All production activities will be possible in the east-west areas of Ahmedabad
  • Home
  • Ahmedabad
  • …આખરે AMCની સૌથી મોટી જાહેરાત, અમદાવાદના પૂર્વ-પશ્ચિમના વિસ્તારોને મળી ગઈ આ પ્રવૃતિઓની મંજૂરી

…આખરે AMCની સૌથી મોટી જાહેરાત, અમદાવાદના પૂર્વ-પશ્ચિમના વિસ્તારોને મળી ગઈ આ પ્રવૃતિઓની મંજૂરી

 | 8:19 am IST

અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બાકીના તમામ વિસ્તારોમાં એટલે કે શહેરનાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓ થઈ શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની છૂટ અપાઈ છે. જો કે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવી પ્રવૃત્તિ થઈ શકશે નહીં. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંઓની સમીક્ષા માટે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે ૮મી રિવ્યૂ બેઠક યોજાઈ હતી.

જેમાં આ નિર્ણય લેવાયો છે. અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ આ અંગે જણાવ્યું કે ઉત્પાદન માટે જે છૂટ અપાઈ છે તે ઉદ્યોગ વિભાગના વખતોવખતના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને સૂચનાઓને આધીન રહેશે. ઉપરાંત આ બેઠકમાં અન્ય અનેક મુદ્દાઓની ઝીણવટથી છણાવટ થઈ હતી. શહેરમાં રહેતા ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ખાસ સર્વેલન્સની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ તથા અન્ય હઠીલા અને જટિલ રોગોથી પીડાતા દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તથા કોરોના સંક્રમણથી તેઓને બચાવી શકાય.

અમદાવાદમાં સર્વેલન્સ ઝુંબેશ કરીને ૧.૨૫ લાખ જેટલા રહેણાકના મકાનોનો સર્વે કરીને ૫.૬૧ લાખ જેટલા નાગરિકોને આયુષ દ્વારા અપાયેલી શમશમનીવટી તથા હોમિયોપથિક આરસેનિક આલ્બમ ૩૦ની દવાઓ આપીને તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા પ્રયત્નો શરૂ થયા છે. જ્યારે મધ્ય,ઉત્તર-પશ્ચિમ,ઉત્તર,દક્ષિણ-પશ્ચિમ,દક્ષિણ તથા પશ્ચિમના ૪૮ વાર્ડનાં ૫,૬૧,૧૮૯ કોવિડ કેર કિટનું વિતરણ કરાયું છે. જેમાં પ્રત્યે કિટમાં ૪ સાબુ,ધોઈને વાપરી શકાય તેવા ૪ માસ્ક તથા આયુર્વેદિક અને હોમિયોપથિક દવાઓ અપાઈ રહી છે.

ઉપરાંત, ૨૦૦ સ્થળોએ ૫૦ ધનવન્તરિ અને સંજીવની આરોગ્ય રથ દવાર પ્રત્યેક સ્થળે ૨ કલાક રોકાઈને આયુર્વેદિક-હોમિયોપથિક-એલોપથિક પદ્ધતિથી સારવાર અપાઈ રહી છે. આ રથમાં ડોક્ટરો,લેબ ટેક્નિશિયન તથા પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે.રોજ એક રથ દ્વારા ૧૨૦ દર્દીઓને સેવા અપાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન