ગુજરાતમાં ચૂંટણીની તારીખો ન જાહેર થવા પાછળ મોટી 'રમત'? જાણીને નહીં થાય વિશ્વાસ - Sandesh
NIFTY 10,788.50 -230.40  |  SENSEX 36,541.63 +0.00  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ચૂંટણીની તારીખો ન જાહેર થવા પાછળ મોટી ‘રમત’? જાણીને નહીં થાય વિશ્વાસ

ગુજરાતમાં ચૂંટણીની તારીખો ન જાહેર થવા પાછળ મોટી ‘રમત’? જાણીને નહીં થાય વિશ્વાસ

 | 4:42 pm IST

ચૂંટણીપંચે ગઈ કાલે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરી એવો સવાલ કોંગ્રેસ પૂછ્યો છે. વડાપ્રધાન 16 ઓક્ટોબરે ગુજરાત જવાના હોવાથી તેમના કહેવાથી એ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નહીં હોવાનો આરોપ કોંગ્રેસ મૂક્યો છે, પરંતુ ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નહીં કરવા સાથે વડા પ્રધાનના ગુજરાતપ્રવાસને કોઈ સંબંધ નથી.

વડાપ્રધાન 16 ઓક્ટોબરે ગુજરાત પહોંચીને અનેક નવી યોજનાઓના શિલાન્યાસ કરે એવી શક્યતા છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં શિલાન્યાસના એ કાર્યક્રમો રોકવા ન પડે એ માટે ગુજરાતની તારીખો જાહેર કરવામાં આવતી નહીં હોવાનો આરોપ કોંગ્રેસ મૂક્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એવો આરોપ મૂક્યો છે કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબરે ગુજરાત જવાના હોવાથી તેમના કહેવાથી ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. વડા પ્રધાન 16 ઓક્ટોબરે ગુજરાત જઈ રહ્યા છે. જો ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તો આચારસંહિતા લાગુ થાય અને એ પ્રવાસ પહેલાં આચારસંહિતાનો અમલ શરૂ થાય એવું શાસક પક્ષ ઇચ્છતો નથી. આ બાબતે ચૂંટણીપંચે દેશને જવાબ આપવાની જરૂર છે.’

એ આરોપને નિરાધાર ગણાવતાં મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ જણાવ્યું હતું કે ‘વિધાનસભાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત અને વડા પ્રધાનના ગુજરાતપ્રવાસને કોઈ સંબંધ નથી. કોર્ટે પણ કહ્યું છે કે કોઈ પણ ઠેકાણે લાંબા વખત સુધી આચારસંહિતા લાગુ રાખવી ન જોઈએ. ગુજરાતની રાજ્ય સરકારે ત્યાંના પૂરપીડિતોને સહાય પહોંચાડવા માટે સમય માગ્યો હોવાને કારણે પણ ચૂંટણીની તારીખો જાહેર ન કરી શકાય.’ હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદત તો છેક ફેબ્રુઆરી- 2018માં અને ગુજરાત વિધાનસભાની ટર્મ જાન્યુઆરી- 2018માં પૂર્ણ થાય છે તો પછી આ બંને રાજ્યમાં સાથે ચૂંટણી કેમ જાહેર કરવામાં આવી નહીં ? તેવા સવાલના જવાબમાં મુખ્ય ચૂંટણી પંચે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બર- જાન્યુઆરીમાં બરફવર્ષા થાય છે આથી મતદાન 9મી નવેમ્બરે નિયત કરાયું છે. જ્યારે ગુજરાત સરકારે બનાસકાંઠામાં પૂરપ્રકોપ પછી પુનઃસ્થાપન માટે સમય માગ્યો હોવાથી આ બંને રાજ્યોમાં સાથે ચૂંટણીની જાહેરાત થઈ શકી નથી.

ભારતના મુખ્ય ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાતમાં જ ગુજરાતમાં મતદાન માટે ડિસેમ્બરનાં પહેલા કે બીજા સપ્તાહનો સમયગાળો નક્કી થાય તેવા સંકેતો મળ્યા છે. વર્ષ 2012માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત અને કાર્યક્રમ એક સાથે જાહેર થયો હતો. આથી આ વખતે પણ તેના રિપિટેશની શક્યતાઓ વચ્ચે ભારતના મુખ્ય ચૂંટણી પંચે સૌથી પહેલા હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ જાહેર કરી છે.

અચલકુમાર જ્યોતિના આ નિવેદન બાદ એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે, ૧૮મી ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં મોડામા મોડા બીજા તબક્કાની ચૂંટણી માટે ૧૫મી ડિસેમ્બર સુધીમાં અને પહેલા તબક્કાની ચૂંટણી માટે મોડામા મોડા ૧૧મી ડિસેમ્બર સુધીમાં મતદાન યોજાય તેવી શક્યતાઓ છે. સામાન્ય ચૂંટણીમાં મતગણતરી અને છેલ્લાં મતદાન વચ્ચે ત્રણ દિવસનો સમયગાળો રહેતો હોય છે. સોમવારે ગુજરાતની સમીક્ષા કરવા આવેલી ભારતના મુખ્ય ચૂંટણી પંચની ટીમમાં ડો. જ્યોતિએ ગુજરાતમાં બે તબક્કે મતદાન થશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ભારતના મુખ્ય ચૂંટણી પંચે ભલે કોઈ સત્તાવાર જાહેરાત ન કરી હોય પરંતુ રાજ્યમાં ડિસેમ્બરનાં પહેલા કે બીજા સપ્તાહમાં મતદાન અને ત્રીજા સપ્તાહે મતગણતરી થશે તે નક્કી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે.