NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરનાથ આતંકી હુમલો: મહારાષ્ટ્રના ડૉંગરે દંપતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમરનાથ આતંકી હુમલો: મહારાષ્ટ્રના ડૉંગરે દંપતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 8:16 am IST

કાશ્મીરમાં યાત્રીકો ભરેલી બસમાં આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા મહારાષ્ટ્રના યશવંત ડોંગરે અને યોગીત ડોંગરેએ હ્યદયદ્રાવક આપવીતી જણાવી હતી. સંદેશની ટીમે ડોંગરે દંપતી સાથે વાત કરતા આતંકવાદી હુમલાની ઘટનાનું વર્ણન કરતા યોગીતાબેનની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા.

યોગીતા ડોંગરેના જણાવ્યા અનુસાર ગઇકાલે તેઓ શ્રીનગરમાં સ્થાનિક બસમાં ફરતા હતા ત્યારે સ્થાનિક યુવકો સાથે કાશ્મીરની પરિસ્થિતિની ચર્ચા થઇ હતી. ભારત સરકાર કાશ્મીરના આર્થિક વિકાસ માટે વર્ષે હજારો કરોડનો ખર્ચ કરે છે. કાશ્મીરની સુરક્ષા પાછળ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે. યાત્રીઓએ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની ઘોર નિંદા કરી હતી. કાશ્મીરી યુવકોએ કાશ્મીરની આઝાદીની વકીલાત કરી હતી.

સ્થાનિક યુવકોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ભારત સરકાર કાશ્મીરને આઝાદ નહીં કરે ત્યાં સુધી આતંકવાદ અને હિંસા ક્યારેય બંધ નહીં થાય. આમ, બન્ને પક્ષો વચ્ચે ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ શ્રીનગરમાં ફરીને યાત્રીઓ બસમાં પરત આવ્યા હતા. યાત્રીઓ બસમાં પરત આવતા જોયું કે બસના ટાયરમાં પંચર હતું. ટાયરમાં પડેલા પંચરને રિપેરિંગમાં બે ક્લાકનો સમય પસાર થઇ જતા અંધારુ થઇ ગયું હતું. ડ્રાઇવરે પંચર રિપેરિંગ કર્યા બાદ બસ ચલાવવાનુ શરૃ કર્યુ હતું.

ડોંગરે દંપતીએ સ્થાનિક લોકોએ બસમાં જાણી જોઇને પંચર પાડયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બસ શરૂ થતા યાત્રીઓએ ‘બાબા અમરનાથી કી જય’ના નારા ગુંજતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. રાત્રીના અંધકારમાં બસ સૂમસામ અને વેરાન રસ્તા પર આગળ વધતી હતી. દરમિયાન યોગીતાબેનને બસ એક કિમી વધતા રસ્તા પર ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવ્યો હતો. ફટાકડાના અવાજ સાથે ડ્રાઇવરે બસ ઊભી રાખવાને બદલે સ્પીડ વધારી હતી. ડોંગરે દંપતી કશું સમજે તે પહેલા બારીના કાચના ટુકડાઓ તેના શરીર પડવા લાગ્યા હતા. બારીના કાચના ટુકડા ઊડતા બસમાં ભાગદોડ મચી હતી. ગભરાયેલા યશવંતભાઇ યોગીતાબેનને પકડીને સીટની નીચે સૂઇ ગયા હતા. અવાજ એકાએક વધી જતા કાચના ટુકડાઓ ડોંગરે દંપતીની પીઠ પર પડતા હતા. બસમાં તમામ યાત્રીઓ સીટ નીચે સૂઇ ગયા હતા. થોડા સમય બાદ અવાજ શાંત થઇ ગયો હતો.

યશવંતભાઇને પગમાંથી પાણી નીકળતું હોય તેવો અહેસાસ થતો હતો. યશવંતભાઇએ પગ હલાવતા પગમાં અસહ્ય દર્દ થયું હતું. યોગીતાબેન અને યશવતભાઇ બંનેના પગમાં ગોળી પસાર થઇ જતા બસનો ફ્લોર લોહીથી લથપથ થઇ ગયો હતો. પગમાંથી લોહી નીકળતું હોવા છતાં ઊભા થવાની હિંમત ન હતી. બસમાં અવ્યવસ્થા સર્જાતા ધક્કામુક્કી થઇ હતી. આ કલાક ડોંગરે દંપતીના જીવનનો સૌથી લાંબો કલાક હતો. કલાક બાદ ઘટનાસ્થળે પોલીસ પહોંચતા પોલીસે ડોંગરે દંપતીને હોસ્પિટલમાં ખસેડયું હતું. શ્રીનગરમાં હોસ્પિટલમાં સારવાર બાદ મંગળવારે સવારે આર્મી વિમાનમાં સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરતમાં પોતાની આપવીતી જણાવતા ડોંગરે દંપતીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર અમરનાથ બાબાએ આતંકવાદી હુમલામાં બચાવી તેનો પુનઃજન્મ કર્યો છે.