અંબાજી માતા મંદિર : ખેડબ્રહ્મા - Sandesh

અંબાજી માતા મંદિર : ખેડબ્રહ્મા

 | 1:22 am IST

ભારતનું એક પ્રાચીન- સનાતન તીર્થ નગર એટલે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્માનામમાં જ ઐતિહાસિક સ્થળ હોવાનો અનુભવ થાય છે. આ નગરને ઐતિહાસિક નગર કહેવામાં કરતાં પૌરાણિક નગર કહેવું વધારે ઉચિત માનવામાં આવે છે, કારણ કે આ નગરનો ઉલ્લેખ ઋગ્વેદ, અર્થવવેદ, મહાભારત, દેવી ભાગવત વગેરેમાં જુદા જુદા નામે થયેલ છે. કહેવાય છે કે આ નગર સતયુગમાં બ્રહ્મપુર નામે દ્રાપરયુગમાં ત્રંબકપુર નામે, કળિયુગમાં બ્રહ્મખેટક-બ્રહ્માજીની ખેડ અને હાલ ખેડબ્રહ્મા નામે ઓળખાય છે. ખેડબ્રહ્મા નગરમાં અનેક વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે.

ઇતિહાસ

ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંનું એક છે. શ્રી અંબિકા માતાજીનું મંદિર ઇ.સ. પૂર્વે બીજી કે ત્રીજી શતાબ્દિનું માનવામાં આવે છે. ઇડર રાજ્યના મહારાજા કેસરીસિંહ સવંત ૧૯૨૫ ગાદીએ બેઠા ત્યારે આ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો. મંદિર મંત્ર, તંત્ર અને યંત્રકાળની રચનાથી બનેલ છે.

માતાનું સ્વરૂપ

અંબિકા માતાના સ્વરૂપ વિશે કહેવાય છે કે મહિષાસુર દૈત્યનો વધ કરવા માટે માતાજી પ્રગટયા હતા. મહિષાસુર કોણ હતો તેવો પ્રશ્ન તો થાય જ. કશ્યપ નામના એક ઋષિ હતા. તેમને ‘અદિતિ-દિતિ-દનુ’વગેરે સ્ત્રીઓ હતી. તે પૈકી દનુ નામે સ્ત્રી હતી, તેના ગર્ભમાંથી અસુરો જન્મ્યા હતા. એકનું નામ હતું. રંભ અને બીજાનું નામ કરંભ હતું. બળ અને તેજથી ભારે ખ્યાત બનેલા લગ્ન પછી તેઓને કોઇ સંતાન પ્રાપ્ત થયું નહોતું અને બંનેને પુત્રની પ્રાપ્તિની ખૂબ જ લાલસા હતી. તેઓએ તે સમયે પુત્ર પ્રાપ્તિ તપ ચાલુ કર્યું હતું અને તપ સાધના માટે તેઓ ‘પંચનદ’ દેશમાં ગયા હતા.

સિંધુ-વિતસ્તા-અસીકીન-પરૂણી અને શતદ્ર આ પાંચ નદીઓના વચ્ચેના પ્રદેશ ‘પંચનાદ’ તરીકે ઓળખાય છે. તે સ્થાન પર પહોંચી ગયા અને મહાતપની આરાધના શરૂ કરી. ‘કરંભ’ પોતાના યોગબળથી મહાસંગમમાં તપ શરૂ કર્યું. આ વાત ઇન્દ્રને ખબર પડી તેથી ઇન્દ્ર ભગવાનને ભય ઉત્પન્ન થયો. તેઓ મગરનું સ્વરૂપ લઇ મહાસંગમમાં આવ્યાં અને કરંભને પગથી પકડી કચડી મારી નાખ્યા. એ સમયે રંભ એ જ પ્રદેશમાં એક સુંદર વડ નીચે બેસી વિદ્યાર્થી અગ્નિને વશ કરવા તપ કરતો હતો. ત્યારે કરંભના મોતના સમાચાર સાંભળ્યા, અને ક્રોધનો પાર ન રહ્યો અને પોતાનું મસ્તક કાપી અગ્નિમાં હોમવા તત્પર થયો ત્યારે મસ્તક કાપી હોમ કરવા લાગ્યો ત્યારે અગ્નિદેવ પ્રગટ થયા અને તેના પર પ્રસન્ન થયા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. વરદાનના પ્રતાપે મહિષી નામે યક્ષરાજની સ્ત્રી હતી. તે સ્ત્રી યક્ષોની દેખરેખ હેઠળ હતી. તેની સાથે સંયોગ કરવાથી ગર્ભ રહ્યો અને પુત્ર પ્રાપ્ત થયો તે પુત્રનું નામ મહિષાસુર હતું. આમ મહિષાસુર પણ યુવાન થયો. ત્યારે તેણે પણ ઘોર તપ આદયુંર્ અને વરદાન મેળવ્યું. કોઇપણ નરજાતિવાળા પ્રાણી કે પદાર્થથી તેનું મૃત્યુ ન થાય તેવી સિદ્ધિ મેળવી અને તેણે ત્યારબાદ રાજ્યો પર અધિકાર જમાવવા પ્રયત્નો શરૂ કર્યા. અસુરો, દાનવો, દૈત્યોના ભારે લશ્કરો એકઠા કર્યા અને દિગ્વિજયની તૈયારી કરવા લાગ્યો. માનવો સામે જીત્યો, દેવતાઓ સાથે વર્ષો સુધી યુદ્ધ આરંભ્યું અને લોકો ભયગ્રસ્ત બન્યા. એ સમયે વરદાનના કારણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ મહિષાસુરને હરાવવા અસમર્થ રહ્યાં. આથી તમામ દેવતાઓ એકઠા થયાં એકબીજાના વિચારો કેળવ્યા, મંતવ્યો મેળવ્યા. સમગ્ર દેવતાની લાગણીઓથી તમામ દેવતાના હૃદય એક થયા અને તેમના મુખમાંથી તે જ ધારાઓ વહેવા લાગી અને આ તે જ ધારાઓમાંથી સઘળું તે જ એકઠું થયું. આ તેજનો મોટો પર્વત રચાયો અને તેનાથી ભગવતી આધ્યાશક્તિ શ્રી જગદંબા સ્વરૂપે ઉત્પન્ન થયા તેમાંથી મા અંબિકાએ દર્શન આપ્યા. અંબાજીએ સિંહ પર સવારી કરી. હજારો શસ્ત્ર- અસ્ત્ર ધરેલા આ અદ્દભુત સ્વરૂપે જોઇ દેવતાઓ ખુશ થયા અને દૈત્યો ભયના માર્યા ભાગવા લાગ્યા. દેવતાઓએ વિનંતી સ્વીકારી અને મહિષાસુર સાથે યુદ્ધ આરંભ્યું. અપાર અસુરો, દૈત્યોનો અંબિકા માતાજીએ નાશ કર્યો. આમ દેવી સમક્ષ મહિષાસુરે પ્રાણ છોડયા ત્યારે અંબિકામાતાએ તેની સદ્ગતિ કરી અને ત્યારથી મહિષાસુરના માથાનું પૂજન થાય છે, અને મહિષાસુર મર્દની પણ કહેવાય છે.

અંબિકા માતાજીએ ઇન્દ્રને રાજ્ય પાછું આપ્યું દેવતાઓની સંપત્તિ પરત અપાવી અને દાનવોથી માનવો અને દેવતાઓને ભય મુક્ત કર્યા. એટલે મા જગદંબાની લોકો સ્તુતિ કરવા લાગ્યા. આમ બ્રહ્મક્ષેત્રે(ખેડબ્રહ્મા)માં અંબાજી માતાજીનું મંદિર પવિત્ર અને પાવનકારી ધામ બની રહ્યું, જે હાલમાં ભવ્ય અને વિશાળ બની આપણી નજર સમક્ષ યાત્રા ધામને નિહાળી રહ્યા છીએ.

આમ, દેવતાઓની પ્રાર્થનાથી પવિત્ર બ્રહ્મક્ષેત્રમાં અંબિકાએ નિવાસ કર્યો. માતા અંબિકાના દર્શન જેવી દ્રષ્ટિથી કરીએ તેવા સ્વરૂપે દર્શન આપે છે. અને સઘળી મનોકામનાપૂર્ણ કરે છે.

મંદિરમાં દર્શનનો સમય

સવારની આરતી સમય : ૭: ૧૫ વાગે

સાંજની આરતીનો સમય : ૭ વાગે

કેવી રીતે જશો?

આબુ- અંબાજી જતી બસ જે હિંમતનગર થઇને જાય તે બસ દ્વારા તમે સાબરકાંઠામાં આવેલા ખેડબ્રહ્મા નગરે જઇ શકો છો. અમદાવાદથી ૧૨૨ કિ.મી., હિંમતનગરથી ૫૨ કિ.મી. અને અંબાજીથી ૫૦ કિ.મી.નું અંતર થાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન