બંધારણ વિશેની આ બધી વાતો તમે જાણો છો ? - Sandesh

બંધારણ વિશેની આ બધી વાતો તમે જાણો છો ?

 | 12:19 am IST
  • Share

વિશ્વવ્યાપી :- નમન મુનશી

ભારત દેશ એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક ગણરાજ્ય છે અને સંવિધાનના મુજબની સરકાર આ ગણરાજ્યની પ્રતિનિધિ છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે લગભગ બે સદીના બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી, ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ પોતાનું આગવું બંધારણ તૈયાર કરી લીધું. તેને અપનાવી, એક સાર્વભૌમ, લોકશાહી, ગણતંત્રની ઘોષણા, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી.

લોકશાહીને વ્યાખ્યાયિત  કરતા મહત્ત્વના શબ્દો છે, “લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન”, પ્રજાની સત્તા કે ચલણવાળું; પ્રજાના વહીવટવાળું.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. વિભિન્ન સંપ્રદાયના લોકો એકસાથે રહે છે, જેમની જ્ઞાતિ, ધર્મ, રીતિ-રિવાજ અને જીવન જીવવાની રીત અલગ-અલગ છે. આપણું બંધારણ આપણને તમામ પ્રકારના મૌલિક અધિકાર મેળવવા, નૈતિકતા જાળવવા અને મૂળભૂત કર્તવ્યોનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. દેશની કાનૂન વ્યવસ્થા અને દેશની અખંડિતતા તથા એકતાને જાળવી રાખી શકાય, તેને કોઈ નુકસાન ન પહોંચે તે માટે લેખિત સંવિધાનની રચના કરવામાં આવી હતી.

ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. જો લિખિત બંધારણ ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશમાં વહીવટી અરાજકતા ફેલાવી શકત. બંધારણ આપણી ન્યાયપ્રણાલીને જાળવે છે તેમજ લોકોને એક સીમામાં રહીને એકત્ત્વના ભાવથી કામ કરવા માટે પ્રેરિત કરે છે, રાજ્યની જવાબદારી તથા નાગરિકોની ફ્રજનો સ્પષ્ટ ઉચ્ચાર કરે છે.

ભારતના સંવિધાનને વિશિષ્ટ રીતે રચવામાં આવ્યું છે. જેમાં ભારતના તમામ સાંપ્રદાયિક પાસાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા બંધારણમાં વિશ્વના અલગ-અલગ દેશોમાંથી કેટલાંક સારાં સારાં પાસાઓને સમાવીને અમલી કર્યા છે. માટે જ આપણા સંવિધાનમાં આપણને વિવિધ દેશોની સંસ્કૃતિના દર્શન થાય છે.

ઘડવૈયાઓએ વિવિધ દેશોની જુદી જુદી પ્રણાલીઓનો અભ્યાસ કરી દેશને માટે સર્વશ્રેષ્ઠ બંધારણ ઘડવાનું પ્રસંશનીય કામ કર્યું છે. બ્રિટન પાસેથી સંસદીય પ્રણાલી, સંસદીય વિશેષાધિકાર, સંસદ તથા વિધાનસભા અને વિધાનપરિસદની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. અમેરિકા જેવા સૌથી જૂના લોકશાહી દેશ પાસેથી મૌલિક – મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ અદાલતની સ્થાપના તેની સત્તાઓ, ઉપરાષ્ટ્રપતિ પદની ખૂબી ગ્રહણ કરી છે.

કેનેડા પાસેથી રાજ્યવ્યવસ્થા તો જર્મની પાસેથી કટોકટી સંબંધી જોગવાઈ, આયર્લેન્ડ જેવા નાના દેશ પાસેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સોવિયેત સંઘ રશિયા પાસે નાગરિકોની મૂળભૂત ફ્રજો, ઓસ્ટ્રેલિયા પાસેથી સંયુક્ત યાદી, કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે અધિકારોનો વિભાગ અપનાવાયો છે. ફ્રાન્સ પ્રજાસત્તાકમાં અવ્વલ હતું. જાપાન કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં ઉત્તમ દેશ હતો. એમનો પણ અભ્યાસ કરી અપનાવવા યોગ્ય બાબતો બંધારણમાં સમાવી લેવાઈ છે.

દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.

આપણે બધા જાણીએ જ છીએ કે બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬નાં રોજ મળી હતી. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડો.સચ્ચિદાનંદ સિંહા બન્યા.

બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડો. બી.આર.આંબેડકર હતા. જયારે બંધારણ સભાના પ્રમુખ ડો.રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯નાં રોજ પૂર્ણ થયું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા. બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.

ભારતના બંધારણમાં નાગરિકોના હક્કો ઉપરાંત નાગરિકોની ચોક્કસ ફરજો પણ છે. જેમ કે, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, સંવિધાનને વફદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની.

ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. આવી મૂળભૂત ફ્રજોની પણ વિસ્તૃત યાદી બંધારણમાં આપવામાં આવી છે.

પરંતુ ઘણા લોકો કંઈ ખબર જ ન હોય તેમ વર્તે છે. ગણતંત્ર-જનતંત્રમાં દેશને કંઈક આપવાવાળા કરતા દેશ પાસેથી લેવાવાળા જ વધુ હોય તો દેશ કેવી રીતે ચાલે? આજે એમ લાગે કે આપણે બધા દેશના રહેવાસી જેવા છીએ, નાગરિક નહિ. ફ્રિયાદ અને માંગણી આપણો રાષ્ટ્રીય ધર્મ બની ગયો છે. નિંદામાં આપણને આનંદ આવે છે. નાગરિક તરીકેના હક્ક મેળવવા માટે ફ્રિયાદ, નિંદા અને દ્વેષથી સત્તા સામે લડાઈ લડતા દેશવાસીઓ પોતાના કર્તવ્ય પ્રત્યે સભાન નથી.

પરિવારની કોઈ વ્યક્તિ નકામી, નાલાયક હોય તો એ કોઈને ગમતી નથી. કારણ – અકારણ તે સતત નિંદા, ફ્રિયાદ, માંગણી કે દ્વેષ દ્વારા આખા પરિવારને પરેશાન કરી મૂકે છે. શું આપણે દેશ માટે આવી વ્યક્તિ તો બનતા નથી ને? વિચારવા જેવું તો છે જ.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો