અમેરિકન આગ્નેય અસ્ત્રઃ લેઝર વડે ધારે તેને ભસ્મીભૂત કરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • અમેરિકન આગ્નેય અસ્ત્રઃ લેઝર વડે ધારે તેને ભસ્મીભૂત કરશે

અમેરિકન આગ્નેય અસ્ત્રઃ લેઝર વડે ધારે તેને ભસ્મીભૂત કરશે

 | 8:40 pm IST

પૃથ્વી હાલમાં વિવિધ સંકટોમાંથી પસાર થઈ રહી છે. તેથી પ્રજા સ્મશાન વૈરાગ્યના મોડમાં છે. સંકટ ટળશે એટલે ફરી યુદ્ધના મોડમાં આવશે. અમેરિકા-ઈઝરાયેલને એ જ ચિંતા છે કે ચીન, રશિયા, ઉ.કોરિયા, ઈરાનનાં પ્રક્ષેપાસ્ત્રો અને ફિલિસ્તીનીઓનાં દેશી, હાથ બનાવટનાં રોકેટો સસ્તામાં કેવી રીતે તોડી પાડવાં?

તેઓને આકાશમાં તોડી પાડવા માટે મિસાઈલનો વળતો હુમલો કરવો પડે જે નાણાંની રીતે ખર્ચાળ પુરવાર થતો હોય છે. કોઈ બેેલેસ્ટિક મિસાઈલ કે વિમાનોનો હુમલો હોય તો ખર્ચ કરવો લેખે ગણાય, પરંતુ ફિલિસ્તાનીઓ ઘરઆંગણે માત્ર એક હજાર અમેરિકી ડોલર (લગભગ ૭૫થી ૭૬ હજાર રૂપિયા)માં રોકેટ બનાવી ઈઝરાયેલ પર છોડે તેને માર્ગમાં જ તોડી પાડવા માટે ઈઝરાયેલને પ્રતિ રોકેટ ૫૦ હજાર ડોલર (લગભગ ૩૭થી ૩૮ લાખ રૂપિયા)નો ખર્ચ થાય છે. આ મોટા તફાવતને કારણે ફિલિસ્તાનીઓ માટે તે આસાન છે કે ઈઝરાયેલ પર તેઓ મોટી સંખ્યામાં રોકેટ અથવા ડ્રોન છોડે અને તેને નાકામિયાબ બનાવવા માટે ઈઝરાયેલ ખુવાર થતું રહે, પરંતુ ઈઝરાયેલને તેનો ઉપાય હવે મળી જશે.

પ્રમુખ રોનાલ્ડ રિગનના સમયમાં લેઝર કિરણો વડે દુશ્મનોનાં મિસાઈલો, વિમાનો, ઉપગ્રહો વગેરે તોડી પાડવા માટે ‘સ્ટાર્સવોર્સ’ નામનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. હકીકતમાં ત્યારના સમયમાં રશિયાને ડરાવવાના હેતુથી અમુક પ્રાથમિક કક્ષાની શોધને બહેલાવીને એક મોટો હાઉ ઊભો કરવામાં આવ્યો હતો. રશિયાના ગોર્બાચોવ કેટલા ડરી ગયા હતા તે ગોર્બાચોવ જાણે, પરંતુ એ સમયમાં રશિયા-અમેરિકા વચ્ચે મહત્ત્વની શાંતિ સમજૂતી થઈ હતી.

આજથી ૧૨૨ વર્ષ પહેલાં, મશહૂર લેખક એચ.જી. વેલ્સની નવલકથા ‘ધ વોર ઓફ ધ વર્લ્ડ્ઝ’ પ્રસિદ્ધ થઈ હતી. એ વિજ્ઞાન આધારિત વાર્તામાં મંગળ ગ્રહના વાસીઓ ઈંગ્લેન્ડ પર ઊતરી આવે છે અને જે પૃથ્વીવાસીઓ તેઓની સામે પડકાર ઊભો કરે તેને તેઓ દૂરથી ગરમ પ્રકાશનાં કિરણો છોડીને ભુંજી નાખતા હતા. શહેરની અનેક મિલકતોને આગ લગાડી તેને વરાળમાં ફેરવી નાખતા હતા, પરંતુ ૧૯૩૪ સુધી આ માત્ર કલ્પનાઓ જ હતી.

તે વરસ બાદ ગરમ કિરણોને વાસ્તવિક બનાવવાની દિશામાં ગંભીર પ્રયત્નો શરૂ થયા.  બીજી તરફ જાપાનના વિજ્ઞાનીઓએ માઈક્રોવેવ્ઝ આધારિત એક એવું સાધન તૈયાર કર્યું જે કિરણો વડે ૩૦ મીટર દૂર રહેલા સસલાને સળગાવીને મારી શકતું હતું. આ અંતર ઘણું ઓછું હતું અને એ રીતે સસલાને મારી નાખવામાં પૂરી દસ મિનિટ લાગતી હતી. ત્યારબાદ ઘણાં વરસો એમ જ ગયાં અને છેક ૧૯૬૦માં લેઝર કિરણોની શોધ થઈ. ત્યારે પણ લેઝરનું એક નિશાન તાકી શકતાં શસ્ત્ર તરીકે વિકાસ શક્ય બન્યો ન હતો.

લેઝર અનેક વિવિધતામાં મળે છે, પરંતુ તેમાંના બે પ્રકારનાં લેઝર શસ્ત્રો તરીકે કામ આપશે. આ બેમાં એક સોલિડ સ્ટેટ લેઝર્સ છે અને બીજા કેમિકલ લેઝર્સ છે. તેમાં અણુઓ અને એનર્જી એક જગ્યાએ સ્થિર અને મર્યાદામાં રહે છે અને ચલિત થતાં નથી. સોલિડ સ્ટેટ લેઝર માટે કાચમાં કે ક્રિસ્ટલમાં ઊર્જા દાખલ કરવાથી તેમાંથી લેઝર નીકળે છે. કેમિકલ લેઝરમાં બે કે વધુ પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાનું આયોજન કરીને ઊર્જા મેળવવામાં આવે છે.

વર્ષ ૧૯૧૦ સુધીમાં અમેરિકા કેમિકલ-લેઝર વેપન્સ વિકસાવવાની નજીક આવી પહોંચ્યું હતું, પરંતુ તે માટેની સિસ્ટમ (લેઝર રચીને છોડવાની યંત્રણા) ૧૭ ટન વજનની અનેરાક્ષસી હતી. વાસ્તવમાં એ યંત્રણાની અવધારણા ‘સ્ટાર્સવોર્સના’ સમયમાં બંધાઈ હતી, જેમાં આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવાને વધુ મહત્ત્વ અપાયું હતું. મિસાઈલ છૂટે ત્યાં જ તેને તોડી પાડવાની વાત છે તેથી લેઝર કિરણો ખૂબ પાવરફુલ હોવા ઘટે. પરિણામે સિસ્ટમ આટલી વજનદાર બની. તેના પ્રયોગો સફળ રહ્યા હતા પરંતુ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે બોઈંગ ૭૪૭ વિમાનની જરૂર પડતી હતી. તે સિસ્ટમમાં લેઝર માટે જે ઊર્જા પમ્પ (ભરવામાં) કરવામાં આવે તેના કેમિકલ રિએક્શન તરીકે ત્રણ કેમિકલ બહાર પડતા. ક્લોરિન, હાઈડ્રોજન પેરોકસાઈડ અને પોટેશિયમ હાઈડ્રોકસાઈડ. આ ત્રણેય કેમિકલ ધાતુઓને ખાઈ જાય. એ જ રીતે આયોડિન પમ્પ કરવામાં આવતું તે પણ ધાતુને ખાઈ જાય છે. કોઈ વિમાનમાં આ ચાર રસાયણો હોય તે ઈચ્છનીય નથી. અમેરિકનોને, ૧૬ વર્ષ સુધીમાં પાંચ અબજ ડોલરથી વધુ ખર્ચ કર્યા બાદ ૨૦૧૧માં આ પ્રોજેકટ અવ્યવહારુ જણાયો તેથી અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો.

હવે જે લેઝર વેપન્સ તૈયાર કરાયાં છે તેમાં સોલિડ-સ્ટેટનો માર્ગ અપનાવાયો છે. લેઝરને સક્રિય કરવા માટે લેઝર વડે જ ઊર્જા અપાય છે. અગાઉ જ્યાં રૂબીનો ઉપયોગ થતો હતો ત્યાં હવે નીઓબીઅમનો દ્રાશ ધરાવતો ક્રિસ્ટલ ગોઠવવામાં આવે છે. પદાર્થો અને રસાયણોના યોગ્ય સંયોજન વડે શક્તિશાળી વેવલેન્થમાં લેઝર ઉત્પન્ન કરી શકાય છે. આજે એક માઈક્રોનની લંબાઈના લેઝર સર્જી શકાય છે જે હવામાનમાં શોષાઈ જતાં નથી. હાલના સોલિડ સ્ટેટ લેઝર અગાઉના સોલિડ-સ્ટેટ કરતાં ખૂબ શક્તિશાળી હોય છે. અગાઉ લેઝર પ્રગટાવીને વહેતા મૂકવા માટે જે ઊર્જા અપાતી હતી તેમાંની ત્રણ ટકા જ મુખ્ય લેઝર કિરણમાં રૂપાંતર પામતી હતી. તેથી મોટાં સાધનો અને વધુ ઊર્જાની જરૂર પડતી. આજે કુલ ઊર્જામાંથી ૩૩ ટકા ઊર્જા મૂળ લેઝરમાં રૂપાંતર પામે છે.એટલે સાધનો નાનાં થઈ ગયાં છે.

૨૦૧૪માં અમેરિકાના નૌકાદળે ૩૦ કિલોવોટ્સની શક્તિ ધરાવતા લેઝર મશીનનો એક નૌકાજહાજ પર ગોઠવીને પ્રયોગ કર્યો હતો. તેના વડે આસપાસ ઊડતાં ડ્રોન વિમાનો અને નૌકાઓનાં મશીનો અને મશીનના ભાગો સળગાવી દેવાયા હતા.  આ સફળતા બાદ બમણી અને ચાર ગણી ક્ષમતાનાં મશીનો તૈયાર કરાયાં છે. અમેરિકાનાં નૌકાજહાજો પર ફીટ કરાઈ રહ્યાં છે. રણગાડીઓ અને અન્ય વાહનો પર ફીટ કરાય તેવાં યંત્રો પણ તૈયાર થઈ રહ્યાં છે જે હવામાંથી આવી રહેલા હુમલા સામે રક્ષણ આપશે. લેઝર કિરણો ખૂબ નાના ક્ષેત્રમાં ફેલાઈને પ્રચંડ ગરમી ધરાવતાં હોય છે. આ માટે તેને એવા મિરરમાંથી પસાર કરવાનાં રહે છે જે મિરરમાં તેની ઊર્જા શોષાઈને ઘટી ન જાય.  અરીસાઓ તેમજ સચોટ નિશાન તાકવા માટે છેલ્લાં વીસ વરસમાં અમુક નવી ટેક્નિકો શોધાઈ છે જે લેઝર વેપન્સને ખૂબ શક્તિશાળી અને સચોટ બનાવે છે. વળી તેનો ખૂબ મોટો ફાયદો એ છે કે તેનું નિર્માણ અને પ્રક્ષેપણ ખૂબ સસ્તું પડે છે. તેથી દુશ્મનોની મિસાઈલો, ડ્રોન્સ, રોકેટ માત્ર બેપાંચ ડોલરના ખર્ચે તોડી પાડી શકાશે. ઉપરાંત લેઝર એક એવો દારૂગોળો છે જે ક્યારેય ખલાસ થતો નથી. ધારો એટલી માત્રામાં પેદા કરી શકાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન