શરાબ અને ગાંજાની આંતરરાષ્ટ્રીય લોબીઝ અને તેમનું વિજ્ઞાન - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • શરાબ અને ગાંજાની આંતરરાષ્ટ્રીય લોબીઝ અને તેમનું વિજ્ઞાન

શરાબ અને ગાંજાની આંતરરાષ્ટ્રીય લોબીઝ અને તેમનું વિજ્ઞાન

 | 11:20 am IST

માણસને નશો કરવાનું મન થયા કરે છે. તેમાં પણ સૌથી સુલભ અને સર્વવ્યાપાક શરાબ છે. સમગ્ર દુનિયામાં શરાબના ઉત્પાદન અને વેચાણ પર સૌથી ઓછા પ્રતિબંધો છે. ગુજરાતમાં અને હવે બિહારમાં દારૂબંધીના નશાએ પોલીસને બહેકાવી દીધી છે. હપ્તાઓથી છલકાવી દીધી છે. મૂળ કામ ભૂલી ગઈ છે અને લોકોને બેફામ નબળી શરાબ ઊંચી કિંમતે પીતાં કરી દીધા છે. આઝાદી પછી ગુજરાતની માફક તામિલનાડુમાં દારૂ પર પ્રતિબંધ હતો. અમલ શક્ય ન રહ્યો તો હટાવી દીધો અને હાલમાં સરકાર ખુદ દારૂ વેચે છે. અમેરિકામાં ૧૯૩૩ અગાઉ શરાબબંધી હતી, પણ એ ઠંડો દેશ અને ગોરી પ્રજા. કેમ અટકાવી શકાય? ૧૯૩૩માં દારૂબંધી દૂર કરી. ત્યારબાદ આજ સુધીમાં, અમેરિકાના અનુભવોમાંથી બોધપાઠ લઈને પશ્ચિમના એક પણ દેશે આલ્કોહોલ પીવાની મનાઈ ફરમાવી નથી.

પ્રભુએ અનેક પ્રકારનાં નશાકારક દ્રવ્યો અને પદાર્થો પેદા કર્યા છે અને માણસે તેને વધુ રિફાઈન કર્યા છે. પણ તે બધામાં શરાબ સૌથી વધુ પોપ્યુલર અને ઉત્પાદનમાં સહેલી છે. અનેક ચીજોમાંથી બને. ગમે ત્યાં બને, પરંતુ તમામ નશાકારક પદાર્થોમાં શરાબ દુનિયાને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહી છે. અન્ય નશાકારક પદાર્થો તેનું સેવન કરનારને ખૂબ નુકસાન પહોંચાડે છે પરંતુ તે આસાનીથી પ્રાપ્ય નથી અને ખૂબ મોંઘા પડે છે. આથી તેની કુલ ખરાબ અસર સીમિત રહે છે. શરાબની કરુણ કહાનીઓ દક્ષિણ ગુજરાતના શ્રમજીવી વર્ગમાં વ્યાપકપણે જોવા મળે. શ્રીમંત ઘરોમાં પણ તે તબાહી મચાવે છે. એકંદરે દુનિયામાં સૌથી વધુ લોકોએ દારૂના દૂષણને કારણે સહન કરવું પડે છે.

૨૦૧૦માં ડ્રગ નિષ્ણાતો અને સંશોધકોએ બ્રિટનમાં એક સંશોધન હાથ ધર્યું હતું. વીસ જેટલા કોમન નશાકારક પદાર્થોમાંથી દુનિયા પર સૌથી વધુ ખરાબ અસર કયા પદાર્થની પડે છે તે વિષય પર સંશોધન આદર્યંી હતું. પરિણામોમાં જણાયું કે સમાજ પર સૌથી બોજારૂપ અને નુકસાનકારક શરાબ છે. તેની નકારાત્મક અને વિપરીત અસરો જેઓ શરાબ ન પીતા હોય તેમના પર પણ પડે છે. હજારો અને લાખો નિર્દોષ લોકો વાહનોના અકસ્માતોનો ભોગ બને છે. લાખો અપંગ, બેરોજગાર અને બોજારૂપ બની જાય છે. અબજોની માલમિલકતો નાશ પામે છે. નાની ઉંમરનાં સગાવહાલાં ગુમાવ્યાનું પારાવાર દુઃખ જીવનભર સતાવે છે. નાની ઉંમરની શ્રમિક વિધવાઓએ ઘરકામ કરવાં પડે છે. પતિ હયાત હોય અને દારૂડિયો હોય તો પત્નીને મારીને દારૂના પૈસા લઈ જાય. સંધ્યાટાણે આવા ઝઘડા દક્ષિણ ગુજરાતમાં આમ વાત છે. ખરાબ તબિયતો અને દવાનાં બિલ જુદાં.

આ બધું જ છે છતાં દારૂ છોડતો નથી. પશ્ચિમના દેશોનો અનુભવ છે કે દારૂને ગેરકાયદે જાહેર કરવાથી ગુનાખોર લોકો વધુ મજબૂત થાય છે. લત્તાઓના દાદાઓ વચ્ચે વિસ્તારોની સરહદો માટેનાં લોહિયાળ ઘર્ષણો થાય છે. આ કારણ અને પરિણામથી પશ્ચિમની સરકારો હવે ધીમે ધીમે ગાંજો અને ઓપીઓડ દવાઓનો વપરાશ પણ કાયદેસર બનાવી રહી છે. આલ્કોહોલ દ્વારા થતા વિનાશને ઘટાડવા માટે લોકશાહી સરકારો પાસે લોકોને સમજાવવા સિવાયના ખાસ ઉપાયો બચ્યા નથી. ઉપરાંત કરવેરા લાદીને, શરાબ મોંઘી કરીને, ક્યાં? કોને? કેટલી માત્રામાં શરાબ વેચી શકાય વગેરે પ્રકારનાં નિયંત્રણો લાદીને વપરાશ ઘટાડી શકાય. પણ આવા ઉપાયો ખાસ અસરકારક નીવડતા નથી. બ્રિટનની ઈન્સ્ટિટયૂટ ઓફ આલ્કોહોલ સ્ટડીઝ અને શેફીલ્ડ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસ પ્રમાણે બ્રિટનમાં એક સપ્તાહમાં વધુમાં વધુ ૧૪ યુનિટની અને તેથી વધુ દારૂનું સેવન નહીં કરવાની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે દિવસના બે યુનિટ (અથવા વાઈનનો એક ગ્લાસ) થી વધુ શરાબ પીવો જોઈએ નહીં. પરંતુ લોકો ચાલીસ ટકા વધુ શરાબ પીએ છે. હવે શરાબ ઉદ્યોગ લોકો ભલામણ મુજબ દારૂ પીએ તે ઝુંબેશમાં જાતે જોડાયો છે અને બ્રિટનના એક સોથી વધુ ઉત્પાદકો અને વેચાણકારોએ એક ‘જવાબદારી કરાર’ પર સહીઓ કરી છે જેમાં તેઓ પ્રયત્નો કરશે કે જેથી લોકો હદમાં રહીને પીએ. જોકે ઉદ્યોગ એ પ્રચાર કરશે કે ઓછો પીઓ પણ મોંઘો અને સારો પીઓ. મતલબ કે પોતાનો વકરો ટકાવી રાખશે. શરાબ ઉદ્યોગ પ્રથમ પોતાની ચિંતા કરે એ સ્વાભાવિક છે પણ તે પ્રયાસોમાં સમાજમાં, જુઠાં સંશોધનો યોજી જૂઠાં પરિણામો પણ ઘુસાડવામાં આવે છે. અમેરિકાની સરકારની સૌથી મોટી વિજ્ઞાન સંસ્થા ‘નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ’ તરીકે ઓળખાય છે. આ સંસ્થાએ મોડરેટ (પ્રમાણસર) દારૂ પીવાનાં પરિણામો પર દસ કરોડ અમેરિકી ડોલર ખર્ચીને વૈજ્ઞાનિક સંશોધનો આદરવાની યોજના ઘડી હતી. ભારતના રૂપિયા ૭૦૦ કરોડ થાય. પણ જ્યારે એ હકીકત બહાર આવી કે આ સંશોધનો પાછળનો મહત્ત્વનો ખર્ચ શરાબ-નિર્માતા કંપનીઓ પૂરો પાડવાની છે ત્યારે સંશોધનનો કાર્યક્રમ રદ કરવો પડયો હતો, કારણ કે એ સંશોધનોનાં પરિણામો પહેલેથી જ નક્કી હતાં. મોડરેટ શરાબ પીવાથી શરીરને નુકસાન થતું નથી અથવા ફાયદો થાય છે તેવા કોઈક નિષ્કર્ષ પર આવવાનું હશે. હમણાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઈંગ્લેન્ડ સરકારના જાહેર આરોગ્ય વિભાગે તેઓના કર્મચારીઓને શરાબ ઉદ્યોગ સાથે મળીને કામ કરવાની મનાઈ ફરમાવવી પડી છે. ૧૯૯૯માં તમાકુ ઉદ્યોગ અમેરિકામાં લોબિઇંગ અને પ્રચાર માટે જે ખર્ચ કરતો હતો તેનો અર્ધો ખર્ચ આવાં કામો માટે શરાબ ઉદ્યોગ કરતો હતો.

તમાકુ અને સિગારેટ ઉદ્યોગનાં વળતાં પાણી થઈ રહ્યાં છે. કેન્સર એક ખતરનાક બલા છે. પણ આજે શરાબ ઉદ્યોગ તમાકુ ઉદ્યોગ કરતાં પણ ૩૧ ટકા રકમ વધુ ખર્ચ કરે છે. માટે વાઈન પીવાથી તબિયત અને હૃદય સારાં રહે છે એવા સત્તાવાર દાવાઓ પણ પૂર્વગ્રહયુક્ત હોઈ શકે છે.

આજકાલ ગાંજા બાબતે પશ્ચિમના દેશોમાં આવું જ ચાલી રહ્યું છે. સરકારો ગાંજાના વપરાશને મુક્ત બનાવી રહી છે અને દાવાઓ, પ્રતિદાવાઓ થઈ રહ્યા છે. ગાંજાની તબિયત પર સકારાત્મક અસરોની વાતો ફેલાઈ રહી છે. ત્યાં સુધી કે ગર્ભવતી સ્ત્રીઓ તબીબોની સલાહ લઈ રહી છે કે પ્રેગનન્સી દરમિયાન ગાંજાનું સેવન કરી શકાય કે નહીં? અભ્યાસો (જો પ્રામાણિક હોય તો) જણાવી રહ્યા છે કે ૨૦૦૨માં અઢી ટકાથી ઓછી ગર્ભવતી સ્ત્રીઓ ગાંજો (કેનાબિસ)નું સેવન કરતી હતી તે પ્રમાણ હવે ૧૬ ટકા સુધી પહોંચ્યું છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં વોમિટ, ઉમસ અને ઊબકામાં ઔષધીય ગાંજો અસરકારક પુરવાર થાય છે તેવા અહેવાલોથી ગર્ભવતી મહિલાઓ કેનાબિસની મદદ લઈ રહી છે. ‘કેનામોમી’ નામની એક વેબસાઈટ પણ શરૂ થઈ છે તે ‘રાસાયણિક ગોળીઓના બદલે ગાંજા જેવી કુદરતી ઔષધી’ પસંદ કરવાના સ્ત્રીઓના અધિકારોની ઝુંબેશ ચલાવી રહી છે. તેની સાઈટ પરના એક વીડિયો પર બેનર મારેલું છે; ‘ગાંજો રાસાયણિક ગોળીઓ કરતાં વધુ સલામત છે.’

પણ વિજ્ઞાન કહે છે કે આ હકીકત સાચી નથી. ગાંજા વિરુદ્ધ કોઈ પુરાવા નથી તેથી ગાંજો સલામત છે એવું સાબિત થઈ જતું નથી તેમ બીજું સંશોધક ગ્રૂપ માને છે. તેઓ અમુક અભ્યાસોનો સહારો લઈને કહે છે કે બાળકોનાં માનસ અને મગજના વિકાસ પર ગાંજાથી લાંબા ગાળાની અવળી અસર પડે છે. માતા ગાંજો લે તો બાળકો હાઈપર એક્ટિવ, બેધ્યાન, અને પાગલ બની શકે છે. ઉપરાંત નશાકારક દવાના આદી બની શકે છે. હમણાં ‘નેચર ન્યુરોસાયન્સ’માં પ્રકાશિત થયેલા પેપરમાં, સંશોધક, ઈટલીની કેગલિયારી યુનિવર્સિટીના મિરિયમ મેલિસ દ્વારા આ મુદ્દા પર વિશદ્ છણાવટ કરવામાં આવી છે.

ગાંજામાં મહત્ત્વનું કાર્યકારક રસાયણ ‘ટેટ્રા-હાઈડ્રોકેનાબિનોલ (ટીએચસી) હોય છે. મગજના કોષોનું એક નેટવર્ક હોય છે તે ‘એન્ડોકેનાબિનોઈડ સિસ્ટમ’ તરીકે ઓળખાય છે અને તેના કોષો ટીએચસી જેવાં તત્ત્વો વડે એકમેક સાથે સંચારવ્યવસ્થા ચલાવે છે. સંદેશાની આપ-લે કરે છે. કેટલાક ન્યુરોસાયન્ટિસ્ટ માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન ગાંજો વાપરવાથી મગજનો વિકાસ થાય છે, કારણ કે એન્ડોકેનાબિનોઈડ સિસ્ટમ વધુ પ્રવૃત્ત થાય છે. મિરિયમ મેલિસે સગર્ભા ઉંદરડીઓને ટીએચસીના ખૂબ હળવા ડોઝ આપ્યા. ત્યારબાદ જન્મેલાં બચ્ચાંઓનાં વર્તનનું અને મગજના વિકાસના પ્રમાણનું નિરીક્ષણ કર્યું. બચ્ચાંના જન્મ પછી ત્રીજા અને ચોથા સપ્તાહમાં પ્રથમ ટેસ્ટ કર્યો. બીજો ટેસ્ટ બચ્ચાં મોટાં થયાં પછી કર્યો. એટલા મોટાં કે માણસોમાં કિશોરોની ઉંમર હોય એ ઉંમરમાં જ્યારે ઉંદરનાં બચ્ચાંઓ પ્રવેશ્યાં. કિશોર ઉંદરોને ટીએચસીનો બીજો ડોઝ અપાયો.

મિરિયમ મેલિસને જાણવા મળ્યું હતું કે ગાંજાનાં તત્ત્વોને કારણે કિશોર ઉંદરોમાં મોટિવેશન જગાડે તે મગજના ભાગનું નવેસરથી વાયરિંગ થયું હતું. મતલબ કે મોટિવેશન અથવા સક્રિયતા વધી હતી, પણ આ ફેરફાર માત્ર નર ઉંદરોમાં થયો હતો. ડોપામાઈન નામના મગજના બીજા પ્રોત્સાહક રસાયણ વડે મગજ ઉત્સાહિત થાય તેના કરતાં પણ વધુ પ્રમાણમાં ગાંજાથી થયું હતું. મગજના ઈલેક્ટ્રિક ધબકારા પણ ઊંચી માત્રામાં કાર્યરત થયા હતા. ડો.મિરિયમના કહેવા પ્રમાણે માણસોમાં ડોપામાઈનને કારણે હાઈપર એક્ટિવિટી વધે તે દર્શાવે છે કે વ્યક્તિ કોઈ માનસિક બીમારી અથવા ડિસઓર્ડર જેવા કે સ્ક્રીઝોફેનિયા, મેનિયા અથવા ડ્રગ એડિક્શનનો ભોગ બની શકે છે. ગાંજા વડે હાઈપર એક્ટિવિટી વધે તો પણ આવું જ થાય. મગજમાં બિનજરૂરી માહિતીઓ સંઘરાઈ ન રહે અને ડાટા ખીચોખીચ ભરાઈ ન જાય તે માટે મગજની ‘સેન્સરીમોટોર ગેટિંગ’ નામની વ્યવસ્થા કામ કરતી હોય છે. ગાંજાના પ્રભાવને કારણે આ વ્યવસ્થા ઉંદરોમાં કમજોર બની હતી.

માણસોની આ વ્યવસ્થા ખોરવાઈ જાય તો એ જૂની ફાલતુ વાતોને વાગોળ્યા કરે. જોખમો લેવા તૈયાર થઈ જાય. બિનજરૂરી હસ્યા કરે, શરમ જતી રહે. કપડાં પણ કાઢી નાંખે. ગાંજો પીને ઘણા લોકોને આવું કરતા જોયા છે. ધારો કે, ડોક્ટર મિરિયમનાં આ સંશોધનો પણ બાયસ્ડ હોય તો, આમ તો સાચાં જ જણાય છે, તો પણ એટલું યાદ રાખવું કે ગાંજાના વધુ સેવનથી અનેક ગાંડા થઈ ગયા અને બાવા થઈ ગયાનાં ઉદાહરણો છે. તો પછી ગાંજો બાળકોનાં વિકસતા મગજ માટે ફાયદાકારક કેવી રીતે હોઈ શકે? શક્ય છે કે વયસ્કોને માનસિક બીમારીમાં એ રાહત રૂપ બનતો હોય. આ દિશામાં હજી વધુ સચોટ અને સાચાં સંશોધનની જરૂર છે.

સાયન્સ મોનિટર : વિનોદ પંડયા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન