અમેરિકાની દાદાગીરીને કયાં સુધી વશ થઈશું? - Sandesh
  • Home
  • Columnist
  • અમેરિકાની દાદાગીરીને કયાં સુધી વશ થઈશું?

અમેરિકાની દાદાગીરીને કયાં સુધી વશ થઈશું?

 | 3:00 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

વર્ષો પહેલાં અંગ્રેજી ભાષામાં એક નવલકથા પ્રગટ થઈ હતીઃ “સેવન સિસ્ટર્સ”

વાત જાણે કે એમ હતી કે ઘણાં વર્ષો પહેલાં અમેરિકામાં એક ખેતરમાં પાણી માટે બોર કરતી વખતે તેમાંથી જવલનશીલ એક પ્રવાહી નીકળ્યું. ખેડૂત ગભરાઈ ગયો. તે ભાગ્યો. દૂર રહેતા એક માણસને આ વાતની ખબર પડતા તે પેલા ખેડૂતના ખેતરમાં ગયો. એ વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ ધરાવતો હતો. એણે એ ખેતર ખરીદી લીધું આસપાસના ખેતરો પણ ખરીદી લીધા. એ માણસને ખ્યાલ આવી ગયો કે ખેતરમાંથી નીકળેલું જવલનશીલ પ્રવાહી આવતી કાલનું ઈંધણ બની શકે છે. એણે કેટલાક પ્રયોગ કરી એ કીચડવાળા પ્રવાહીને શુદ્ધ કર્યું જે બળતણના ઈંધણ તરીકે જાણીતું બન્યું. એ પછી પેટ્રોલ આવ્યું, ડીઝલ આવ્યું, કેરોસીન અને ડામર આવ્યો. પરંતુ બળતણના ઈંધણ પર ઈજારો પ્રસ્થાપિત કરવા એક પછી એક હત્યાઓ થતી ગઈ. એ કંપનીના જ એક માણસે ક્રૂડ પરના ઈજારા અંગે પુસ્તક લખ્યું. “સેવન સિસ્ટર્સ” અમેરિકાની જે સાત પેટ્રોલિયમ કંપનીઓ બની તે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાઈ.

ક્રૂડ એ કુદરતની અણમોલ ભેટ છે ગલ્ફના દેશોના લોકો એક જમાનામાં ભટક્તું જીવન જીવતા હતા, પરંતુ અખાતના દેશોની ધરતીમાંથી ક્રૂડ નીકળ્યા બાદ એ દેશો સુપરરિચ બની ગયા. તે પછી ઈરાક-ઈરાન-કુવૈતમાં જેટલા પણ યુદ્ધ ખેલાયા તે બધાંની ભીતર તેલનું જ રાજકારણ હતું. ઈરાક પર હુમલો કરનાર અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બુશ પણ ક્રૂડના ધંધા સાથે જ સીધા કે આડકતરા સંકળાયેલા હતા.

હવે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાન સામે યુદ્ધે ચડયા છે. ઈરાનના અણુ-પાવરને નિયંત્રિત કરવા તેઓ વિશ્વના દેશો પર દાદાગીરી કરીને કોઈ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદે જ નહીં તે માટે દબાણો લાવી રહ્યા છે. તેહરાનની સાન ઠેકાણે લાવવા તેમણે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવાનું શસ્ત્ર ઉગાડયું છે. એ હવે સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું લક્ષ્ય ઈરાન દ્વારા તેમની નિકાસને સંપૂર્ણ રીતે રોકવા માટે નહીં, પરંતુ તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે.

ઈરાનથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં અડધાથી વધુ હાઈડ્રોકાર્બન એટલે કે પેટ્રોલિયમ પેદાશો જ છે. ઈરાન પ્રતિદિન ૨૦ લાખ બેરલ કાચું તેલ નિકાસ કરે છે. તેથી એ સ્પષ્ટ છે કે આ નિકાસને નિયંત્રિત કરવાથી ઈરાનને ભારે નુકસાન પહોંચી શકે છે. ઈરાન પર આમેય બીજી ઘણી મુશ્કેલીઓ સવાર છે.

આમ થવાથી સાઉદી અરેબિયાને વધુ મહત્ત્વ મળશે. સાઉદી અરેબિયા પહેલાંથી જ અમેરિકાનું સહયોગી રહ્યું છે. વળી તે પશ્ચિમ એશિયાની દબંગ રાજનીતિમાં ઈરાનનું મુખ્ય હરીફ છે. ઈરાન જે ક્રૂડની નિકાસ કરે છે તેમાં તેના મુખ્ય આયાતકારો ચીન અને ભારત છે. આ બંને દેશો ઈરાનથી નિકાસ થતા કુલ તેલમાંથી અડધો અડધ તેલ ખરીદે છે. તેથી ઈરાન પરના આર્થિક પ્રતિબંધો ચીન અને ભારતને સહુથી વધુ પ્રભાવિત કરી શકે છે. ચીનનું તો જે થવાનું હોય તે થાય, પરંતુ ભારતની પરેશાનીઓ વધી શકે છે.

ઈરાનથી ભારત માટે ખરીદવામાં આવતા તેલ પર રોક લાગી જાય તો ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર પડી શકે છે. વળી એવી સંભાવના ઓછી છે કે સાઉદી અરબ અને બીજા દેશો તેમનું તેલ ઉત્પાદન રોજનું ૨૦ લાખ બેરલ સુધી પહોંચાડી શકે. તેથી સાઉદી અરેબિયા તેનાં ઈજારો કાયમ કરવાનો પ્રયાસ કરે તો આવનારા સમયમાં ઈરાન એ તેના સહયોગી દેશો તેનો વિરોધ કરશે અને તેથી તે ક્ષેત્રમાં ભૂ-રાજનૈતિક તનાવ વધી શકે છે. ભારત જેવા દેશો અમેરિકાની આ દાદાગીરી સ્વીકારે અને ઈરાનમાંથી તેલની આયાત બંધ કરે અથવા ઓછી કરે તો ભારતમાં બળતણના તેલની કિંમતમાં અસાધારણ વધારો થઈ શકે છે, જે આજે થઈ રહ્યો છે.

ભારતમાં બળતણનું જે તેલ વપરાય છે તેનો ૮૦ ટકા જથ્થો આયાત કરે છે. હવે જો વૈશ્વિક બજારમાં તેલની તે કિંમતો વધે તો ભારતને તેથી વધુ નુકસાન થઈ શકે છે. ક્રૂડ વિદેશી હૂંડિયામણથી જ ખરીદવામાં આવે છે. આ કારણે પહેલેથી જ દબાણમાં ચાલી રહેલો રૂપિયો ડોલર સામે નબળો પડી શકે છે. તેથી વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ વધી શકે છે. તેની સાથે સાથે તેલ પણ મોંઘુ થાય તો દેશમાં મોંઘવારી પણ વધી શકે છે. એલપીજી અને કેરોસીન પર જે સબસીડી આપવામાં આવે છે. તેની પર અસર પડી શકે છે. આ બધું ઠીકઠાક કરવા માટે સરકાર પર તો પેટ્રોલ-ડીઝલ પર ઉત્પાદન કર અને વેર ઘટાડવા માટે દબાણ આવી શકે છે. દેખીતી રીતે ૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ મુદ્દો એક અગ્નિપરીક્ષાનો હશે.

વાત આટલેથી અટકતી નથી. અમેરિકા હવે ભારત પર બીજા એક વિષયમાં પણ દાદાગીરી કરી દબાણ લાવી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતને રશિયા પાસેથી શસ્ત્રો ના ખરીદવા ભારતને ચેતવણી આપી છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર કહે છે કે, “ભારત જો રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો ભારતને અમેરિકા પાસેથી મળતી વિશેષ રાહત બંધ કરી દેવાશે.

અમેરિકાનું આ વલણ જોતાં કેન્દ્ર સરકારે કોઈ રણનીતિ નક્કી કરવી પડશે. અમેરિકા જો ભારતનું મિત્ર હોય અને ભારત અમેરિકાને મિત્ર સમજતું હોય તો અમેરિકા ઈરાન પરના પ્રતિબંધોમાંથી ભારતને મુક્તિ આપે. તે માટે કયાં તો ભારત સરકારે અમેરિકા પર દબાણ કરવું પડશે અથવા અમેરિકાની દાદાગીરીને વશ થયા વિના ઈરાનમાંથી તેલની આયાત જારી રાખવી જોઈએ.

બીજી મુશ્કેલી એ છે કે ભારત અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ ઈરાનથી તેલની આયાત જારી રાખે છે તો અમેરિકા ભારત માટે બીજી મુશ્કેલીઓ વધારી શકે છે એનું કારણ એ છે કે હવે વિશ્વના તમામ દેશોને તેમની જરૂરિયાતો માટે એક બીજા પર અવલંબન રાખવું પડે છે.

હવે ભારત શું કરી શકે?

સહુથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે ભારત અને ચીન વચ્ચે અનેક સરહદી પ્રશ્નો હોવા છતાં ઈરાનથી કરાતા તેલની આયાત બાબતે ચીન અને ભારત એક બીજાની સાથે રહી આગળ વધે. કાચા તેલની કિંમતો ક્ષેત્રીય નહીં, પરંતુ વૈશ્વિક હોય છે.

ભારત આ બાબતે બીજું પણ એક કામ કરી શકે છે. તેણે બીજી આયાતો ઘટાડીને ભારતીય ચીજવસ્તુઓની નિકાસ વધારવી જોઈશે. એ જ રીતે ઈરાનથી જે ગ્રેડનું તેલ આવે છે તે ગ્રેડના તેલની આયાતો કરવા બીજા વૈકલ્પિક સ્ત્રોત પણ શોધવા પડશે. ભારતે પોતાનું ઘરેલુ તેલ ઉત્પાદન વધારવું પડશે. ઘર આંગણે તેલની જે બરબાદી થાય છે તે રોકવી પડશે. દેશનાં તમામ મુખ્ય શહેરોમાં પહોળા રસ્તા અને ફ્લાય ઓવર્સના અભાવે ટ્રાફિક જામ થાય છે અને રોજ કરોડો રૂપિયાનું તેલ સ્લો-ટ્રાફિકના કારણે વેડફાય છે. સરકારે ટ્રાફિક સુગમ થઈ જાય તે માટે ઈન્ફાસ્ટ્રકચર પર તાકીદે ધ્યાન આપવું પડશે.

ભારતમાં તેલ સંશોધન માટે વર્ષથી ઓઈલ એ નેચરલ ગેસ જેવી સંસ્થાઓ ચલાવે છે. તેમણે અત્યાર સુધી શું કર્યું? દેશની તમામ તેલ કંપનીઓએ પણ તેની કાર્યપ્રણાલી સુધારવી પડશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધો મૂકીને પેટ્રોલિયમ બજારની પેટ્રોલિયમ બજારની અસ્થિરતા વધારી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોના એચ-૧ વીઝા પર પણ અનેક પ્રતિબંધો લાદયા છે. અમેરિકા અને ભારત બેઉ લોકતાંત્રિક દેશો છે, પરંતુ અમેરિકાનું અસલી મિત્ર પાકિસ્તાન છે. તે ખાનગીમાં પાકિસ્તાનને પંપાળે છે કારણ કે પાકિસ્તાનમાં તેનાં વ્યૂહાત્મક થાણાં છે. અમેરિકામાં ઘણાં વર્ષોથી રહેતા હજારો ભારતીયોને બેકાર બનાવી ભારત પાછા મોકલવાની નીતિઓ અખત્યાર કરનાર અમેરિકાની દાદાગીરીને કયાં સુધી વશ થઈશું?

– www.devendrapatel.in