અમેરિકા પર વિન્ટર સ્ટોર્મનો કેર, છનાં મૃત્યુ, ભારે પૂરની ચેતવણી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમેરિકા પર વિન્ટર સ્ટોર્મનો કેર, છનાં મૃત્યુ, ભારે પૂરની ચેતવણી

અમેરિકા પર વિન્ટર સ્ટોર્મનો કેર, છનાં મૃત્યુ, ભારે પૂરની ચેતવણી

 | 1:47 am IST

વોશિંગ્ટન,તા.૩

અમેરિકાના પૂર્વ સાગરકાંઠા વિસ્તારમાં શુક્રવારે શક્તિશાળી વિન્ટર સ્ટોર્મ ત્રાટકતાં સુસવાટા મારતા પવનો વચ્ચે ભારે વરસાદ થતાં હજારો ઉડ્ડયન રદ થયાં હતાં અને વોશિંગ્ટન ખાતે ફેડરલ સરકારનાં કાર્યાલયો પણ બંધ રાખવાની ફરજ પડી હતી. વાવાઝોડાને પગલે ન્યૂ જર્સીથી મેસેચ્યુએટ્સ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પૂર આવવાની ચેતવણી આપવામાં આવી હતી. વિન્ટર સ્ટોર્મ પુર્વ કાંઠા વિસ્તારમાં બે બાળક સહિત છ વ્યક્તિનો ભોગ લઈ ચૂક્યું છે.

વિન્ટર સ્ટોર્મને પગલે ન્યૂયોર્ક સ્ટેટના કેટલાક વિસ્તારમાં એક ફૂટ જેટલો બરફ વરસ્યો હતો. કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડયો હતો. શુક્રવારે ૩,૦૦૦ જેટલી ફ્લાઇટ રદ થઈ હતી તો ૨,૪૦૦થી વધુ ફ્લાઇટની ઉડાનમાં વિલંબ સર્જાયો હતો. વોશિંગ્ટન આસપાસના વિસ્તારની શાળાઓને બંધ રાખવામાં આવી છે. વિન્ટર સ્ટોર્મને કારણે ૧૭ લાખ ઘર અને કાર્યાલયોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો. બોસ્ટનના કાંઠા વિસ્તારમાં શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં. કાંઠા વિસ્તારના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. ૭૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મેસેચ્યુએટ્સ અને રોડ દ્વીપ ખાતે તો ૧૩૪ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. બોસ્ટનમાં સમુદ્ર કિનારે પાણી ભરાઈ ગયાં હતાં. વિસ્તારમાં પ્રતિ કલાક ૧૧૩ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં વીજપૂરવઠો ખોરવાયો છે. ર્વિજનિયાના રાજ્યપાલે કટોકટી જાહેર કરી દીધી હતી.

બ્રિટન બરફવર્ષા, પૂર અને ધુમ્મસથી ઘેરાયો 

એમા અને બિસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ વાવાઝાડાએ બ્રિટનમાં જીવન વ્યવહાર ખોરવી નાખ્યો છે. બરફ ઓગળતાં ભારે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે અને ૫૩ વિસ્તારોમાં પૂરસંકટની ચેતવણી આપવામાં આવી છે. લોકોને અગત્યનાં કામ વગર ડ્રાઈવ ના કરવા સૂચના પણ અપાઈ છે. રેલવે વ્યવહાર પુનઃ ચાલુ કરવા રેલવે તંત્ર સક્રીય છે. વાવાઝોડા અને વરસાદના સંજોગોમાં દેશમાં સેંકડો રેલવે સેવા રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડમાં હજી પણ પાંચ સે.મી. બરફવર્ષા થવાની આગાહી છે.

;