All you Need to Know about Oil Massage for Hair Fashion and Beauty
  • Home
  • Fashion & Beauty
  • વાળને ખરતાં અટકાવશે સરસિયાનું તેલ તમે પણ અજમાવી જુઓ

વાળને ખરતાં અટકાવશે સરસિયાનું તેલ તમે પણ અજમાવી જુઓ

 | 9:00 am IST

સરસવનું તેલ કે જેને આપણે સરસિયાના તેલ તરીકે પણ ઓળખીએ છીએ તે મુખ્યત્વે રાઈમાંથી બનાવવામાં આવે છે. સરસવના તેલથી આપણે મોટેભાગે દૂર રહેવાનું પસંદ કરીએ છીએ, કેમ કે તેની સુગંધ એટલી સ્ટ્રોંગ હોય છે કે આપણને તેના પ્રત્યે એક અણગમો ઉત્પન્ન થાય છે.

જોકે આવું માત્ર ગુજરાતના રહેવાસીઓને જ થાય છે. પંજાબ, દિલ્હી એ તરફ તો મોટેભાગે આ તેલનો જ ઉપયોગ થતો હોય છે. જોકે આ તેલ વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરસવના તેલના ઉપયોગથી વાળ ખરતાં અટકે છે તેમજ તેના ગ્રોથ ઉપર પણ સારો પ્રભાવ પડે છે. તો ચાલો જાણી લઇએ કે આ તેલનો કઈ રીતે ઉપયોગ કરવો અને તે કયાં કારણસર વાળને ખરતાં અટકાવે છે.

સરસિયામાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણ ભરપૂર સમાયેલા હોય છે. આ કારણે વાળ ખરવાનું ઓછું થાય છે અને ગ્રોથ પણ ધીમેધીમે વધવાની શરૂઆત થાય છે. જોકે સીધી વાત છે કે વાળ ખરતાં અટકશે એટલે ગ્રોથ આપોઆપ દેખાવા લાગશે. જે લોકોને ખોડાની સમસ્યા છે તેમને માટે પણ સરસવનું તેલ અકસીર છે. તેની અંદર રહેલા એન્ટિ ફંગલ ગુણ ખોડાની સમસ્યામાંથી છુટકારો અપાવવાનું કાર્ય કરે છે.

ખોડો થાય ત્યારે જે ફોતરી ઉખડતી હોય છે તેને સરસવનું તેલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. વળી આ તેલમાં રહેલાં ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ વાળને પોષણ આપવાનું કાર્ય કરે છે અને ખૂબ તડકાના કારણે થતાં સ્કેલ્પના ડેમેજને પણ અટકાવે છે. આ તેલથી વાળનું ટેક્સ્ચર સારું થાય છે અને તે વાળને ચમકીલા તેમજ સુંવાળા પણ બનાવે છે. આમ, સાદા તેલની સરખામણીમાં સરસવનું તેલ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ તેલનો ઉપયોગ કઈ રીતે કરશો?  

  • સરસવના તેલને સ્કેલ્પમાં હળવા હાથે માલીશ કરીને લગાવો. તમે ઇચ્છો તો આ તેલની અંદર વિટામિન-ઈની કેપ્સ્યૂલ પણ કટ કરીને નાખી શકો છો. તેલ લગાવ્યા બાદ આશરે ત્રણ કલાક સધી તેલ રાખીને વાળ ધોઇ લો. આ તેલ વાળમાં લગાવો ત્યારે કંડિશનર કરવાનું ખાસ ન ભૂલવું જોઇએ. આમ કરવાથી વાળ મજબૂત અને સિલ્કી બનશે.
  • જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો આ તેલને થોડું હૂંફાળું કરીને કોટનથી સ્કેલ્પમાં તેમજ વાળમાં લગાવો. જો તેલ હૂંફાળું કરીને વાળમાં નાખતા હોવ તો માત્ર એક જ કલાક તેને વાળમાં રાખીને વાળ ધોઈ લેવા જોઇએ.
  • ખોડાથી છુટકારો મેળવવા માટે સરસવના તેલમાં નાળિયેરનું તેલ મિક્સ કરીને થોડું હૂંફાળું કરીને હળવા હાથે માથામાં મસાજ કરીને નાખવું. આમ કરવાથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળશે.
  • વાળને ચમકીલા બનાવવા તેમજ તેનો ગ્રોથ વધારવા માટે આ તેલમાં મેથીના દાણા મિક્સ કરીને તેને થોડું ગરમ કરી તેલમાલીશ કરો. આમ કરવાથી બાળ ચમકીલા અને સુંવાળા તો બનશે જ સાથેસાથે ગ્રોથમાં પણ વધારો થશે.
  • જો તમે ઘરેલુ હેરમાસ્ક બનાવવા માંગતા હોવ તો એક વાટકી દહીંમાં પાંચ ચમચી સરસિયાનું તેલ નાખી તેને મિક્સ કરીને વાળ ઉપર લગાવી લો. આમ કરવાથી વાળની મજબૂતાઇ વધશે. વાળ જલદીથી તૂટશે કે ખરશે નહીં.

જો તમારા વાળ ખૂબ ખરતાં હોય, તેમાં ડ્રાયનેસ વધારે આવી ગઇ હોય, તે નિસ્તેજ બની ગયા હોય તો ઉપર જણાવેલા તમામ ઉપાયને તમે સળંગ એક વર્ષ સુધી અજમાવી શકો છો. આ ઉપાય અજમાવવાથી એક જ વર્ષમાં વાળની હાલત તદ્દન બદલાઇને ખૂબ જ સુંદર થઇ જશે. એટલું જ નહીં તે પછીથી વાળનો પ્રશ્ન પણ ઓછો સતાવશે.

હેર ટિપ્સ :- હેતા પટેલ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન