બધા વર્ગોના વિકાસની હાકલ સાથે યોગીએ યુપીની સત્તા સંભાળી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બધા વર્ગોના વિકાસની હાકલ સાથે યોગીએ યુપીની સત્તા સંભાળી

બધા વર્ગોના વિકાસની હાકલ સાથે યોગીએ યુપીની સત્તા સંભાળી

 | 7:29 am IST

લખનઉ, તા. ૧૯

ઉત્તર પ્રદેશના ૨૧મા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપઅધ્યક્ષ અમિત શાહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ, નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ રામ નાઈકે તેમને તથા તેમના તમામ મંત્રીઓને પદની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમારંભમાં સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. બસપા અને કોંગ્રેસના કોઈ મોટા નેતા દેખાયા નહોતા. ભાજપના વેંકૈયા નાયડુ, લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

આદિત્યનાથની ટીમમાં ૨૨ કેબિનેટ ઉપરાંત અન્ય ૨૨ એમ કુલ ૪૪ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૨ મંત્રીઓમાં ૯ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ જ્યારે ૧૩ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ ઉપમુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ આદિત્યનાથની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરીને યુપીને ઉત્તમ પ્રદેશ બનાવાની ભાવના વ્યક્ત કરી હતી.

બસપા છોડીને આવેલા સ્વામીપ્રસાદ મૌર્ય, દારાસિંહ ચૌહાણ, બ્રજેશ પાઠક અને લક્ષ્મીનારાયણ ચૌહાણ તથા કોંગ્રેસ છોડીને આવેલા રીટા બહુગુણા જોશી તથા નંદગોપાલ નંદી અને સપા છોડીને આવેલા એસપી સિંહ બઘેલ ફાવી ગયા હતા. આ તમામ નેતાઓને યોગી આદિત્યનાથનાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

૧ યાદવ, ૧ મુસ્લિમ અને ૧ શીખ નેતા

યોગી કેબિનેટમાં જૌનપુર સદરથી કોંગ્રેસના નદીમ જાવેદને પરાજય આપીને જીતનારા ગિરીશચંદ્ર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. તે સમગ્ર મંત્રીમંડળમાં એક માત્ર યાદવ ચહેરો છે. તેવી જ રીતે શીખ સમુદાયથી આવતા અને રામપુરની બિલાસપુર બેઠકેથી વિજયી બનેલા બલદેવસિંહ ઓલખને પણ રાજ્યમંત્રી બનાવાયા છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર તથા યુપીમાં ભાજપના પોસ્ટરબોય બનેલા મોહસિન રઝાને પણ યોગી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પાંચ મહિલાઓને પણ સ્થાન

યુપીની કેબિનેટમાં પાંચ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં રીટા બહુગુણા જોશીને કેબિનેટમંત્રી બનાવવામાં આવ્યાં છે, તે ઉપરાંત સ્વાતિ સિંહ અને અનુપમા જયસ્વાલને સ્વતંત્ર રાજ્યમંત્રી બનાવાયાં છે. અર્ચના પાંડેય અને ગુલાબદેવીને પણ રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

વિકાસ એકમાત્ર મિશન : મોદી

વિકાસ અમારું એકમાત્ર મિશન અને ઉદ્દેશ છે, જ્યારે યુપીનો વિકાસ થશે ત્યારે ભારતનો વિકાસ થશે. અમે યુપીના યુવાનોની સેવા કરવા માગીએ છીએ અને તેમના માટે વિવિધ અવસરોનું સર્જન કરવા માગીએ છીએ.

યુપી અગ્રણી બનશે : શાહ

યુપીના નવનિયુક્ત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા તથા સમગ્ર મંત્રીમંડળને શુભેચ્છાઓ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, મોદીજીનાં નેતૃત્વમાં યુપીની નવી ભાજપ સરકાર વિકાસથી વંચિત રહેલા ઉત્તર પ્રદેશને દેશનું સૌથી અગ્રણી રાજ્ય બનાવશે.