અમેરિકાથી માદરેવતન આવેલા NRI 40 ગામોમાં ભજનોની સુરાવલી રેલાવશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમેરિકાથી માદરેવતન આવેલા NRI 40 ગામોમાં ભજનોની સુરાવલી રેલાવશે

અમેરિકાથી માદરેવતન આવેલા NRI 40 ગામોમાં ભજનોની સુરાવલી રેલાવશે

 | 1:58 pm IST

અમેરિકામાં લોંગેસ્ટ સિંગિંગ મેરેથોન (મલ્ટિપલ સિંગર) એવોર્ડ વિજેતા અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર ભક્ત સમાજનું ગ્રૂપ 30 દિવસ માદરેવતન આવ્યું છે. આ ગ્રૂપ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ગામડાઓ અને ઇન્દોર તેમજ ઉજ્જેન સહિત 40 સ્થળે સંત કબીરજીના રાગ આધારિક ક્લાસિકલ ભજનોની રમઝટ જમાવશે. હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભજનોની રમઝટ જામી રહી છે.

વાંસદાના સીતાપુર ગામે આવો જ એક કાર્યક્રમ ભક્ત સમાજના અગ્રણી અને અમેરિકાથી આવેલા સીતાપુરના મહેશભાઈ સન્મુખભાઈ ભક્તના પ્રયાસો થકી યોજાયો હતો. જેમાં સંગીતની સાથે સંત કબીરજીના રાગ આધારિત ક્લાસિકલ ભજનો પૌરાણિક શૈલીમાં એન.આર.આઈ.ઓના ગ્રૂપે રજૂ કરતા શ્રોતાજનો ડોલી ઉઠ્યા હતા. એનઆરઆઈઓની સમાજ પ્રત્યેની ભાવના, સમર્પણ અને યુવાપેઢીમાં જાગૃતિ લાવવાની અનોખી પરંપરાને કાર્યક્રમમાં બિરદાઈ હતી. એન.આર.આઈ.ઓનું ગ્રૂપ પોતાના સત્કારથી ગદગદિત થઈ ગયું હતું.

યુ.એસ.એ. સ્થિત ભજન મંડળના સભ્યોનું સન્માન સ્થાનિક વાંસદા રાજભક્ત સમાજના આગેવાનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત દિગ્વિરેન્દ્ર સિંહ સોલંકી (મહારાજ) અને યુવરાજનું સ્વાગત ભૂલાભાઈ ભક્ત અને મહેશભાઈ ભક્તે કર્યું હતું.

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત કાર્સન ખાતેના રામકબિર મંદિરના પ્રમુખ મુકુંદભાઈ ભક્ત સહિતના 30 જેટલા એન.આર.આઈ. અને ભક્ત સમાજના અગ્રણીઓ વતનના પ્રવાસ દરમિયાન ભજનોની જ સુરાવલીઓ રેલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન