો ફોન હોય તો?’

‘હું તારા માટે અગત્યની નથી? એક મહિના પછી લંડનથી આવી છું. મારી કોઈ જ આકાંક્ષાઓ ના હોય?’

બેઉ વચ્ચે વાત ચાલતી રહી. કેટલીક વાર બાદ ફોનની ઘંટડી બંધ થઈ ગઈ. અભિસારે ફોન ના ઉપાડયો.

અલંકૃતા અભિસારની નજીક સરકી. અભિસાર બોલ્યોઃ ‘આર યુ હેપી નાઉ?’

‘યસ…વેરી મચ. તારે એ ના ભૂલવું જોઈએ કે હું તારી પત્ની છું. તારી પણ મારા માટેની કેટલીક ફરજો છે. મને એવો જ પતિ ગમે કે જે મારો જ હોય, બસ, મારો એકલાનો!’

‘પરંતુ તું તો એક પ્રેરક પ્રવચનો આપતી વક્તા છે.’

‘તેથી હું શું સ્ત્રી મટી જાઉં છું? શ્રોતાઓ સામે હું વકતા છું અને પતિ સામે આદર્શ પત્ની.’

અભિસારે પૂછયું: ‘આદર્શ પત્નીની વ્યાખ્યા શું છે?’

અલંકૃતા બોલીઃ ‘ભારતના નીતિશાસ્ત્રમાં નોબેલ વુમન એટલે કે ઉમદા સ્ત્રીનાં કેટલાક લક્ષણો વર્ણવ્યા છે.’

અભિસારે પૂછયું : ‘કયાં કયાં?’

અલંકૃતા સ્ત્રીઓનાં લક્ષણો વિશે બોલીઃ ‘કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા… ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી – આવી સ્ત્રી હોવી જોઈએ.

અભિસારે પૂછયું: ‘એટલે?’

અલંકૃતા બોલીઃ ‘એટલે કે ઉમદા સ્ત્રી એ છે કે જે કાર્યપ્રસંગમાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજન કરાવતી વખતે માતા, શયનખંડમાં રંભા (અપ્સરા), ધર્મમાં સાનુકૂલ અને ક્ષમા કરવામાં પૃથ્વી જેવી હોય. આ શ્રેષ્ઠ સ્ત્રીના લક્ષણ છે. આવી ભાર્યા-પત્ની મેળવવી દુર્લભ છે.’

‘ઓહ!’

‘અને યાદ રહે કે અત્યારે હું શયનખંડમાં તારી અપ્સરા છું.’ એમ કહીને અલંકૃતાએ ઊભા થઈ નાની લાઈટ પણ બુઝાવી દીધી.

પરંતુ ત્યાં જ અભિસારના મોબાઈલ ફોનની ઘંટડી ફરી રણકી ઊઠી.

(ક્રમશઃ)

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન