AMC's new play, 2600 multi-storey buildings start checking, it takes 2 years to check!
  • Home
  • Ahmedabad
  • AMCનું નવું નાટક, 2600 બહુમાળી ઇમારતોનું ચેકિંગ શરૂ, તમામ ચેક કરતા 2 વર્ષ લાગે

AMCનું નવું નાટક, 2600 બહુમાળી ઇમારતોનું ચેકિંગ શરૂ, તમામ ચેક કરતા 2 વર્ષ લાગે

 | 7:55 am IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્થિતિ ‘આગ લાગે એટલે કૂવો ખોદવા બેસે’ તેવી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અમદાવાદ મ્યુનિ.એ શહેરભરની બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરી છે જેમાં દૈનિક ચારથી પાંચ ઇમારતોમાં ચકાસણી થાય છે પછી ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થતો હોય તો નોટિસ આપવાનું નાટક કરાય છે પણ જાણકારો કહે છે કે, અમદાવાદ મ્યુનિ.નું ફાયર બ્રિગેડ ખાતુ જે ગતિથી કામ કરી રહ્યું છે તે જોતા તો શહેરની તમામ બહુમાળી ઇમારતોની ફાયર સેફ્ટીની ચકાસણી કરતાં બે વર્ષ જેટલો સમય લાગી જશે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો, ૩૦ મીટર કે ૩૦ મીટરથી વધુ ઊંચાઇ ધરાવતી બહુમાળી ઇમારતોની સંખ્યા ૨૬૦૦ કરતાં વધુ છે. જે પૈકી ૮૦૦ બહુમાળી ઇમારતો કોર્મર્શીયલ પ્રકારની છે જ્યારે ૧૮૦૦ જેટલી બિલ્ડીંગો રહેણાંક કે પછી મિક્ષ હેતુના પ્રકારની છે. મોટાભાગની બહુમાળી ઇમારતોને ફાયર સેફ્ટી સિસ્ટમ ફીટ કર્યા બાદ જ ફાયર એનઓસી અપાય છે પછી દર વર્ષે તમામ ઇમારતોએ ફાયર એનઓસી મેળવવાનું હોય છે

જોકે, મોટાભાગની ઇમારતો દ્વારા નિયમિત ફાયર એનઓસી મેળવવામાં આવતુ નથી. જાણકારો કહે છે કે, બિલ્ડરો માટે ફાયર સેફ્ટી માત્રને માત્ર બીયુ પરમીશન મેળવવા પુરતી સિમિત થઇ ચૂકી છે. જાહેર સલામતીનો મુદ્દો અસ્થાને થઇ ચૂક્યો છે જેના માટે મહંદઅંશે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્રની બેદરકારી જવાબદાર છે. મોટાભાગની બહુમાળી ઇમારતોમાં બીયુ પરમીશન મેળવ્યા બાદ ફાયર સેફ્ટીના નિયમોનો ધજાગરાં ઉડાડવામાં આવે છે.

મોટાભાગના કિસ્સામાં કોર્મર્શીયલ પ્રકારની બહુમાળી ઇમારતોમાં વેન્ટિલેશનની વ્યવસ્થાનો છેદ ઉડાડી ગેરકાયદે દબાણ કરાય છે એટલે કે, ગેલેરીનો ભાગ જે ખુલ્લો હોય છે જે કોર્ડન કરી લેવાય છે. ઓફિસ કે દુકાનોને મોટી કરી દેવાઇ છે. લિફ્ટ આગળ પણ શટરો મારી દેવાય છે. ઇમરજન્સી ડોર બંધ રખાય છે. કોર્મર્શીયલ ઇમારતોમાં ફાયરના વાહનો આવી શકે તે જગ્યા ઉપર પણ દબાણો કરી દેવાય છે જેથી આગ લાગે ત્યારે મોટી જાનહાનિના પ્રશ્નો સર્જાય છે.

એકવાર બીયુ પરમીશન મળ્યાં બાદ બિલ્ડીંગમાં કોઇપણ પ્રકારના ફેરફાર કે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લઘંન થતું હોય તેની સામે કાર્યવાહી કરવાને બદલે મ્યુનિ. તંત્ર આંખ આડા કાન કરે છે.

ફાયર સેફ્ટી સૌથી અગત્યની પણ તંત્રને અમલવારી કરવામાં કોઈ જ રસ નથી

બહુમાળી ઇમારત કે પછી કોઇપણ ઇમારતમાં ફાયર સેફ્ટી સૌથી મહત્ત્વની મનાય છે પણ તંત્રને અમલવારીમાં જરાય રસ નથી. એકવાર ફાયર સેફ્ટીના સાધનો ફીટ થઇ જાય પછી તેનું નિયમિત સરપ્રાઇઝ ઇન્સપેક્શન કરવા માટેનું કોઇ મેકનિઝમ નથી. જો ફાયર એનઓસી મેળવવામાં ઇમારત સંચાલકો વિલંબ કરે તો પેનલ્ટીની કડક જોગવાઇ નથી.

એકવાર બીયુ પરમીશન મળ્યા બાદ ફાયરના નિયમો નેવે મૂકી વધારાનું દબાણ કે બાંધકામ થાય તો તેવા કિસ્સામાં અધિકારીઓની જવાબદારી પણ નક્કી નથી જેથી કોઇને અમલવારીમાં જરાય રસ પડતો નથી. મ્યુનિ. તંત્રમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઇમરજન્સીને પહોંચી વળવા કામ કરે કે પછી ફાયર ઇક્વીપમેન્ટ ચેક કરવાનું કામ કરે ?

ગંભીર આગના બનાવો બને તો મ્યુનિ.ને પોતાની જવાબદારી યાદ આવે ?

થોડા મહિના પહેલાં મુંબઇના એક રેસ્ટોરેન્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોના જીવ ગયા હતા તો મ્યુનિ. તંત્રને કાચા શેડમાં ચાલતા રેસ્ટોરેન્ટ યાદ આવ્યા હતા તાકીદે કાર્યવાહી કરી નોટિસો આપી હતી. હવે ફરી એસજી હાઇવે ઉપર ફાયર સેફ્ટી વિના લાકડા કે કાચા શેડ જેવા રેસ્ટોરેન્ટ કે ખાણીપીણી બજાર ધમધમતા થઇ ચૂક્યા છે.

આ પહેલાં નારણપુરામાં આગ લાગી હતી જ્યાં દુકાનમાં રહેતાં પરિવારના સભ્યો મોતને ભેટયા હતા તો મ્યુનિ.એ દુકાનોમાં જ્વલનશીલ પ્રદાર્થ કે રખાતાં ગેસના બાટલાના મુદ્દે ચકાસણી કરી હતી. જ્યારે કોઇનો જીવ જાય ત્યારે મ્યુનિ.ને પોતાની જવાબદારી યાદ આવે છે. હવે દેવઓરમ બિલ્ડીંગમાં આગ લાગી એટલે બહુમાળી ઇમારતોની ચકાસણી યાદ આવી છે. જે કામ નિયમિત તંત્રએ કરવાનું છે તે કોઇનો જીવ જાય પછી તંત્રને યાદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન