અમેરિકા દગાબાજ છે, તેની સાથેનું જોડાણ પૂરું થયું : પાક. - Sandesh
  • Home
  • World
  • અમેરિકા દગાબાજ છે, તેની સાથેનું જોડાણ પૂરું થયું : પાક.

અમેરિકા દગાબાજ છે, તેની સાથેનું જોડાણ પૂરું થયું : પાક.

 | 9:50 am IST

અમેરિકાએ પાકિસ્તાનને તેના તરફથી આપવામાં આવતી સહાય બંધ કર્યા પછી પાક. નેતાગીરી તરફથી સતત નિવેદનો થઈ રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે, ‘અમેરિકા સાથેનું પાકિસ્તાનનું જોડાણ પૂરું થઈ ચૂક્યું છે. અમેરિકા માટે હવે પાકિસ્તાન કોઈપણ પ્રકારની કુરબાની આપવા તૈયાર નથી.’ ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગયા સપ્તાહે પાકિસ્તાનને આપવામાં આવતી ૭ હજાર કરોડ રૂપિયાની લશ્કરી સહાય અટકાવી દીધી હતી. પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે વોલસ્ટ્રીટ જનરલને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે, ‘અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સહાય અટકાવી તે દિવસે જ બંને દેશ વચ્ચેનાં જોડાણ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. સચ્ચાઈ એ છે કે અમેરિકા અમારા માટે એવો મિત્ર સાબિત થયો છે કે જેણે હંમેશાં દગો જ આપ્યો હોય.

અમેરિકી સૈન્યનો પુરવઠો રોકી શકે છે પાક.

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસતાં પાકિસ્તાન ફરી અમેરિકાને બ્લેકમેલ કરી શકે છે. અટકળો થઈ રહી છે કે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનમાં તહેનાત અમેરિકી સૈન્યને પહોંચતો પુરવઠો અટકાવી શકે છે. વર્ષ ૨૦૧૧માં ઓસામા બિન લાદેનનાં મૃત્યુ પછી પણ પાકિસ્તાન આમ કરી ચૂક્યો છે. જોકે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન આવું કોઈ પગલું લેશે તો પણ અમેરિકા પાસે અનેક વિકલ્પ ઉપલબ્ધ છે.

પાક. પર ચીન મારફત દબાણ લવાશે : ટ્રમ્પ

સહાય અટકાવ્યા પછી અમેરિકા હવે એમ કહી રહ્યો છે કે અમેરિકાની જેમ જ ચીન પણ પાકિસ્તાનમાં પ્રવર્તી રહેલી ત્રાસવાદી સમસ્યાના મુદ્દે ચિંતિત છે. ત્રાસવાદી નેટવર્ક પર ત્રાટકવામાં પાકિસ્તાનની પોતાની ભલાઈ છે એ વાત પાકિસ્તાનને ગળે ઉતારવા અમેરિકા ચીનની મદદ પણ લઈ શકે છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન સહિત સમગ્ર પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે પાકિસ્તાનમાં આશરો લઇને રહેતા ત્રાસવાદીઓનું નેટવર્ક ખતમ કરવા અમેરિકા પ્રતિબદ્ધ છે.