રસાયણ-વિજ્ઞાની ફ્રેડ હોય્લ   - Sandesh
  • Home
  • Kids Corner
  • રસાયણ-વિજ્ઞાની ફ્રેડ હોય્લ  

રસાયણ-વિજ્ઞાની ફ્રેડ હોય્લ  

 | 12:42 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

‘મારે સ્કૂલ નથી જવું. મને સ્કૂલનો કંટાળો આવે છે…’ સામાન્ય બાળકોની જેમ ફ્રેડ હોય્લ પણ આવી જ દલીલો કરી-કરીને સતત સ્કૂલ પ્રત્યે એક વિચિત્ર પ્રકારના ધિક્કારની લાગણી દર્શાવ્યા કરતો હતો. સામાન્ય બાળકોને અમસ્તો જ ભણવાનો કંટાળો હોય, ત્યારે ફ્રેડ માટે સ્કૂલ ન જવા પાછળનું કારણ પણ ર્તાિકક હતું. પાંચ વર્ષે નાનકડા બાળકને પ્લે-હાઉસમાં મૂકવાની એકદમ સાચી ઉંમર હોય અને એ…બી…સી…ડી…કે વન ટુ ટેન શીખવાની શરૂઆત હોય ત્યારે ફ્રેડ ચાર વર્ષની ઉંમરે એક ૧થી ૧૨ ના ટેબલ્સ કડકડાટ બોલી નાખવાની કુદરતી ક્ષમતા ધરાવતો હતો. એટલું જ નહીં, સાત વર્ષની ઉંમરે તો એ લખતાં વાંચતાં પણ શીખી ગયો હતો અને ગણિતના અઘરા કહી શકાય એવા દાખલાઓ સમજવાની તેની દ્રષ્ટિ પણ ખીલી ચૂકી હતી.

ફ્રેડની મા પોતે ભૂતકાળમાં શિક્ષક જ હતી, ભણતરનું મહત્ત્વ એ જાણીતી જ હતી. ફ્રેડને સ્કૂલમાં તો મૂકવામાં આવ્યો , પણ સ્કૂલના બોરિંગ ભણતરથી અકળાતા ફ્રેડની હાજરી સ્કૂલમાં ઓછી રહેતી. દિવસ આખો એ રખડયા જ કરતો. ખીસાખર્ચીની એક પેની મળી હોય એમાંથી પિક્ચર જોવામાં સમય કાઢે, કયાં તો કોઈ ને કોઈ કારીગર કામ કરતા હોય તેની સામે બેસીને સતત નિરીક્ષણ કરતો રહેતો.

આમથી તેમ ભટકતા ફ્રેડભાઈ એક દિવસ વળી સ્કૂલે જઈ ચડયા અને એને જોઈને તેના ટીચર એ હદે એના પર ગુસ્સે થયા કે ફ્રેડને સજા આપવાના બહાને અતિશય માર માર્યો. બસ, સ્કૂલ પ્રત્યે ભારોભાર ધિક્કારની લાગણી ધરાવતા ફ્રેડને હવે પછી સ્કૂલ ન જવાનું એક સબળ કારણ મળી ગયું. ટીચર દ્વારા થયેલ દુર્વ્યવહાર બદલ સ્કૂલના પ્રિન્સિપાલે ફ્રેડનું ભણતર ઘરમેળે ચાલુ રહે તેવી છૂટ આપી- એ પણ ફક્ત એ જ હકીકત પર કે ફ્રેડની માતા ભૂતકાળમાં શિક્ષક હતી.

આ આખી વાતના મૂળમાં હકીકત એ હતી કે ફ્રેડ હોય્લ- જે વિશ્વ સમક્ષ કેમિસ્ટ્રી અને ખગોળશાસ્ત્રના વિસ્મયકારક સિદ્ધાંતો રજૂ કરવાનો હતો- પરંપરાગત સ્કૂલના શિક્ષણથી તદ્ન દુશ્મનાવટ ધરાવતો હતો. અંતે ફ્રેડે ઘરમાં ભણવાનું શરૂ કર્યું. આમતેમ હાથ મારતાં ક્યાંથી કોણ જાણે ફ્રેડના હાથમાં કેમિસ્ટ્રીનું એક પુસ્તક આવી ગયું. આ વિષય પર ફ્રેડનું મન કુદરતી જ મોહી પડયું. ફ્રેડના મનમાં એ વાત સજ્જડપણે ઘર કરી ગઈ કે હવે તો આ કેમિસ્ટ્રીમાં જ ઊંડા ઊતરવું. મગજ સતેજ તો હતું જ. પોતાના ઘરના જ રસોડામાં પોતાની રીતે ગનપાવડર લઈને જોખમી પણ સફળ પ્રયોગ કરી નાખ્યો. જેનું પરિણામ જ્યારે સ્કૂલના કેમિસ્ટ્રી ટીચરને જાણ થઈ ત્યારે એ ટીચર ફ્રેડની આ વાત માનવા તૈયાર ન હતા. પણ ફ્રેડ દ્વારા આ પ્રયોગ તેના દાખલાઓ, દલીલો અને આધારભૂત પ્રમાણો સાથે જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે તો એ ટીચર પણ ફ્રેડની વિચક્ષણતા પર ઓવારી ગયા.

હવે આવી સ્કોલરશિપની એક્ઝામ. એરિથમેટિકમાં ફ્રેડે જબરદસ્ત પર્ફાેર્મ કર્યું. પરિણામ જોઈને સ્કૂલના હેડમાસ્ટરે ફ્રેડને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યો. ફ્રેડની કેમિસ્ટ્રીની પ્રતિભા પારખીને તેને કેમિસ્ટ્રીના ટીચર પાસે મોકલ્યો. ફ્રેડના કેમિસ્ટ્રીના જ્ઞાનથી ટીચર અત્યંત પ્રભાવિત તો થયા જ, ઉપરાંત ફ્રેડને સ્કોલરશિપ પણ મળી ગઈ. ફ્રેડ માટે હવે સ્કૂલના દરવાજા ખુલી ચૂક્યા હતા, પણ રોજ ચાર માઈલ ચાલીને જવાનું અને આવવાનું થતું.

ફ્રેડ હોય્લ પોતાની જ્વલંત પ્રતિભાના જોરે વિશ્વમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે લખાવવાનો હતો, પણ કોલેજમાં કોઈ અકળ કારણોસર તેની સ્કોલરશિપ પાછી ખેંચાઈ ગઈ. ફ્રેડ જબરા ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. પણ ક્યારેય હિંમત ન હારવાનો સ્વભાવ ધરાવતા ફ્રેડે પોતાની વૈજ્ઞાનિક કારકિર્દી દરમિયાન વિશ્વને કેમિસ્ટ્રી અને ખગોળશાસ્ત્રના વિસ્મયકારક સિદ્ધાંતોની બેનમૂન ભેટ આપી.

ફ્રેડ હોય્લ એટલે ચારે તરફથી મુસીબતો, અવગણના પામેલ વિદ્યાર્થીનું આશ્ચર્યચક્તિ કરી મૂકનારું કમબેક.