અમેરિકા કહે છે 'કન્ટ્રી ફર્સ્ટ', ઈન્ડિયા કહે છે 'પાર્ટી ફર્સ્ટ!'  - Sandesh
  • Home
  • Columnist
  • અમેરિકા કહે છે ‘કન્ટ્રી ફર્સ્ટ’, ઈન્ડિયા કહે છે ‘પાર્ટી ફર્સ્ટ!’ 

અમેરિકા કહે છે ‘કન્ટ્રી ફર્સ્ટ’, ઈન્ડિયા કહે છે ‘પાર્ટી ફર્સ્ટ!’ 

 | 1:28 am IST

રિવરફ્રન્ટની પાળેથી : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

‘ઇસ દેશ મેં તીન તરહ કે લોગ રહતે હૈ. એક, ખૂન-પસીના બહાને વાલે, દૂસરે, પસીના બહાને વાલે, તીસરે, ખૂન બહાને વાલે, ખૂન-પસીનેવાલા રિક્ષા ચલાતા હૈ, પસીનેવાલા ઘર ચલાતા હૈ ઔર ખૂન બહાનેવાલા દેશ ચલાતા હૈ. રિક્ષેવાલા મજદૂર હોતા હૈ, ઘરવાલા મજબૂર હોતા હૈ ઔર દેશ ચલાને વાલા મશહૂર હોતા હૈ.’ મિત્રો, આવું અમે નથી કહેતા પણ ૨૦૧૫માં પોતાના પ્રગટ થયેલાં વ્યંગકાવ્ય પુસ્તકમાં હિન્દી વ્યંગકવિ પ્રદીપ ચૌબેજી કહે છે! દેશને અને દેશની પ્રાચીન રાજનીતિને ઓળખવાનો અને સમજવાનો દાવો, આજકાલ કોણ નથી કરતું? પછી એ પત્રકાર હોય, લેખક કે કવિ હોય, ડોક્ટર હોય કે પછી લારી ચલાવનાર સાચો આમ આદમી હોય! દરેક જણ પોતપોતાની જરૂર મુજબ, પોતપોતાનાં પ્લાનિંગ મુજબ અને પોતપોતાની ઉપયોગિતા મુજબ દેશની રાજનીતિ અને ઇતિહાસને પચાવ્યો હોવાનો એકાધિકાર પોતાની જ પાસે છે એનું ગૌરવ ધરાવે છે. આ સંદર્ભે કેટલાક રાજનેતાઓને ખૂબ જ ઊંચું જ્ઞા।ન હોય છે! રાજનેતા કોઈપણ પાર્ટીનો હોય, પાર્ટીની રાજનીતિને જ કેન્દ્રમાં રાખી દેશની સંસ્કૃતિનો પરિચય આપવામાં ગર્વ અનુભવે છે. વૈચારિક ઉદારતા બતાવવામાં તો સાહેબ, આપણા નેતાઓ દુનિયાના સર્વ નેતાઓમાં નંબર વન છે! પોતાની ‘પેઢી’નાં અસ્તિત્વ માટે આવનારી પેઢીનો ઉપયોગ કેવી રીતે કરવો એનું ચિંતન-મનન કરવું એ પણ એક દેશસેવા અને સમાજસેવા છે એવું સમજી નાના-મોટા સૌ નેતાઓ વારતહેવારે ચિંતન સેમિનાર, ચિંતનસત્ર કે ચિંતનશિબિરોનું પ્રજાના પૈસે ભવ્યાતિવ્ય આયોજન કરતા રહે છે. પ્રજાના પૈસે એટલા માટે કે, પ્રજાને એવું નહીં લાગવું જોઈએ કે આવાં જ્ઞાનસત્રોમાં અમારો કોઈ સહયોગ નથી! કોઈના વિશિષ્ટ ઉપયોગમાં આવવું એ પણ પરમાર્થની દૃષ્ટિએ સહયોગ જ કહેવાય એવું વરસો પહેલાં એક અર્ધકાલીન અધ્યાત્મનેતાએ પોતાનાં ચૂંટણીપ્રવચનમાં કહેલું!

અમેરિકાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને કહેલું : Don’t ask what your country has done for you. Ask,what have you done for your country. એ સમયની અમેરિકન રાજનીતિ આજે પણ અમેરિકામાં એટલી જ બરકરાર છે. અમે કોઈની સાથે કોઈની તુલના કરવા નથી માગતા, કેમ કે, અમને એટલી તો ખબર છે કે કોઈની સાથે આપણી તુલના કરવાથી આપણને દુઃખ થાય છે! પણ આપણામાં અને અન્યમાં કેટલો તફાવત છે એ જાણવાથી આપણને કહેવાતું સુખ જરૂર મળે છે! અમેરિકન રાજનીતિ અને ઈન્ડિયન રાજનીતિમાં આમ જોઈએ તો ઘણો તફાવત છે પણ તેમ જોઈએ તો મુખ્ય એક જ તફાવત છે કે, અમેરિકન નેતાઓ ‘અમેરિકા ફર્સ્ટ’ માં માને છે, જ્યારે આપણા નેતાઓ ‘પાર્ટી ફર્સ્ટ’માં માને છે! સવાલ એ નથી કે Who first? સવાલ એ છે કે Why first? આપણા કેટલાક પાર્ટીલવર્સ નેતાઓ અબ્રાહમ લિંકનની વાતને રદિયો નથી આપતા પણ એમાં પોતાની દૃષ્ટિનો કયો કોણ ફિટ થાય છે એવું સમજીવિચારી, લિંકનની વાતને આ રીતે રજૂ કરે છે કે, Don’t ask What your party has done for you, aks what have you done for your party? વાત તદ્દન સાચી છે સાહેબ, પાર્ટી મજબૂત હશે તો શાસન મજબૂત હશે અને શાસન મજબૂત હશે તો દેશ મજબૂત થશે! દેશની મજબુતાઈનો આધાર પાર્ટીની મજબુતાઈ પર છે!

‘વસુધૈવ કુટુંબકમ્’ની ફિલોસોફી સમજાવનારા નેતાઓની આપણે ત્યાં ખોટ નથી. નેતા કોઈપણ પાર્ટીનો હોય ‘વસુધૈવ કુટુંબકમ્’નો નવાક્ષરમંત્ર એને હોઠવગો હોય છે. સમગ્ર ધરાને-પૃથ્વીને પોતાનું કુટુંબ માનનાર નેતા જરૂર પડે ત્યારે દેશના કે રાજ્યના ટુકડા કરવામાં સહેજ પણ પાછીપાની કરતો નથી. કશુંક અખંડ રાખવા માટે કશુંક ખંડિત કરવું પડે તો પણ એ વસુધૈવ કુટુંબકમ્ની જ ભાવના છે એમ સમજી-સમજાવી સમાજસેવા કરવાની રાજનીતિની આજે બોલબાલા છે. કેટલાકને આમાં એ નેતાઓનો સંકુચિત સ્વાર્થ દેખાશે પણ એવું નથી. ખરેખર તો એમાં પરમાર્થ સમાયેલો છે. પાર્ટીને અખંડ રાખવા માટે, દેશ કે રાજ્યને ક્યાંક ક્યાંકથી ખંડિત કરવામાં કશુંય ખોટું નથી એવું માનનારો મોટાભાગનો નેતાવર્ગ પોતાને દેશસેવક અને રાષ્ટ્રભક્ત માને એમાં જનતાને સહેજપણ વાંધો નથી એવું મોડર્ન જનતાની વૈચારિક ઉદારતા(કેટલાક આને વૈચારિક ઉદાસીનતા કહે છે, એના) પરથી લાગે છે.

નાનપણમાં સાંભળેલું કે ભૂગોળનો પ્રભાવ ઇતિહાસ પર અને રાજકારણ પર પડતો હોય છે. આજથી બસો-અઢીસો વર્ષ પહેલાં ભારતીય ભૌગોલિક વિસ્તારઔઇતિહાસમાં ભારતવર્ષ તરીકે ઓળખાતો. આઝાદી પછીનો ભારતીય ભૌગોલિક વિસ્તાર, ઇતિહાસમાં હવે માત્ર ભારત તરીકે ઓળખાય છે. ‘ભારતવર્ષ’માંથી ‘ભારત’! આનો અર્થ એ થયો કે આપણે કરકસરમાં પહેલેથી માનીએ છીએ! ભૂગોળનો પ્રભાવ માત્ર ઇતિહાસ પર જ નહીં, રાજકારણ પર પણ પડે છે. જેવો ભૌગોલિક વિસ્તાર એવો રાજકારણીઓનો ચૂંટણીવ્યૂહ અને ચૂંટણીપ્રચાર! ચૂંટણી ભલે આખા દેશ માટે એકસમાન હોય પણ એના આશીર્વાદ પ્રદેશે પ્રદેશે. જાતિએ-જાતિએ અને સમાજે-સમાજે ભિન્ન ભિન્ન હોય છે. દેશની વાત જવાદો સાહેબ, સત્તાને અખંડ રાખવી હોય તો દેશમાં ભાષાની ભિન્નતા, જાતિ-જ્ઞા।તિની ભિન્નતા, વર્ણ-વર્ગની ભિન્નતા અને સૌથી મોટી ભિન્નતા તો ધર્મ-ધર્મની વચ્ચે હોવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, કેમ કે આવી જાતજાતની ભિન્નતા વગર સત્તાનું સૌભાગ્ય અખંડ રાખવું શક્ય નથી, આમ છતાં ‘વસુધૈવ કુટુંબકમ્’નો મંત્ર તો એનો એ જ રહ્યો પણ એનો અર્થ આજે બદલાઈ ગયો. આજે લોકો એવું અનુભવતાં થઈ ગયાં કે ખરેખર ‘વસુધૈવ કુટુંબ’કમ’ થતાં ગયાં! કુટુંબ માત્ર વ્યક્તિમૂલક જ હોય એવું ન હોય સાહેબ, એ રાજ્યમૂલક પણ હોય!

સરદાર વલ્લભભાઈ પટેલે નાનાં નાનાં રજવાડાંને એક કરી દેશને અખંડ બનાવ્યો, કેમ કે એ દેશપ્રેમી હતા, સત્તાપ્રેમી નહીં. આજના સત્તાપ્રિય નેતાઓએ એક રાજ્યમાંથી ટુકડા કરી બબ્બે રજવાડાં ફરી પાછાં ઊભા કરી દીધાં! રાજ્યો’માં’ વિકાસ થવાને બદલે રાજ્યો’નો’ વિકાસ થવા માંડયો! ખરેખર સત્યની જેમ વિકાસ પણ સાપેક્ષ છે એ જ્ઞાન દેશના નાગરિકોએ આઝાદીકાળથી મેળવી લીધું છે. પૂરી વસુધાને કુટુંબ માનનારા નેતાઓએ જનતાનાં કુટુંબ પૂરતીય વસુધાને હવે રહેવા દીધી નથી. પોતાની સિન્થેટિક ભાવુકતા અને શબ્દોની રંગોળી પૂરેલાં સૂત્રોનો બેફામ ઉપયોગ કરીને નેતાઓ જનતાની લાગણીને બેહદપણે બહેકાવતા રહ્યા અને પોતાનાં એકાઉન્ટમાં મતોનું બેલેન્સ છલકાવતા રહ્યા. કેટલાક ભક્તો તો આને પણ દેશભક્તિનું જ નામ આપતા હોય છે!

હવે નજીકના સમયમાં જ લોકસભાનું ચૂંટણી ચોમાસું શરૂ થઈ રહ્યું છે. સત્તાધારી અને સત્તાહારી-બંને પાર્ટીઓ જનતાને સુખી કરવા માટેનાં એક એકથી ચડિયાતાં વચનો અને એકબીજાને ઉતારી પાડતાં પ્રવચનોનો ધોધમાર વરસાદ વરસાવવાનું શરૂ કરી દેશે. એક પાર્ટી બે રૂપિયે એક કિલો ઘઉં આપવાની વાત કરશે તો બીજી પાર્ટી પાંચ રૂપિયામાં ભરપેટ જમવાની ડિશ આપવાની વાત કરશે. એક પાર્ટી એફોર્ડેબલ મકાનો આપવાની વાત કરશે, તો બીજી પાર્ટી કમ્ફર્ટેબલ લાઇફસ્ટાઇલની વાત કરશે. એક પાર્ટી બેકારી દૂર કરવાની વાત કરશે તો બીજી પાર્ટી ખેડૂતોના, નોકરિયાતોનાં અને આમ આદમીનાં દેવાં માફ કરવાની વાત કરશે. શક્ય હશે તો ‘દેવાં માફ મંત્રાલય’ નામે નવું ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરશે! સારું છે કે હજુ સુધી કોઈ પોલિટિકલ પાર્ટીએ એવી કોઈ લાલચ આપી નથી કે જો અમારી પાર્ટીની સરકાર બનશે તો અમે પોતે જ જનતાને બ્રશ કરાવી દઈશું, અમે જ એને સ્નાન કરાવી દઈશું (વાત ‘નવડાવવા’ની છે!) અને અમે જ એને કપડાંલત્તાં પહેરાવીને તૈયાર કરી દઈશું. લોકોને નાની અમથીય મહેનત કરવી પડે એવું એક પણ કામ અમારી સરકાર જનતાને કરવા દેશે નહીં, કેમ કે અમે જનતાને જનાર્દન માનીએ છીએ! કેટલાક નેતાઓ ચૂંટણી પહેલાં જનતાને જનાર્દન માને છે અને એ જ નેતાઓ ચૂંટણી પછી એ જ જનતાનું શિસ્તનાં નામે ‘જનમર્દન’ શરૂ કરી દેશે! લીલાઓ કરવાનો એકાધિકાર ભગવાનનો જ હોય એ માન્યતાને, આપણા સવાયા ભગવાન બની બેઠેલા આજના નેતાઓએ અલૌકિક રાજલીલાઓ કરીને ખોટી પાડી છે! જ્યાંસુધી માનસિક ગુલામીનો ભોગ બનેલા નેતાભક્તો સમુદાય ગાડરિયા પ્રવાહની જેમ વધતો રહેશે ત્યાં સુધી સત્તાધીશોની સત્તા અખંડ સૌભાગ્યવતી બની રહેશે એમાં સહેજપણ શંકા નથી, આવું અમે નથી કહેતા, કેટલાક સત્તાધીશોનો આવો નશેમન સેલ્ફ કોન્ફિડન્સ છે!

ડાયલટોન :

  • મફત એરટિકિટ અને હોટેલમાં રહેવાની માગ કરવી એ પણ હવે લાંચ ગણાશે : સુપ્રીમ કોર્ટ
  • સૂફિયાણી વાતોનાં પ્રવચન-કર્મકાંડીઓનું હવે શું થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન