All India ready to welcome Raphael
  • Home
  • Vishesh
  • રાફેલને આવકારવા આખું ભારત તૈયાર, પહેલી ખેપ બુધવારે ભારતનાં અંબાલા એરબેઝ પર ઉતરી રહી છે

રાફેલને આવકારવા આખું ભારત તૈયાર, પહેલી ખેપ બુધવારે ભારતનાં અંબાલા એરબેઝ પર ઉતરી રહી છે

 | 10:51 pm IST

એક તોફાન ભારત આવી રહ્યું છે. એવું તોફાન જેને આવકારવા ભારત ઉત્સાહિત છે. એક એવું તોફાન જે શાંતિ લાવવાનું છે. એક એવું તોફાન જેને જોઇને દુશ્મનો સમસમી જવાના છે. એક એવું તોફાન જે આવવાનું છે આકાશમાંથી. આ તોફાન એટલે રાફેલ.

ભારતનાં સંરક્ષણ માટે ગેમ ચેન્જર સાબિત થનારા રાફેલ વિમાનની પહેલી ખેપ બુધવારે ભારતનાં અંબાલા એરબેઝ પર ઉતરી રહી છે. ત્યારે આ તોફાનનું સ્વાગત કરવા ભારતીય વાયુસેનાનાં જાંબાઝો દીલ ખોલીને તૈયાર બેઠા છે. અને રાફેલને આવકારવા આખું ભારત તૈયાર છે. 

રાફેલ તોફાની અને ખૂંખાર છે એ વાત સાચી છે. પણ દુશ્મનો પર તૂટી પડવા માટે રાફેલની તાકાતની સાથે સાથે તેને ઉડાવનારની ક્ષમતા પણ એટલી જ જરૂરી છે. એટલે જ ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થઇ રહેલાં રાફેલ વિમાનની એરફોર્સની 17મી સક્વોડ્રનને કમાન સોંપાઇ રહી છે.

ભારત પાસે તો અનેક ફાઇટર જેટ્સ છે. તો પછી રાફેલને લઇને આટલો ઉત્સાહ અને આટલો ગોકીરો કેમ. કેમ કે, રાફેલ ભારતીય વાયુસેનાની જરૂરિયાત છે. રાફેલ ભારતીય વાયુસેનાની આધુનિક તાકાત છે. કેમ કે, દુશ્મનો માટે રાફેલ માત્ર નામ જ કાફી છે.

વાયુસેનામાં સામેલ મિગ અને જગુઆર વિમાનોની ખરાબ હાલત અને ફાઇટર જેટ્સની કમીને જોતાં ભારતે ફાઇટર જેટ્સ ખરીદવાની કવાયત આમ તો છેક, 2007માં શરૂ કરી હતી. જે અટકતી અટકતી તોફાનનાં અનેક વમળો સર્જતી 2020 સુધી આવી. અને આખરે હવે સફળતા મળી.

રાફેલનો અર્થ થાય છે તોફાન. તે ભારતીય વાયુસેનામાં સામેલ થઇને દુશ્મનો માટે તોફાન સર્જવાનું છે. પણ જ્યારથી રાફેલની ડીલ થઇ છે ત્યારથી ભારતીય રાજકારણમાં પણ તોફાન સર્જાઇ ગયું છે. રાફેલને લઇને વાકપ્રહારો ચરમસીમાએ પહોંચ્યા. એટલું જ નહીં, 2019ની લોકસભાની ચૂંટણીનો મુદ્દો પણ બન્યું રાફેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન