Amas date will never break the leaves of basil know impotence
  • Home
  • Astrology
  • અમાસ તેમજ આ તિથિએ તુલસીનાં પાન કદી ન તોડવાં, નહીંતો થશે મોટુ નુકસાન

અમાસ તેમજ આ તિથિએ તુલસીનાં પાન કદી ન તોડવાં, નહીંતો થશે મોટુ નુકસાન

 | 8:30 am IST

તુલસીનું મહત્વ શાસ્ત્રોક્ત રીતે ખૂબ જ દર્શાવાયું છે. આપણાં શાસ્ત્રોમાં તુલસીને પ્રભુનો મનગમતો છોડ તો કહ્યો જ છે સાથેસાથે તે પણ ભગવાનનું જ એક સ્વરૂપ હોવાનું પણ જણાવ્યું છે. અને એટલે કોઇપણ ઘરમાં સારી વાનગી બને કે કોઇપણ પૂજા થાય તુલસીનો ઉપયોગ તેમાં ચોક્કસ થતો હોય છે. એટલું જ નહીં કોઇ વ્યક્તિનો છેલ્લો સમય ચાલતો હોય તો પણ તેના મુખમાં તુલસીનું પત્ર મૂકવામાં આવે છે. કહેવાય છે કે છેલ્લા સમયમાં તુલસીનું પાન મુખમાં મૂકવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

વળી વાસ્તુમાં પણ કહેવાયું છે કે તુલસીનો છોડ આપણાં ઘરને નકારાત્મક ઊર્જાથી દૂર રાખવાનું કાર્ય કરે છે. તો શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે તુલસીની પૂજા લક્ષ્મીપૂજા બરાબર કહેવાય છે. જોકે તુલસીનાં પાનને તોડતાં સમયે અમુક વાતનું અને તેને ઉપયોગમાં લેતી વખતે પણ અમુક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તો કઈ કઈ બાબત વિશે ધ્યાન રાખવું પડશે તે વિશે વાત કરી લઈએ.

  • તુલસીને શાસ્ત્રમાં પૂજનીય છોડ માનવામાં આવે છે એ આપણે જાણીએ છીએ. સાથેસાથે તેનો ઔષધી તરીકે પણ ઉપયોગ થાય છે. પણ ઘરમાં ઉગાડેલાં તુલસીના છોડને માસિક સમયે ક્યારેય સ્ત્રીઓએ ન અડવો જોઇએ.
  • તુલસીના છોડની પૂજા દાનની દેવી મા લક્ષ્મીની પૂજા બરાબર માનવામાં આવે છે, આનું એક કારણ એ છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો નિવાસ છે, તેથી તેની પૂજા કરતી વખતે હંમેશાં તુલસીને કંકુ, ચોખાથી ચાંદલો કર્યાં બાદ થોડી હળદર પણ અચૂક લગાવવી જોઇએ.
  • શાસ્ત્રમાં જણાવ્યું છે કે ક્યારેય તુલસીનાં પાનને નખ મારીને ન તોડવાં જોઇએ. આપણાંમાંથી મોટાભાગના લોકો આ ભૂલ કરતાં હોય છે. આપણને તુલસીનાં પાનને આ જ રીતે તોડવાની આદત હોય છે, આ ખરેખર ખૂબ જ ખોટું છે. આમ કરવાથી તમને અનેક દોષ લાગતાં હોય છે. માટે ક્યારેય તુલસીનાં પાનને નખ મારીને ન તોડવાં.
  • આપણે ઘણીવાર તુલસીનાં પાનને સૂર્યાસ્ત પછી તોડીએ છીએ. જો ઘરમાં વડીલ હોય તો તેઓ આપણને આમ કરતાં અટકાવે છે. તુલસીનાં પાનને ક્યારેય સૂર્યાસ્ત પછી ન તોડવાં. આ સમય તુલસી માતાનો વિશ્રામનો હોય છે તેથી આમ ન કરવું.
  • આ સિવાય રવિવારના દિવસે પણ ક્યારેય તુલસીપત્ર ન તોડવાં જોઇએ. રવિવારને દિતવાર કહેવાય છે તેથી આ વારે તુલસીને તોડવાથી પાપ લાગે છે.
  • એટલું જ નહીં રવિવારના દિવસે તુલસીના છોડમાં પાણી પણ ન નાખવું અને તેની પૂજા પણ ન કરવી જોઇએ. વૃક્ષશાસ્ત્રમાં રવિવારે તુલસીનાં પાન તોડવાની, તુલસીની પૂજા કરવાની તેમજ તુલસીને જળ ચડાવવાની પણ મનાઇ કરવામાં આવી છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • તુલસીનાં પાનને પૂજામાં મૂકો એટલે એ પાન ખાઇ જવાં અથવા તો જળમાં પધરાવી દેવાં જોઇએ. ઘણાં લોકો તેને કચરામાં જવા દેતા હોય છે. આમ કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે, માટે તેનાં પાન જળમાં પધરાવી દેવાં જોઈએ અથવા તો ખાઈ જવાં જોઇએ.
  • તુલસીનાં પાન તૂટીને જમીન પર પડયાં હોય તો તેને કચરામાં જવા દેવાને બદલે તેને માટીમાં દબાવી દેવાં જોઇએ, કેમ કે કચરામાં ગયેલાં પાન ઘણાંના પગ નીચે પણ આવતાં હોય છે. તેથી તેને કચરામાં ફેંકવાને બદલે જમીનમાં ફરીથી વાવી દેવાં જોઇએ.
  • ભગવાન શંકરની પૂજામાં તુલસીનાં પાનનો ઉપયોગ ન કરવો જોઇએ. આમ કરવાની મનાઇ આપણાં શાસ્ત્રોમાં પણ કરવામાં આવી છે.
  • અમાસ, ચતુર્દશી, દ્વાદશી આ ત્રણ તિથિઓમાં તુલસીનાં પાનને તોડવાં અશુભ માનવામાં આવે છે. જો તમારે તમારા ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવી રાખવું હોય તો આ ત્રણ તિથિમાં તુલસીનાં પાન ક્યારેય ન તોડવાં જોઇએ. જો આટલું ધ્યાન રાખવામાં આવે તો તુલસીની કૃપા સદાય આપણાં પરિવાર અને આપણાં પર વરસતી રહે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન