આલોક વર્માનું રાજીનામું, અસ્થાનાની ધરપકડના ભણકારા - Sandesh
  • Home
  • India
  • આલોક વર્માનું રાજીનામું, અસ્થાનાની ધરપકડના ભણકારા

આલોક વર્માનું રાજીનામું, અસ્થાનાની ધરપકડના ભણકારા

 | 12:41 am IST

। નવી દિલ્હી ।

માંસના નિકાસકાર મોઇન કુરેશીના કેસની તપાસ ખોરંભે ચડાવવા માટે લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહેલા સીબીઆઈના પૂર્વ નંબર ટુ રાકેશ અસ્થાનાને દિલ્હી હાઇકોર્ટે મોટો આંચકો આપ્યો છે. શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે પોતાની વિરુદ્ધનો કેસ રદ કરવાની માગ કરતી રાકેશ અસ્થાનાની અરજી રદ કરતાં જણાવ્યું હતું કે રાકેશ અસ્થાના સામે મુકાયેલા લાંચના આરોપોની તપાસ કરવામાં આવે. દિલ્હી હાઇકોર્ટના જજ નાજમી વઝીરીએ સીબીઆઈના રજા પર ઉતારી દેવાયેલા સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવેન્દરકુમાર અને કથિત વચેટિયા મનોજપ્રસાદ સામેનો કેસ રદ કરવાનો ઇનકાર કરતાં અસ્થાનાને ધરપકડ સામે અપાયેલું સંરક્ષણ પણ પાછું ખેંચી લીધું હતું તેથી હવે આ લાંચકેસમાં રાકેશ અસ્થાનાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. રાકેશ અસ્થાનાએ પોતાની ધરપકડ સામેઔબે સપ્તાહનો મનાઈહુકમ આપવા અદાલત સમક્ષ માગ કરી હતી. લાંચ લેવાના કેસમાં ડીએસપી દેવેન્દરકુમારની ધરપકડ કરાઈ હતી પરંતુ હાલ તે જામીન પર મુક્ત છે. જસ્ટિસ વઝીરીએ જણાવ્યું હતું કે, અસ્થાના અને દેવેન્દરકુમાર સામે ખટલો ચલાવવા માટે આગોતરી મંજૂરી લેવાની જરૂર નથી. હાઇકોર્ટે રાકેશ અસ્થાના સહિતના આરોપીઓ સામેના આ કેસમાં ૧૦ સપ્તાહમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે.

મને મનઘડંત આરોપોના આધારે હટાવાયો : આલોક વર્મા

આલોક વર્માની સીબીઆઈના વડાપદેથી બદલી બાદ શુક્રવારે એડિશનલ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવે ગુરુવાર રાતથી જ સીબીઆઈના વડા તરીકેની કામગીરી સંભાળી લીધી હતી. હોદ્દો સંભાળતાંની સાથે જ નાગેશ્વર રાવે આલોક વર્મા દ્વારા બુધવારે કરાયેલી તમામ બદલીઓ રદ કરી હતી. બીજી તરફ ગુરુવારે સાંજે સીબીઆઈવડાપદેથી દૂર કરાયેલા આલોક વર્માએ શુક્રવારે ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાડ્ર્સના ડીજી તરીકેનો હોદ્દો સ્વીકારવાનો ઇનકાર કરી સરકારી સેવામાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, મને ૩૧ જુલાઇ ૨૦૧૭ના રોજ જ નિવૃત્ત થઇ ગયો હતો અને હું ફક્ત સીબીઆઇ ડિરેક્ટર તરીકે સરકારમાં કામ કરતો હતો. મારો કાર્યકાળ ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી નિશ્ચિત કરાયો હતો. હવે હું સીબીઆઈનો ડિરેક્ટર રહ્યો નથી અને ફાયર સર્વિસના ડીજીપદ માટેની નિવૃત્તિવય વટાવી ચૂક્યો છુ. તેથી મને લાગે છે કે હું આજથી જ નિવૃત્ત થઇ ગયો છું. ડીઓપીટી સચિવને પાઠવેલા પત્રમાં આલોક વર્માએ જણાવ્યું હતું કે, પસંદગી સમિતિએ મને સીવીસીના રિપોર્ટ પર નિર્ણય લેતાં પહેલાં  ખુલાસો કરવાની કોઈ તક આપી નથી. કુદરતી ન્યાયનું ગળું દબાવી દેવાયું છે અને મને હોદ્દા પરથી હટાવવા માટે સમગ્ર પ્રક્રિયા ઊલટાવી નાખવામાં આવી છે. ગુરુવારે કરાયેલા નિર્ણયો બતાવે છે કે, સરકાર સીવીસીને હાથો બનાવી કેવી રીતે સીબીઆઈ સાથે વર્તાવ કરશે.

સીબીઆઈની સ્વાયત્તતાનો નાશ કરવાના પ્રયાસ મેં અટકાવ્યા : આલોક વર્મા

આલોક વર્માએ જણાવ્યું હતું કે, સીબીઆઈની સ્વાયત્તતાનો નાશ કરવાના પ્રયાસ થઈ રહ્યા હતા ત્યારે મેં તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા. દુઃખની વાત એ છે કે મને ખોટા, સત્યવિહોણા અને એક વ્યક્તિ દ્વારા મુકાયેલા મનઘડંત આરોપોના આધારે સીબીઆઈના વડાપદેથી હટાવાયો છે. સીબીઆઈ ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલાઓ દ્વારા આચરાતા ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સી છે. કોઈપણ પ્રકારનાં બાહ્ય દબાણ વિના તેની સ્વતંત્રતા જળવાવી જોઈએ.

સરકારે પિંજરામાં કેદ પોપટને ઊડવા ન દીધો : સિબ્બલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આલોક વર્માને આખરે હટાવી દેવાયા. પિંજરામાં કેદ પોપટ ઊડી ના શકે તેની પૂરતી કાળજી લેવામાં આવી છે. સરકારને ડર છે કે આ પોપટ સત્તાના ગલિયારાનાં રહસ્યો છતા ન કરી દે. પિંજરામાં કેદ પોપટ હાલ કેદ જ રહેશે.

જો વર્મા શંકાસ્પદ કામ કરી રહ્યા હોવાનું લાગ્યું તો તેમને ફાયર વિભાગના ડીજી કેમ બનાવવામાં આવ્યાં? ભ્રષ્ટાચારના આરોપો એક હોદ્દા માટે મહત્ત્વના અને બીજા હોદ્દા માટે નહીં? – બરખા દત્ત

આલોક વર્માને કેમ ખસેડાયા તેની પ્રતિક્રિયા જાણવા કોઇ પત્રકારે જસ્ટિસ સિકરીનો સંપર્ક કર્યો ખરો? મને લાગે છે કે મોટાભાગનું ભારતીય મીડિયા બનાવટી સમાચારથી ભરપૂર છે. – માર્કન્ડેય કાત્જુ

એમ. નાગેશ્વર રાવ : આઈઆઈટી મદ્રાસના રિસર્ચ ફેલો IPS બન્યા

ઓરિસ્સા કેડરની ૧૯૮૬ની બેચના આઈપીએસ અધિકારી એમ. નાગેશ્વર રાવ ઓરિસ્સામાં વિવિધ હોદ્દા પર કામગીરી કરી ચૂક્યા છે. ૨૦૧૬માં તેમને ડેપ્યુટેશન પર સીબીઆઈમાં નિયુક્ત કરાયા હતા. નાગેશ્વર રાવે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી, ત્યારબાદ તેમણે આઈઆઈટી-મદ્રાસમાં રિસર્ચની કામગીરી કરી હતી. આઈપીએસ બન્યા બાદ તેઓ ઓરિસ્સાના ચાર જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

કુરેશીના કેસમાં ભીનું સંકેલવા અસ્થાના પર રૂ. ૩ કરોડની લાંચ લેવાનો આરોપ

માંસના નિકાસકાર મોઇન કુરેશીને મની લોન્ડરિંગ કેસમાં રાહત આપવા માટે રાકેશ અસ્થાનાએ રૂપિયા ૩ કરોડની લાંચ લીધી હોવાના આરોપસર હૈદરાબાદના બિઝનેસમેન સતીષબાબુ સનાએ એફઆઈઆર નોંધાવી હતી. સનાએ એફઆઈઆરમાં આરોપ મૂક્યો હતો કે, મેં ૨૦૧૭માં સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને લાંચ પેટે રૂપિયા ૩ કરોડ ચૂકવ્યા હતા.

આલોક વર્મા પરના પાંચ આરોપ

૧. લાલુપ્રસાદ યાદવ સામેના IRCTC કેસમાં આલોક વર્માએ એફઆઈઆરમાંથી જાણીજોઈને એક નામ રદ કરાવ્યું.

૨. મોઇન કુરેશી કેસમાં સતીષબાબુ સના પાસેથી રૂપિયા બે કરોડની લાંચ લીધી.

૩. ૨૦૧૬માં દિલ્હી પોલીસના વડા તરીકેના કાર્યકાળમાં કસ્ટમ વિભાગે ઝડપેલાં સોનાના દાણચોરને બચાવ્યો.

૪. હરિયાણા જમીનકૌભાંડમાં રૂપિયા ૩૬ કરોડની લાંચની તપાસ બંધ કરાવી.

૫. બે કલંકિત અધિકારીઓને સીબીઆઈમાં નિયુક્ત કરાવવાના પ્રયાસ કર્યા.

સીબીઆઈના પૂર્વ વડા એ. પી. સિંહે જણાવ્યું હતું કે, સીબીઆઈમાં જૂથવાદ ચરમસીમા પર છે, તેને કારણે સીબીઆઈની પ્રતિષ્ઠાને ભારે હાનિ પહોંચી છે. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેની લડાઈને કારણે સીબીઆઈની વિશ્વસનીયતા પણ જોખમાઈ છે. બે જૂથ એકબીજાની સામે આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં હતાં. સીબીઆઈના નવા નિયુક્ત થયેલા વડાએ તપાસ એજન્સીની છબી સુધારવી પડશે. સીબીઆઈમાં ઘણા કાબેલ અધિકારીઓ છે અને તેઓ ઉત્તમ કામગીરી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન