બધાં કારણો ભેગા થતાં શેરમાર્કેટ ધડામ કરીને ગગડયું - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • બધાં કારણો ભેગા થતાં શેરમાર્કેટ ધડામ કરીને ગગડયું

બધાં કારણો ભેગા થતાં શેરમાર્કેટ ધડામ કરીને ગગડયું

 | 1:10 am IST

મીડ કેપ વ્યૂઃ નયન પટેલ

બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફરીથી લાગુ કરાયો અને સિકયુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ યથાવત રહ્યો માર્કેટના ઘટાડાના અનેક કારણોમાંનું આ એક કારણ બની ગયું. આ સિવાય વૈશ્વિક બજારો પણ એક વર્ષની તેજી બાદ ટોપ આઉટ થતા જોવાયા, ક્રૂડ ઓઈલના ભાવો સતત ઉપર જઈ રહ્યા છે અને સાથે યુએસની ભારતમાં પણ બોન્ડ યીલ્ડ ૨૨ મહિનાની ટોચે પહોંચી ગયા છે મતલબ કે હવે રેટકટની સંભાવના તો રહી નથી અને રેટ હાઈકની સંભાવના વધી ગઈ છે અને આ જ સપ્તાહે આરબીઆઈની પોલીસી પણ આવી રહી છે. આ બધા નેગેટીવ કારણો એવા સમયે ભેગા થયા કે જયારે સેન્સેક્સ, નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપ વેલ્યૂએશન કરતા વધારે તેજી માત્ર લિક્વિડિટીના લીધે જ દર્શાવી ગયા હતા. અમારા મતે ૨૦૧૮ના વર્ષમાં માત્ર અને માત્ર સ્ટોક હંટિંગ કરી શકનાર જ કમાણી કરી શકશે બાકી ૨૦૧૭ની જેમ સહેલાઈથી રિટર્ન મળવાની સંભાવના નથી.

એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ ન્ફ્ટિીમાં હવે ૧૦,૬૬૦ અને ૧૦,૮૯૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦ થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.૩૧ જાન્યુઆરીના ચંદ્ર ગ્રહણ ના લીધે હજુ ૧૯ ફેબ્રુઆરી સુધી માર્કેટમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી શકે છે.

ડાર્ક હોર્સ

એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સ (૫૩૨૪૯૩ અને એનએસઈ) (૧૦૮) (ફેસ વેલ્યૂ રૂ.૨)

૧૯૯૧માં સ્થપાયેલી હૈદરાબાદ બાદ સ્થિત આ કંપની ડિફેન્સ, સ્પેસ, હવામાનશાસ્ત્ર અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં વપરાતી રેડિયો ફ્રિકવન્સી અને માઈક્રોવેવ સિસ્ટમ્સ માટે સબ સિસ્ટમ ડેવલોપ કરે છે. કંપનીની મોટી આવક ડિફેન્સ સેક્ટરમાંથી આવે છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ.૧૭.૩૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૪૩૫.૮૬ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડો ૨૮.૦૯ ટકા, એફપીઈ ૨.૩૫ ટકા, મોતીલાલ ઓસવાલ ફોકસ્ડ ગ્રોથ ઓપર્ચ્યુનિટી ફંડ ૧.૮૫ ટકા, ટાટા ઇન્વેસ્ટમેન્ટ ૧.૬૨ હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ટેક્સ પહેલાનો નફો ૧૪૩ ટકા અને ચોખ્ખો નફો ૯૨.૫૨ ટકા વધીને રૂ. ૧૬.૪૮ કરોડ થયો છે જયારે નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં કંપનીનો ટેક્સ પહેલાનો નફો ૫૦.૧૪ ટકા અને ચોખ્ખો નફો ૪૫.૨૬ ટકા વધીને રૂ.૩૦.૯૭ કરોડ થયો છે. વર્તમાન ભાવે સ્ટોક માત્ર ૧૫ના નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭ના અંતે કંપનીના હાથ ઉપર રૂ.૫૩૩ કરોડના ઓર્ડર્સ હતા જેમાં રૂ. ૨૧૪ કરોડના ઓર્ડર તો નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં હાંસલ થયા છે. મે ૨૦૧૪ બાદ આ કાઉન્ટરે રૂ. ૧૦૦ આસપાસ ૬ વાર સપોર્ટ લીધો છે અને સ્ટોક ફરીથી આ લેવલની આસપાસ આવ્યો છે જે રોકાણની આકર્ષક તક પૂરી પાડે છે. તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૧૦૦ના સ્ટોપલોસ સાથે મધ્યમગાળાના રોકાણ માટે ધ્યાન રાખી શકાય.

સ્ટોક વોચ

એએસએમ ટેકનોલોજીસ (૫૨૬૪૩૩) (૧૭૩.૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

૧૯૯૨માં સ્થપાયેલી એએસએમ ટેકનોલોજીસ બિઝનેસ સિસ્ટમ્સ, એન્જિનિયરિંગ સર્વિસીસ, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ અને ટેકનોલોજી સોલ્યુશન જેવા સેગમેન્ટમાં વર્લ્ડ ક્લાસ કન્સલ્ટિંગ સર્વિસીસ પૂરી પાડે છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ. ૫ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૪૨.૬૩ કરોડનું જંગી રિઝર્વ છે. જાન્યુઆરી મહિનામાં જ જણીતી સી એ ફર્મ હરિભક્તિ એન્ડ કંપનીના શૈલેશ વી હરિભક્તિએ ૭૧,૫૦૦ શેર્સ રૂ. ૧૪૩.૯૫માં ખરીધ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ૫૫.૩૩ ટકા વધીને રૂ. ૧.૬૦ કરોડ થયો હતો જયારે નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા હાફમાં કંપનીએ રૂ. ૨.૮૭ કરોડનો નફો હાંસલ કરીને રૂ. ૫.૭૫ની ઇપીએસ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માટે ૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવનારી આ કંપનીએ ૨૫ ટકાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી પણ દીધું છે. શુક્રવારે માર્કેટના જોરદાર ઘટાડામાં પણ આ સ્ટોક પોઝિટિવ બંધ રહ્યો હતો ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૧૫૨ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં ટૂંકાથી મધ્યમગાળાનું ધ્યાન રાખી શકાય.

માર્કેટમાંથી સાંભર્ળ્યું છે.

આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્મા (૫૨૪૧૬૪ અને એનએસઈ) (૭૪) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

વૈશ્વિક બ્રુફેનના ઉત્પાદનમાં ૧૭ ટકાનો માર્કેટ હિસ્સો ધરાવતી આ કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો ૩૬૬ ટકા અને પહેલા હાફનો નફો ૩૪૬ ટકા વધ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પહેલા પરિણામો બમ્પર રહેવાની સંભાવનાએ નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મુંબઈના પન્ટરો સ્ટોકમાં ખરીદી કરી રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૬૫ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં ધ્યાન રાખી શકાય.