Aloe vera is often used to prevent hair loss
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળ અટકાવવા માટે અકસીર છે એલોવેરા  

ખરતા વાળ અટકાવવા માટે અકસીર છે એલોવેરા  

 | 8:00 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ જ કોમન થતી જાય છે. પહેલાં એવું બનતું કે સરેરાશ દસમાંથી ચાર કે પાંચ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા સતાવતી. આ રેશિયો ધીરેધીરે વધ્યો અને હવે સરેરાશ દસમાંથી નવ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા સતાવવા લાગી છે. આ સમસ્યા એટલી કોમન બની ગઇ છે કે ઘણાં લોકો તો અતિશય વાળ ખરવા ન લાગે ત્યાં સુધી તેનો ઉપાય પણ નથી ચાલુ કરતા. એવું બને કે નોર્મલ કરતાં વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે ત્યારે જ તેઓ આ બાબતે સભાન થાય છે અને ઘરેલુ નુસખા અપનાવીને વાળને ખરતા અટકાવવા કાર્યરત બને છે. પહેલાંના સમયમાં વાળ ખરવાની તકલીફ આટલી મોટી નહોતી તેથી જ આપણી મમ્મી અને દાદીના યુવાનીના ફોટા જોઇએ તો આપણને જણાશે કે તેમના વાળ લાંબા, કાળા, ઘાટ્ટા અને કેટલા સિલ્કી હતા. તે સમયે રહેણીકરણી, ખાણીપીણી અત્યાર જેવી નહોતી. તે સમયે પ્રદૂષણનું પ્રમાણ પણ નહીંવત્ હતું. આ બધાં જ કારણ સારા વાળ માટે જવાબદાર છે. આજકાલ લોકોનું જીવન એટલું બગડી ગયું છે કે નિસ્તેજ ત્વચા અને ખરાબ વાળની સમસ્યા લગભગ દરેકને સતાવતી હોય છે. પૂરતી અને સમયસર ઊંઘનો અભાવ, ખાવાપીવાની ખરાબ આદત, પ્રદૂષણ, બેદરકારી જેવાં કારણો વાળ ખરવા પાછળ જવાબદાર હોય છે. પણ ખરતાં વાળને અટકાવવા તમે બીજી પ્રાકૃતિક વસ્તુઓની જેમ એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા સ્કેલ્પના સીબમ પ્રોડક્શન અને પી.એચ સ્તરને સંતુલિત કરે છે, જેના કારણે વાળ ખરતાં ઓછા થાય છે અને હેર ગ્રોથ વધે છે. એલોવેરા જેલમાં અઢળક ફાયદા છુપાયેલા છે. આ જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ મળી આવે છે. વળી તેમાં વિટામિન ઇ, બી, સી હોય છે જે વાળ અને ત્વચા બંને માટે ખૂબ જ લાભદાયી છે. એલોવેરા વાળમાં કૂલિંગ એજન્ટનું પણ કાર્ય કરે છે. તેને તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ અને સ્કેલ્પને મોઇશ્ચર પ્રાપ્ત થાય છે. તેનાથી હેર ગ્રોથ તો વધે જ છે સાથેસાથે વાળ મુલાયમ પણ બને છે. તો ચાલો જાણી લઇએ કે વાળમાં એલોવેરા કઈ રીતે લગાવશો.

બે ટેબલસ્પૂન એલોવેરા જેલ લઇને સ્કેલ્પમાં હળવા હાથે લગાવીને માલીશ કરો. હવે તેને બે કલાક માટે સ્કેલ્પમાં લગાવી રાખો. બે કલાક બાદ માઇલ્ડ અને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી માથું ધૂઓ. તમે ઇચ્છો તો શિકાકાઇથી પણ વાળ ધોઇ શકો છો. શિકાકાઈથી વાળ ધોવાથી વાળ એકદમ મુલાયમ બની જશે. આ ઉપાય અઠવાડિયામાં ત્રણવાર અજમાવવાથી વાળ ખરતા અટકી જશે.

બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી નાળિયેર તેલ મિક્સ કરીને હળવે હાથે સ્કેલ્પમાં લગાવીને મસાજ કરો. બે કલાક અથવા તો આખી રાત તેલ રાખીને બીજા દિવસે વાળને શેમ્પૂ વડે ધોઇ લો. શેમ્પૂ કર્યા બાદ કંડિશનર કરવાનું ન ભૂલવું. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવવો.

વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય અને ગરમીનો કોઠો ન હોય તો કાંદાના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને માથામાં લગાવો. જે લોકોને વાળ ખૂબ ખરતા હોય તેમણે આ ઉપાય ચોક્કસ અજમાવવો. કાંદાથી હેરગ્રોથ વધે છે અને એલોવેરા માથાને ઠંડક આપે છે, ઘણાં લોકોને કાંદાના તેલથી ખીલની સમસ્યા થતી હોય તે એલોવેરાથી નથી થતી. આ મિશ્રણને માત્ર અડધો કલાક જ માથામાં રાખીને વાળ ધોઈ નાખવા.  તમે ચાહો તો નાળિયેર તેલમાં એલોવેરાનો પલ્પ મિક્સ કરીને રાખી દેવો. જેથી જ્યારે પણ તેલ નાખો ત્યારે તેમાં રહેલું એલોવેરા પણ વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન