Alpesh Thakor's protest from all sides
  • Home
  • Ahmedabad
  • ઠાકોર સેનાના ખભે બંદૂક મૂકી અલ્પેશ ઠાકોરે રચ્યો કારસો, જાણો શું પરિણામ આવ્યું?

ઠાકોર સેનાના ખભે બંદૂક મૂકી અલ્પેશ ઠાકોરે રચ્યો કારસો, જાણો શું પરિણામ આવ્યું?

 | 8:30 pm IST

સાબરકાંઠાના હિંમતનગર પાસેના ઢુંઢેરમાં 14 માસની બાળા પર પરપ્રાંતીય યુવક દ્વાર કરવામાં આવેલા દુષ્કર્મના પગલે છેલ્લા સપ્તાહથી રાજ્યમાં શાંતિ-વ્યવસ્થા ડહોળાઈ ગઈ છે. આવા સંજોગોમાં ઠાકોર સેનાને પોતાની સાથે રાખી અલ્પેશ ઠાકોરે પોતાનું રાજકીય કદ વધારી ભાજપ સાથે સોદાબાજી કરવાનો કારસો રચ્યો છે. રાજકારણમાં ઝંપલાવી પોતાના રાજકીય રોટલા શેકવા નીકળેલા અલ્પેશ ઠાકોરે આખી ઘટનાને રાજકારણ સાથે ભેળવી દીધી છે.

ગુજરાતના ઉદ્યોગોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને પરપ્રાંતીઓ જીવ બચાવવા માટે માદરે વતનની વાટ પકડી રહ્યા છે. દુષ્કર્મની ઘટના દુઃખદ છે અને આરોપીને સજા થવી જોઈએ પણ એના બદલે નિર્દોષોને નિશાન બનાવવા કેટલા અંશે યોગ્ય છે? પડદા પાછળ કોનો દોરીસંચાર છે? ગુજરાતની સાડા છ કરોડ જનતા એ વ્યક્તિનો ચહેરો બેનકાબ થતો જોવા માગે છે. અલ્પેશ ઠાકોર પોતાનું રાજકીય કદ વધારવા માટે એક સમાજને હાથો બનાવી રહ્યા છે એ જ સમાજમાં અલ્પેશ ઠાકોર સામે જબરજસ્ત રોષ પણ પ્રવર્તી રહ્યો છે કેમ કે, ઠાકોર સમાજને હાથો બનાવી અનેક ચૂંટણીમાં ઝંપલાવવા માટે અલ્પેશ ઠાકોરે કરેલા નાટકો કંઈ ઓછા નથી.

હવે અલ્પેશ ઠાકોર પ્રાંતવાદના નામે ગુજરાતના નિર્દોષ નાગરિકોને ખતરનાક આંતરવિગ્રહ તરફ લઈ જઈ રહ્યા છે. ગુજરાતની ગૌરવપૂર્ણ સમરસતાને ખતમ કરી દેવાનો અલ્પેશ ઠાકોરનો કારસો રાજ્યની શાંતિ ડહોળી રહ્યો છે. રાજ્ય શાંતિ ઇચ્છી રહ્યું છે, લોકો ધંધા-રોજગારી ઇચ્છી રહ્યા છે નહીં કે, કત્લેઆમ થાય અને લોકોના લોહી રેડાય.

ગુજરાત હંમેશાં શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે.મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ ક્યારેય હિંસામાં માનતી નથી. દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીઓને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજમાં ચાલતી ચર્ચા મુજબ, ઠાકોર સમાજના નામે ચરી ખાતા અલ્પેશ ઠાકોરની ભેદી ચાલ જણાઈ રહી છે. પોતાની રાજકીય દુકાનને ધમધમતી રાખવા માટે અલ્પેશ ઠાકોર પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી તેથી હવે ગુજરાતની શાંતિને હણવાનું કામ અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે જેને લઈ ખુદ ઠાકોર સમાજમાં પણ વિરોધનું વાવાઝોડું ફૂંકાયું છે.

ઠાકોર સમાજનો ઉપયોગ કરવામાં અલ્પેશ ઠાકોરે કંઈ બાકી રાખ્યું નથી અને હવેે એ જ સમાજને ગુમરાહ કરી રાજનીતિના નામે રોટલા શેકવા પરપ્રાંતીઓને નિશાન બનાવીને રાજ્યની શાંતિમાં પલીતો ચાંપવાનું કામ અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે જે ગુજરાત માટે આવનારા સમયમાં ખતરનાક સાબિત થશે. આ હુમલાના સિલસિલો નહીં અટકે તો ગુજરાતને ન પૂરી શકાય તેટલી નુકસાન થશે એ સત્ય હકીકત છે.

અલ્પેશ ઠાકોર સારી રીતે સમજી લે કે, ગુજરાત બહાર પણ ગુજરાતીઓ વસી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ જેવા શહેરોમાં ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા શહેરોમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસી રહ્યાં છે ત્યાં ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવશે તો હાલત શું થશે ? અલ્પેશ ઠાકોરને તેનો અંદાજો છે ખરો ? શું અલ્પેશ ઠાકોર લોકોની લાશોના ઢગલા ઉપર રાજનીતિ કરવા માંગે છે ? શું ગુજરાતની જનતાનું સરેઆમ કત્લેઆમ કરવા માગે છે ? શું નીતિમત્તાના મૂલ્યો અલ્પેશ ઠાકોરે નેવે મૂકી દીધા છે ? ગુજરાતમાં પરપ્રાંતીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

શ્રમજીવીઓ લોકો કે જે છૂટક મજૂરી કરીને માંડ પેટિયું રળી રહ્યા છે તેવા અનેક પરપ્રાંતીઓને નિશાન બનાવવા પાછળ અલ્પેશ ઠાકોરની કોઈ મોટી સાજિશ છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર સમજી લે કે, ગુજરાત કોઈના બાપની જાગીર નથી કે કોઈના દમ પર ચાલતું નથી. ગુજરાતની અસ્મિતાને ક્યારેય લાંછન લાગ્યું નથી અને હવે રાજકીય રમત રમીને અલ્પેશ ઠાકોર ગુજરાતની આબરૃની ધૂળધાણી કરવા નીકળ્યા છે? ગુજરાતની પ્રતિષ્ઠાને કલંકિત કરવા નીકળ્યા છે? ગુજરાતને ગુનાખોરીની દિશામાં ડુબાડવા નીકળ્યા છો ? અલ્પેશ ઠાકોર જનતાના આ બધા સવાલોના જવાબ આપી શક્શે ? બસ બહુ થયું લોકોને જીવવા દો અને રોજગારી મેળવવા દો, રાજકીય ખીચડી પકવવા નીકળેલા અલ્પેશ ઠાકોરમાં જરા સરખી માનવતા બચી હોય તો લોકોને હાથો બનાવવાનું બંધ કરે.

કોંગ્રેસ ગુજરાતનું હિત ઇચ્છતી હોય તો અલ્પેશની હકાલપટ્ટી કરે

અલ્પેશ ઠાકોર પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ધાર્યું કરાવી પોતાના મળતિયાઓને ટિકિટ અપાવી હતી જેને લઈ કોંગ્રેસને બેઠકો ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. એ જ અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિને ડહોળી નાખી છે એ કડવું સત્ય છે છતાં કોંગ્રેસ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. કોંગ્રેસ ખરેખર રાજ્યના નાગરિકોનું હિત ઇચ્છતી હોય તે તકવાદી અલ્પેશ ઠાકોરની તાકીદે હકાલપટ્ટી કરવી જોઈએ. નહિતર આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું થશે એ પણ એક પ્રશ્ન છે. કોંગ્રેસે આ જ અલ્પેશ ઠાકોરને બિહારમાં ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા છે જે કોંગ્રેસની અધોગતિને દર્શાવી રહીં છે. કોંગ્રેસ તકસાધુ અને ભાજપ સાથે ભળી ગયેલા અલ્પેશ ઠાકોરને તગેડી મૂકે એ કોંગ્રેસના હિતમાં છે. કોંગ્રેસને રામ રામ કરી હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જવાની ફિરાકમાં છે અને ધમપછાડા પણ કરી રહ્યા છે.

અલ્પેશને ભગવો પહેરાવવો ભાજપને ભારે પડશે

કોંગ્રેસમાં રહીને ભાજપના નેતાઓ સાથે ઘરોબો રાખનાર અલ્પેશ ઠાકોરની નિયત સામે સવાલ ઊભા થયા છે. અંગત હિત માટે સમગ્ર રાજ્યને જ નહીં પરંતુ, રાજ્ય બહાર રહેતા ગુજરાતીઓની સલામતી જોખમમાં મૂકવામાં નહીં અચકાતા અલ્પેશ ઠાકોરના કથિત પ્રભાવનો રાજકીય લાભ લેવાનું ભાજપ વિચારતો હોય તો ગુજરાતની જનતા ભાજપને ક્યારેય માફ નહીં કરે અને ભાજપે તેના માઠા પરિણામમો ભોગવવા પડશે.

પોલિટિકલ સ્ટન્ટ: કેટલા અડ્ડા બંધ થયા ?

અલ્પેશ ઠાકોર રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કંઈ પણ કરી શકે છે. ઠાકોર સેનાને ખભે બંધૂક મૂકીને પોતાના રોટલા શેકનાર અલ્પેશ પટેલે દારૃના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાનું પોલિટિકલ સ્ટન્ટ કર્યું હતું. અલ્પેશ ઠાકોર માટે દારૃના અડ્ડા પણ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અલ્પેશ ઠાકોરને બેવડા વલણો જનતાએ પણ જોઈ લીધાં છે. અલ્પેશ ઠાકોરની મેલી મુરાદ શું છે ? ઠાકોર સેના પણ સારી રીતે સમજી ગઈ છે કે, અલ્પેશ ઠાકોરના અડ્ડા ઉપર દરોડા પાડવાના માત્રને માત્ર નાટક જ હતા. અલ્પેશ ઠાકોરમાં નૈતિકતા બચી હોય તો ગુજરાતની સાડા છ કરોડ જનતાને જવાબ જવાબ આપે કે, કેટલા દારૃના અડ્ડા બંધ થયા? જનાતને ઉલ્લુ કેમ બનાવવામાં આવી ? નાટક કરીને વાહ વાહી કેમ લૂંટવામાં આવી ? અલ્પેશ ઠાકોર સારી રીતે સમજી લે કે, ગુજરાતની જનતા સમય આવે જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. એક સમાજનો ઉદ્ધાર કરવા નીકળેલા અલ્પેશ ઠાકોરની કથની અને કરણીમાં મોટો ફરક છે એ જનતા હવે ધીમે-ધીમે સમજી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન