એક જ દિવસમાં અલીબાબા કંપનીએ કર્યો ૧૮ અબજ ડોલરનો વકરો... - Sandesh
  • Home
  • Business
  • એક જ દિવસમાં અલીબાબા કંપનીએ કર્યો ૧૮ અબજ ડોલરનો વકરો…

એક જ દિવસમાં અલીબાબા કંપનીએ કર્યો ૧૮ અબજ ડોલરનો વકરો…

 | 12:14 am IST

ચીનની ઈ-કોમર્સ જાયન્ટ કંપની અલીબાબા તેના દ્વારા આયોજિત એક દિવસીય શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન થયેલી આવકે જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં ૧૮ અબજ ડોલરના વકરા સાથે વિશ્વની આ સૌથી મોટી શોપિંગ ઇવેન્ટ બની રહી છે. સિંગલ્સ ડે તરીકે મનાવવામાં આવતા શોપિંગ ફેસ્ટિવલે અમેરિકામાં બ્લેક ફ્રાઇડે અને સાયબર મંડે વખતે થતા વકરાના રેકોર્ડને પણ તોડી નાખ્યા છે. આ ઇવેન્ટ ચીની ગ્રહકોના મિજાજની પારાશીશી માનવામાં આવે છે. શાંઘાઈ ખાતે શુક્રવારે સેલિબ્રિટિઝની હાજરીમાં ફેસ્ટિવલનો આરંભ થયો હતો અને ૨૪ કલાક સુધી ઇવેન્ટ ચાલી હતી. પ્રત્યેક વર્ષે ૧૧ નવેમ્બરે આ ઇવેન્ટનું આયોજન થાય છે. એક જ કલાકમાં વકરો ૧૦ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. શનિવારે મધરાતે ફેસ્ટિવલનો અંત આવ્યો હતો.

ગયા વર્ષે કંપનીને ૧૭.૭ અબજ ડોલરનો વકરો થયો હતો. જ્યારે આ વખતે તો ફેસ્ટિવલ અધવચ્ચે પહોંચતાં જ વકરો ગયા વર્ષના સરવાળાને આંબી ગયો હતો. શોપિંગ ફેસ્ટિવલમાં થયેલી ઓનલાઈન ખરીદીને પગલે આવનારા છ દિવસ સુધી પાર્સલ અને ડિલિવરીની દોડ ચાલતી રહેશે. દોઢ અબજ પાર્સલ ગ્રાહકો સુધી પહોંચતાં રહેશે. અલીબાબાના સહસ્થાપક જોસેફ ત્સાઈએ જણાવ્યું હતું કે ચીન માટે આ મોટી શોપિંગ ઈવેન્ટ હતી. એક દિવસ માટે શોપિંગ તે મનોરંજન અને સ્પોર્ટિંગ માટેનું સાધન બની ગયું હતું.