• Home
  • Sports
  • Cricket
  • અમલાની સદી એળે ગઈ, મુંબઇનો પંજાબ સામે ૮ વિકેટે આસાન વિજય

અમલાની સદી એળે ગઈ, મુંબઇનો પંજાબ સામે ૮ વિકેટે આસાન વિજય

 | 1:53 am IST

ઇન્દોર, તા.૨૦

મેન ઓફ ધ મેચ જોસ બટલરનાં શાનદાર ૭૭, નીતીશ રાણાના અણનમ ૬૨ અને ર્પાિથવ પટેલના આક્રમક ૩૭ રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને આઠ વિકેટે હરાવી દીધું હતું. જીતવા માટેનો ૧૯૯ રનનો લક્ષ્યાંક મુંબઇએ ફક્ત ૧૫.૩ ઓવરમાં મેળવી લીધો હતો. આ વિજયની સાથે મુંબઇ પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. આઇપીએલની ૧૦મી સિઝનમાં મુંબઇનો આ સતત પાંચમો વિજય હતો. પંજાબ તરફથી મોહિત અને સ્ટોનિસે એક-એક વિકેટ ઝડપી હતી. આ પહેલા પંજાબની ટીમે અમલાની ટી-૨૦ ક્રિકેટમાં પ્રથમ સદીની મદદથી ચાર વિકેટ ગુમાવી ૧૯૮ રન બનાવ્યાં હતા.

ટોસ જીતીને મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ પંજાબને બેટિંગ કરવા આમંત્રિત કર્યું હતું.

ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાની શાનદાર અણનમ સદી (૧૦૪) અને કેપ્ટન ગ્લેન મેક્સવેલનાં આક્રમક ૧૮ બોલમાં ૪૦ રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૧૯૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અમલાએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારતા ૬૦ બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ ૧૦૪ રન અને મેક્સવેલે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યાં હતા. મુંબઇ તરફથી મેક્લેનઘને બે તથા બુમરાહ અને કૃણાલ પંડયાએ એક-એક વિકેટ ઝડપી હતી. ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલા અને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા શોન માર્શે ૫.૫ ઓવરમાં પ્રથમ વિકેટ માટે ૪૬ રન જોડી ધીમી પરંતુ મજબૂત શરૂઆત આપી હતી.  માર્શ, રિદ્ધિમાન સહાની વિકેટ પડયા બાદ કેપ્ટન મેક્સવેલે અમલાની સાથે મળીને સ્કોરબોર્ડને સંભાળી લીધું હતું.