અમેરિકા ૨૦૦ અબજ ડોલરની ચીની આયાત ઉપર ૧૦ ટકા જકાત લાદશે - Sandesh
  • Home
  • Newspaper
  • અમેરિકા ૨૦૦ અબજ ડોલરની ચીની આયાત ઉપર ૧૦ ટકા જકાત લાદશે

અમેરિકા ૨૦૦ અબજ ડોલરની ચીની આયાત ઉપર ૧૦ ટકા જકાત લાદશે

 | 4:28 am IST

વોશિંગ્ટન :

વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્ર વચ્ચેનું વેપારયુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. અમેરિકાએ સપ્ટેમ્બર મહિના સુધીમાં ૨૦૦ અબજ ડોલરની વધુ ચીની આયાતો પર ૧૦ ટકા જકાત લાદવાની જાહેરાત કરી હતી. ગયા સપ્તાહમાં અમેરિકાએ ચીનથી આયાત થતા ૩૪ અબજ ડોલરના સામાન પર ૨૫ ટકા જકાત લાદ્યા બાદ વળતા પ્રહારમાં ચીને તેટલા જ મૂલ્યના અમેરિકી સામાન પર ૨૫ ટકા જકાત લાદી દીધી હતી, તેને પગલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કરવાની ધમકી આપી હતી. જો ટ્રમ્પ વધુ ૨૦૦ અબજ ડોલરના ચીની સામાન પર ૧૦ ટકા જકાત લાદવાની ધમકીને અમલી બનાવશે તો માછલીથી માંડીને રસાયણો, ધાતુઓ અને ટાયર સહિતનાં હજારો ચીની ઉત્પાદનો પર નવા કર લાગુ કરાશે.

યુએસના વેપારપ્રતિનિધિ રોબર્ટે જણાવ્યું હતું કે, વોશિંગ્ટને દબાણપૂર્વક અમેરિકી ટેક્નોલોજીના ટ્રાન્સફર અથવા ચોરી સહિતની ચીનની અન્યાયી વેપારપદ્ધતિઓ દ્વારા અમેરિકી અર્થતંત્રને થઈ રહેલાં નુકસાનને ભરપાઈ કરવા ૫૦ અબજ ડોલરની ચીની આયાતો પર જકાત લાદવાના નિર્ણયને ઉચિત ગણાવવા માટે વોશિંગ્ટને સઘન તપાસ કરી છે. ચીને અમેરિકી ફરિયાદોને ફગાવીને અમેરિકી કંપનીઓને કોઈ નુકસાન થયું હોવાનો સ્વીકાર કરવાને બદલે કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદાકીય આધાર વિના અમેરિકી આયાતો પર જકાત લાદી દીધી હતી.

ચીન સાથેની અમેરિકી વેપારખાધ ૩૭૫ અબજ ડોલર પર પહોંચી હતી

ટ્રમ્પ સતત આરોપ મૂકી રહ્યા છે કે, ચીન અમેરિકી અર્થતંત્રનો લાભ ઉઠાવી રહ્યો છે. ટ્રમ્પ ૪૫૦ અબજ ડોલરની ચીની આયાત પર જકાત લાદવા ઇચ્છે છે. ૨૦૧૭માં ચીન સાથેની અમેરિકી વેપારખાધ ૩૭૫ અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી ગઈ હતી, જેને કારણે અમેરિકામાં વેપારનીતિ પ્રત્યે ઘણો રોષ પેદા થયો હતો

કઈ ચીની આયાત પર ૧૦ ટકા જકાત લદાશે?

ફ્રોઝન માંસ, જીવતી અને તાજી માછલી તથા સીફૂડ, માખણ, ડુંગળી, લસણ અને અન્ય શાકભાજી, ફળફળાદિ, રસાયણો, ટાયર, ચામડું, કાપડ, લાકડું અને કાગળ.

બદલાની ભાવનાથી લાદવામાં આવતી આયાતજકાત અમેરિકા અને ચીનના વેપારનો વિનાશ વેરશે : ચીન

ચીને બુધવારે જણાવ્યું હતું કે, બદલાની ભાવનાથી લદાતી આયાતજકાત અમેરિકા અને ચીનના વેપારનો વિનાશ વેરશે. ચીનના સહાયક વેપારમંત્રી લી ચેંગગેંગે જણાવ્યું હતું કે, મોટાપાયા પર આયાતજકાત લાદવાથી ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર બંધ થઈ જશે. અમેરિકાની નીતિ આર્થિક વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન કરી રહી છે. લીએ જણાવ્યું હતું કે, અત્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં અંધાધૂંધી પ્રવર્તી રહી છે. બંને દેશની કંપનીઓને ખોટ સહન કરવી પડશે. આ વેપારયુદ્ધમાં કોઈ જીતી શકવાનું નથી. ચીન અને અમેરિકા વચ્ચે સહકાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમેરિકા વેપારસંઘર્ષ વકરાવી રહ્યો છે. આ વેપારયુદ્ધની નકારાત્મક અસરો દેખાવા લાગી છે.