સૌનો સાથ લઈ માનીતાનો વિકાસ થાય છે, કોંગ્રેસનો ગૃહમાં આરોપ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સૌનો સાથ લઈ માનીતાનો વિકાસ થાય છે, કોંગ્રેસનો ગૃહમાં આરોપ

સૌનો સાથ લઈ માનીતાનો વિકાસ થાય છે, કોંગ્રેસનો ગૃહમાં આરોપ

 | 1:36 am IST

ગાંધીનગર, તા.૮

ગુજરાતની ભાજપ સરકાર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રના નામે ‘સૌનો સાથ લઈ માનીતાઓનો વિકાસ’ કરતી હોવાનો આક્ષેપ કરતાં વિધાનગૃહમાં ગુરુવારે કોંગ્રેસના દંડક અમીત ચાવડાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ સમાન કામ- સમાન વેતનની નીતિ અપનાવી સરકારમાં સંપૂર્ણપણે ફિક્સ પગાર પ્રથા હટાવવાની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે, અદાણી- અંબાણીને ઓછો લાભ આપશો તો ચાલશે, ઉત્સવો-મેળા નહીં કરો તો ચાલશે, પણ આ શોષણ બંધ કરો.

ગૃહમાં બજેટ ચર્ચાના છેલ્લા દિવસે કોંગ્રેસ તરફથી સુકાન સંભાળતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જુદા જુદા કરવેરાની ૩૨ હજાર કરોડની જંગી લેણી વસૂલવાની બાકી છે. નાના વેપારીઓ-ખેડૂતો પાસેથી દંડા મારીને વીજજોડાણો કાપીને વસૂલાત થાય છે ત્યારે આ જો ઉઘરાણી રાજ્યની તિજોરીમાં આવે તો સરકારને વધારે દેવું કરવા નવી લોનો ના લેવી પડે, બેઘર અને કાચા મકાનોમાં રહેતાં લોકો માટે નવા આવાસો તૈયાર થઈ શકે.

બજેટમાં એસ.સી.- એસ.ટી. ની વસતીના ધોરણે નાણાં ફાળવણી નથી થતી તે જ રીતે બક્ષીપંચની ૧૪૭ જાતિઓની પ૨ ટકા વસતિ હોવા છતાં એક ટકો પણ રકમ ફાળવાતી નથી, એવો રોષ ઠાલવતા કોંગી દંડકે ટીકા કરી હતી કે, સરકારનો વિકાસલક્ષી ખર્ચ ૨૦૧૪-૧૫માં ૭૦.૩૯ ટકાથી ઘટતો ઘટતો અત્યારે ૬૧.૪૪ ટકાએ તથા બિનવિકાસલક્ષી ખર્ચ ૨૯.૬૧ ટકાથી વધતો વધતો ૩૮.૫૬ ટકાએ પહોંચી ગયો છે.

એમણે સામાજિક સેવાઓ પાછળ બજેટની કુલ રકમમાંથી જે ૪૧.૩ ટકા ખર્ચ થાય છે તે વધારવા તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી એકમો પાસેથી રૂ.૫૦ કરોડના ટેક્સના લેણાં કઢાવવા રજૂઆતો કરી હતી.

ગાયના નામે મત, પણ દરકાર લેવાતી નથી

બજેટ ચર્ચામાં ભાગ લેતા માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ તીવ્ર આલોચના કરતાં જણાવ્યું હતું કે, ગાયના નામે મત લેનારી આ સરકાર, ગાયો મત નહીં આપી શકતી હોવાથી તેમને માટે કોઈ વ્યવસ્થા ઊભી કરતી નથી, પરિણામે ટ્રાફિકમાં અડચણ ઊભી કરતી રખડતી ગાયો પ્લાસ્ટિક ખાય છે અને લોકોની લાકડીઓના મારથી હડધૂત થાય છે, ત્યારે સંસ્કૃતિ બચાવવાનો ઠેકો લેનારી આ સરકાર ગાયો માટે તાલુકેતાલુકે ગૌશાળાઓની વ્યવસ્થા કરે તેમ પ્રજા ઇચ્છે છે. એમણે પૂરતી અને અનિયમિત એસ.ટી. સેવાની તથા લોકોને પીવાના પાણીની પડતી તંગીની ટીકા પણ કરી હતી.

કરોડો પ્રજાલક્ષી કાર્યોમાં ખર્ચાય છે : ડે.સી.એમ.

ગુજરાત સરકારના ૨૦૧૮-૧૯ના બજેટને પ્રજાલક્ષી તથા સર્વાંગી વિકાસલક્ષી ગણાવતા નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચાર દિવસની બજેટ ચર્ચાનો કોંગ્રેસને રાજકીય ભાષામાં જવાબ આપતાં ગુરુવારે ગૃહમાં જણાવ્યું હતું કે, તમે કહો છો ને વર્ષોવર્ષ બજેટના કરોડો રૂપિયા જાય છે ક્યાં, તો સાંભળી લો, આ રૂપિયા ખેડૂતો, ગરીબો, વંચિતો, દલિતો, આદિવાસીઓ, વિધવા-નિરાધાર બહેનોનો ઉદ્ધાર કરવા પાછળ અને પીવાનું પાણી, રસ્તા, વીજળી જેવી આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા પાછળ વપરાય છે.

વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે તો રાજ્ય સરકારનું ૩ વર્ષનું બજેટ પણ પૂરું ના થાય તે કરતાં વધુ વચનો કોંગ્રેસે આપેલા, છતાં અનેક જુઠ્ઠાણાં- લાલચોમાં ફ્સાયા વિના પ્રજાએ ૨૨ વર્ષથી શાસન કરતા ભાજપને ફરી ૫ વર્ષ માટે સમર્થન એટલા માટે આપ્યું છે કે અમારી ભાજપ સરકાર જે બોલે છે તે કરે છે, વચનો આપીને ભાગી જનારા અમે નથી, જેટલા ખાતમુહૂર્તો અમે કર્યા છે તેના ૯૫ ટકા કામો અમે પૂરાં કર્યાં છે, એવાં રાજકીય જવાબો આપી નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગોને વખોડવાની કોંગ્રેસની નીતિની સખત આલોચના કરતાં જણાવ્યું હતું કે, ૧૯૯૦-૯૧માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ચીમનભાઈ પટેલની સરકારે ૨૫ હજાર કરોડના વેરાની સબસિડી આપી ત્યારે આના ફળ શું મળશે તે જાણીને અમે વિરોધ નહોતો કર્યો, આજે આ ઉદ્યોગગૃહ પાસેથી દેશને અને રાજ્યને દર વર્ષે કરોડો ને અબજો રૂપિયાના ટેક્સની આવક થાય છે, એવી જ રીતે અમે દીર્ઘદૃષ્ટિ રાખીને મોરબી-હિંમતનગરમાં સિરામિક એકમોને પાઈપલાઇનથી ગેસ આપ્યો છે, જે ક્ષેત્ર વિશ્વભરમાં તેના ઉત્પાદન માટે જાણીતું બન્યું છે.

નર્મદાની નહેરો નહોતી બની ત્યારે રાજ્યમાં મોટા ભાગની જમીન સૂક્કીભઠ્ઠ, પડતર અને બિનકિંમત હતી, ભાજપ શાસનમાં પાણી મળવાથી ખેડૂતોના અનેક ગણા વધુ ઉત્પાદનથી માર્કેટયાર્ડ્સને અમુક દિવસોએ માલ નહીં લેવાના પાટિયા મારવા પડે છે અને જમીનની કિંમતો વધતા ખેડૂતો માલામાલ થઈ ગયા છે એમ ઉલ્લેખી એમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી સમયે પાટીદારોની વસતીમાં પાટીદારોને અને ઓબીસીની વસતીમાં ઓબીસીને ઉશ્કેરી ભાગલા પડાવતી હતી, પણ અમે બિનઅનામત વર્ગોને સહાય આપવા રૂ. ૫૦૬ કરોડ અલાયદા બનાવેલાં નિગમને ફાળવી બધાને સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે.

;