અમેરિકામાં સાંસદ પ્રધાન બની શક્તા નથી - Sandesh
  • Home
  • Columnist
  • અમેરિકામાં સાંસદ પ્રધાન બની શક્તા નથી

અમેરિકામાં સાંસદ પ્રધાન બની શક્તા નથી

 | 2:46 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

ભારતમાં સંસદીય પ્રકારની બ્રિટિશ પદ્ધતિ પ્રકારની લોકશાહી છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી છે. વિશ્વમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને અદ્યતન અને જનતા તથા રાજ્યોને વધુ અધિકારો આપનારી પ્રણાલી ગણાય છે. ચર્ચા એ છે કે ભારત જેવા વિશાળ દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકતાંત્રિક પ્રણાલી કેમ નહીં?

પ્રમુખશાહી પદ્ધતિ શું છે તે જાણવા જેવું છે. પ્રમુખશાહી પદ્ધતિમાં વહીવટીસત્તા પ્રમુખ ભોગવે છે, પરંતુ કાયદો કરવાની સત્તા તેની પાસે નથી. પ્રમુખશાહી પદ્ધતિમાં સંસદનું અસ્તિત્વ ચાલુ રહે છે. સંસદ કાયદો કરે છે. બજેટ પસાર કરે છે, પરંતુ અમેરિકામાં સાંસદ પ્રધાન થઈ શક્તો નથી. તેથી પ્રમુખ તેને ખરીદી શક્તો નથી. એ જ રીતે સાંસદ વહીવટી સત્તામાં ભાગબટાઈ માંગી શક્તો નથી. આમ પ્રમુખ અને સાંસદોનું અપવિત્ર જોડાણ અશક્ય બને છે.

બીજી ખૂબી એ છે કે પ્રમુખ સંસદનું વિસર્જન કરી શક્તો નથી. સંસદનું સત્ર અમુક સમયગાળા માટે નિિૃત છે, અમેરિકામાં ૨૦૦ વર્ષથી લોકશાહીની પ્રમુખશાહી પદ્ધતિ અમલમાં છે, પરંતુ ત્યાં આજ સુધી સંસદનું વિસર્જન કરવાની ઘટના બની નથી.

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે. તે જાણવા જેવું છે. પ્રમુખપદનો ઉમેદવાર જે તે પક્ષ તરફથી ઉપરથી લાદવામાં આવતો નથી. રાજકીય પક્ષોના ઘટકોમાં ઉમેદવારનું નામ ઉપસી આવે છે. પછી પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય સંમેલનોમાં પક્ષના વિવિધ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે. સમગ્ર કાર્યવાહી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. પ્રમુખપદ માટેના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પારદર્શક છે. તેવી જ રીતે રાજ્યોના વડાઓ, ધારાસભ્યો તથા સંસદ સભ્યોના ઉમેદવારોના નામોની પસંદગી પણ ગુપ્ત મતદાનથી થાય છે. કેટલાક રાજ્યોમાં બીનપક્ષીય સામાન્ય નાગરિકોને પણ ઉમેદવારની પસંદગીની ગુપ્ત મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર હોય છે. ભારતની જેમ જે તે પક્ષના ઉમેદવારોની યાદી દિલ્હીથી નક્કી થઈને આવતી નથી.

સહુથી નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકાની સર્વોચ્ચ અદાલત અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ સામે તેમના કોઈ ગુુન્હા બદલ કામ ચલાવી શકે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ક્લિન્ટન સામે કેસ ચાલ્યો હતો. તેમણે જુબાની પણ આપવી પડી હતી. આખા દેશે એ પ્રક્રિયા નિહાળી હતી.

એવો જ એક પ્રશ્ન છેઃ ‘શું અમેરિકાની સંસદ પ્રમુખને દૂર કરી શકે?’

જવાબ છેઃ ‘હા.’

અમેરિકાની સંસદ બેતૃતિયાંશ બહુમતીથી પ્રમુખને સત્તા પરથી હટાવી શકે છે. આવી જોગવાઈના કારણે ભૂતપૂર્વ પ્રમુખ નિકસનને વિપક્ષના કાર્યાલયમાં જાસૂસી કરાવવા બદલ થયેલી કાર્યવાહી બદલ પ્રમુખપદેથી રાજીનામું આપવું પડયું હતું.

શું અમેરિકામાં પક્ષાંતર થાય છે?

જવાબ છેઃ ‘ના.’

અમેરિકામાં સંસદસભ્યો કે ધારાસભ્યો કાનૂની પ્રતિબંધના કારણે પ્રધાન બની શક્તા નથી. તેથી પક્ષાંતર કરતા નથી. વળી ત્યાં ધારાસભ્ય કે સંસદ સભ્યના ઉમેદવારની પસંદગી નીચેથી થાય છે. આપણા દેશમાં ધારાસભ્ય કે સંસદ માટેના ઉમેદવારની પસંદગી જ્ઞાાતિવાદ કે જાતિવાદના ધોરણે થાય છે. તેથી પક્ષાંતર કરવાથી જ્ઞાાતિમાં તેનું સ્થાન પૂરતું નથી.

અમેરિકામાં ધારાસભ્યો કે સંસદોને મતદાન કરવાની બાબતમાં ઉપરથી વ્હીપ આપવામાં આવતો નથી. અમેરિકામાં સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સભ્યો પ્રમુખના કાનૂની ખરડાની વિરુદ્ધ પણ મતદાન કરી શકે છે અને કરે પણ છે. પોતાના જ પક્ષના પ્રમુખે રજૂ કરેલો કાનૂની ખરડો તેમના મતદારોના હિતની વિરુદ્ધ લાગે તો તેઓ પોતાના જ પ્રમુખના ખરડાની વિરુદ્ધ મતદાન કરી શકે છે અને તેમ કરવા બદલ તેમની સામે કોઈ પગલાં લઈ શકાતાં નથી. આ પ્રણાલીનો ફાયદો એ છે કે, અમેરિકાનાં પ્રમુખ મરજી પડે તેવા મનસ્વી કાયદા પસાર કરાવી શક્તો નથી.

પ્રમુખશાહી પદ્ધતિમાં ન્યાયતંત્રની ભૂમિકા સ્વતંત્ર છે ખરી?

જવાબ છેઃ ‘હા. અમેરિકામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સરકાર કરતી નથી. અમેરિકાના બંધારણ પ્રમાણે પ્રમુખે ૧૦૦ સભ્યોની ચૂંટાયેલી સેનેટ સમક્ષ ન્યાયાધીશોના નામોની પેનલ રજૂ કરવી પડે છે. સેનેટ આ પેનલની ઝીણવટભરી ચકાસણી કરે છે. ટેલિવિઝન પર આ કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. પેનલમાં મૂકાયેલાં વિવાદાસ્પદ, શંકાસ્પદ કે અણગમતાં નામો સેનેટ રદ કરે છે અને યોગ્ય નામોને મંજૂરી આપે છે. ન્યાયાધીશની પસંદગી કરવાની સત્તા સેનેટ પાસે છે. એ જ રીતે એટર્ની જનરલની નિમણૂકને પણ અમેરિકન સેનેટ જ બહાલી આપે છે. વિદેશમાં એલચીઓની નિમણૂક માટે પણ પ્રમુખે સેનેટ સમક્ષ જ જવું પડે છે અને સેનેટની મંજૂરી બાદ જ રાજદૂતોની નિમણૂક થાય છે.’

અમેરિકાની જેમ ફ્રાંસ અને જર્મનીએ પણ સંસદીય પદ્ધતિનો ત્યાગ કરી પ્રમુખશાહી પદ્ધતિ અપનાવી છે. ઈતિહાસ એવો છે કે ફ્રાંસમાં દાયકાઓ સુધી કોઈપણ પક્ષને બહુમતી ન મળતાં વારંવાર મિશ્ર સરકારો અસ્તિવમાં આવી અને તેમની ટર્મ પૂરી કરે તે પહેલાં જ વિસર્જીત થઈ ગઈ. આવી અસ્થિરતાના કારણે ફ્રાંસ બીજા વિશ્વ યુદ્ધમાં હિટલર સામે હારી ગયું. આવી રાજકીય અસ્થિરતા ટાળવા માટે ફ્રાંસમાં પ્રમુખશાહી પદ્ધતિ લાવવી પડી. જર્મનીમાં સંસદીય પદ્ધતિનો દૂરુપયોગ કરીને જ હિટલરે સરમુખત્યારશાહી સ્થાપી હતી. તેનું પુનરાવર્તન ન થાય તે માટે જ જર્મનીમાં પણ પ્રમુખશાહી પદ્ધતિ લાવવામાં આવી. લોકશાહીને જીવંત રાખવા માટે ત્યાં રાજકીય પક્ષો માટે પણ કાયદા કરવામાં આવ્યા છે. અમેરિકા, ફ્રાંસ અને જર્મનીમાં આંતરિક લોકશાહી પણ મજબૂત છે. અમેરિકામાં રાજકીય પક્ષો પણ આંતરિક મતદાનથી હોદેદારોની ચૂંટણી કરે છે અને ઉમેદવારોની પસંદગી પણ આંતરિક મતદાનથી થાય છે.

ભારતમાં સંસદીય લોકશાહી પદ્ધતિના બદલે પ્રમુખશાહી પદ્ધતિ લાવવી હોય તો બંધારણ બદલવું પડે. સંસદની બેતૃતિયાંશ બહુમતીથી બંધારણ બદલી શકાય, પરંતુ જ્ઞાાતિવાદ પર આધારિત મોટાભાગના રાજકીય પક્ષોને બંધારણ બદલવામાં રસ નથી. કારણ કે મોટાભાગના ધારાસભ્યો કે સંસદ સભ્યો જ્ઞાાતિવાદની ભૂમિકા પર ચૂંટાય છે.

www.devendrapatel.in